Thu Oct 01 2026

Logo

એશિયન ગેમ્સની મહિલા ટી-20માં ભારત ફક્ત પાંચ ઓવરમાં જીતી ગયું: જાણો કેવી રીતે

Nagoya   2026-09-18 13:08:00
Author: Ajay Motiwala
એશિયન ગેમ્સની મહિલા ટી-20માં ભારત ફક્ત પાંચ ઓવરમાં જીતી ગયું: જાણો કેવી રીતે

Imag Source: BCCI


ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં: શ્રી ચરની અને શેફાલીના સ્ટાર પર્ફોર્મન્સ


નાગોયા: એશિયા કપ વિજેતા ભારતની મહિલા ક્રિકેટ ટીમે અહીં યજમાન જાપાનને એશિયન ગેમ્સ (Asian games)ની ટી-20 ટૂર્નામેન્ટની કવૉર્ટર ફાઈનલમાં 15 ઓવર બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.

ભારત-પાકિસ્તાન ફાઈનલમાં સામસામે આવશે?

હવે રવિવારે પ્રથમ સેમિ ફાઈનલમાં પાકિસ્તાનનો મુકાબલો શ્રીલંકા સામે અને ભારત (India)નો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં સામસામે આવી શકે.

મેન્સ ક્રિકેટમાં ભારતની પહેલી મૅચ 28મી સપ્ટેમ્બરે રમાશે. શ્રેયસ ઐયર ભારતનો કેપ્ટન છે.

ક્વૉર્ટર ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જાપાનને ફક્ત 57 રનમાં ઑલઆઉટ કર્યું ત્યાર બાદ 24 રનમાં ગુમાવેલી બે વિકેટના ભોગે ફક્ત પાંચ ઓવરમાં 59 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. શેફાલી વર્મા (40 અણનમ, 15 બૉલ, બે છગ્ગા, છ ચોગ્ગા) ભારતની ઈનિંગ્સની સ્ટાર-બૅટર હતી. સ્મૃતિ મંધાના ઓપનિંગમાં નહોતી રમી. શેફાલી સાથે ઓપનિંગમાં રમનાર જી. કમલિની નામની બીજી ઓપનર શૂન્યમાં અને ભારતી ફૂલમાલી ફક્ત 6 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

જોકે શેફાલી વર્માએ એક છેડો સાચવી રાખ્યો હતો અને વિકેટકીપર રિચા ઘોષ (12 અણનમ) સાથે મળીને ભારતને આસાન વિજય અપાવી દીધો હતો. ભારતીય ટીમે 59 રન ફક્ત પાંચ ઓવરમાં (30 બૉલમાં) બનાવી લીધા હતા. જાપાનની મહિલા ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે.

રમતોત્સવનો શનિવારથી સત્તાવાર આરંભ

જાપાનમાં એશિયન ગેમ્સ ટૂર્નામેન્ટ સત્તાવાર રીતે શનિવાર, 19 સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે, પરંતુ શેડ્યૂલ અનુસાર મહિલાઓની ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો થોડા દિવસ પહેલા જ આરંભ થઈ ગયો અને ભારતે જાપાન સામેની ક્વૉર્ટર ફાઇનલ જીતી પણ લીધી. અન્ય ત્રણ કવૉર્ટર ફાઈનલમાં પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશે વિજય મેળવ્યો હતો. 

નવાઈની વાત એ છે કે એશિયન ચેમ્પિયન ભારત સામે જાપાનની ટીમે 20મી ઓવર સુધી બૅટિંગ કરી હતી. 20મી ઓવરના છેક પાંચમા બૉલ પર તેમની અંતિમ વિકેટ પડી હતી.

33 વર્ષની ઑલરાઉન્ડર મઈ યાનાગીડા જાપાનની કેપ્ટન હતી. ફક્ત 16 વર્ષની આયાકા કાતો-સ્ટેન્ડફર્ડ નામની ઓપનરના 25 રન જાપાનની ટીમમાં હાઈએસ્ટ હતા.

શ્રી ચરનીની ચાર, શેફાલીની બે વિકેટ

ભારતીય બોલર્સમાંથી સ્પિનર શ્રી ચરનીએ સૌથી વધુ ચાર વિકેટ તેમ જ શેફાલી વર્માએ બે વિકેટ લીધી હતી. બીજી બે સ્પિનર દીપ્તિ શર્મા અને શ્રેયંકા પાટીલે એક-એક વિકેટ મેળવી હતી.