Mon Aug 31 2026

Logo

ઓટો-રિક્ષા અને ટેક્સીચાલકોને મરાઠી શીખવા માટે મળશે એક વર્ષનો સમય: ફડણવીસ

2026-08-27 19:36:01
Author: Mumbai Samachar Team
ઓટો-રિક્ષા અને ટેક્સીચાલકોને મરાઠી શીખવા માટે મળશે એક વર્ષનો સમય: ફડણવીસ

 મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઓટો-રિક્ષા અને ટેક્સી ચાલકો માટે એક મોટી જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાને સૌથી મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારે ઓટો-રિક્ષા અને ટેક્સીચાલકોને સામાન્ય મરાઠી ભાષા શીખવા માટે એક વર્ષનો સમય આપવાનો નિર્ણય કર્યો છે, જે હજારો પરપ્રાંતીય ડ્રાઈવરો માટે મોટી રાહતસમાન છે. 

રાજ્યની અધિકૃત ભાષાનું જરૂરી જ્ઞાન ન હોવા બદલ આ સમયગાળા દરમિયાન વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું. પરિવહન શિવસેનાના પ્રધાન પ્રતાપ સરનાઈકનાં નેતૃત્વ હેઠળના વિભાગ દ્વારા તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને મરાઠી ભાષાની કસોટીમાં નિષ્ફળ ગયેલા વાહનચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી, તેના થોડા દિવસો બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

ફડણવીસે પત્રકારોને જણાવ્યું હતું કે હાજી અરફત શેખના નેતૃત્વમાં ઓટો-રિક્ષા અને ટેક્સી ચાલકોના સંગઠનોના પ્રતિનિધિઓએ તેમની મુલાકાત લીધી હતી. તેમણે ઉમેર્યું કે ચાલકોએ પાયાની મરાઠી ભાષા શીખવાના નિયમને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને તેઓ શીખવા માટે પણ તૈયાર છે. 

જો કે, પ્રતિનિધિઓએ એ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે ડ્રાઇવરો અલગ-અલગ વયજૂથના છે અને તેમાંથી ઘણાએ વર્ષો પહેલાં ઔપચારિક શિક્ષણ છોડી દીધું હતું, જેના કારણે ટૂંકા ગાળામાં મરાઠી શીખવું તેમના માટે મુશ્કેલ છે. 
તેથી તેમણે એક વર્ષનો સમય આપવાની વિનંતી કરી હતી જે સરકારે સ્વીકારી લીધી છે અને તેમને એક વર્ષનો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં," એમ ફડણવીસે કહ્યું હતું. 

જોકે, સરકારના આ નિર્ણયથી પરપ્રાંતીય હજારો રિક્ષા-ટેક્સી ડ્રાઈવરને રાહત તો થઈ છે. એટલું જ નહીં, ફડણવીસ સરકારના આ નિર્ણયથી હાલ પૂરતો સંભવિત ભાષાવાદ નામે વિવાદને ડામી દેવાનો પ્રયાસ કર્યો છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.