Thu Oct 01 2026

Logo

એશિયન ગેમ્સ ટી-20ઃ બાંગ્લાદેશની મહિલાઓ મેદાન પર ઉતર્યા વગર સેમિ ફાઇનલમાં પહોંચી!

Nagoya   2026-09-17 16:24:00
Author: Ajay Motiwala
એશિયન ગેમ્સ ટી-20ઃ બાંગ્લાદેશની મહિલાઓ મેદાન પર ઉતર્યા વગર સેમિ ફાઇનલમાં પહોંચી!

નાગોયા (જાપાન): એશિયન ગેમ્સ હજી શરૂ નથી થઈ, પણ એ પહેલાં જ બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે અને એ પણ મેદાન પર ઊતર્યા વગર! વાત એવી છે કે બાંગ્લાદેશની ચીન સામે ક્વૉર્ટર ફાઇનલ મૅચ હતી, પણ મેદાન ભીનું હોવાને કારણે એ મૅચ પડતી મૂકવામાં આવી હતી અને ટી-20 રૅન્કિંગમાં ચડિયાતા ક્રમ બદલ બાંગ્લાદેશ (Bangladesh)ને વૉક-ઓવર મળી જતાં એને સીધા સેમિ ફાઇનલમાં જવા મળી ગયું હતું.

આ મૅચ નિશિન શહેરમાં આઇચી પ્રીફેક્ચરના કૅરોગી સ્પોર્ટ્સ પાર્કમાં રમાવાની હતી. વરસાદ પડી ચૂક્યો હોવાથી મેદાન રમવા લાયક નહોતું એટલે ટૉસ પણ નહોતો રાખવામાં આવ્યો. સેમિ ફાઇનલમાં બાંગ્લાદેશનો મુકાબલો ભારત-જાપાન વચ્ચે શુક્રવારે રમાનારી મૅચ જીતનારી ટીમ સામે થશે. બાંગ્લાદેશ આઇસીસી વિમેન્સ રૅન્કિંગમાં 10મા નંબરે છે, જ્યારે ચીન છેક 36મા સ્થાને છે.

પાકિસ્તાન ભારે સંઘર્ષ પછી જીત્યું

ગુરુવારે પાકિસ્તાન (Pakistan) અને થાઇલૅન્ડની મહિલા ટીમ વચ્ચે ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાઈ હતી જે પાકિસ્તાને મહા મહેનતે જીતી હતી. મેદાન ભીનું હોવાને કારણે મૅચ મોડી શરૂ થઈ હતી. થાઇલૅન્ડે નિર્ધારિત 11 ઓવરમાં ચાર વિકેટે 91 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમ 47 રનમાં ચાર વિકેટ ગુમાવી ચૂકી હતી. જોકે શવાલ ઝુલ્ફિકાર (પચીસ રન) પછી કૅપ્ટન ફાતિમા સના (21 રન)ની મદદથી પાકિસ્તાને 10.4 ઓવરમાં 7/92ના સ્કોર સાથે મૅચ જીતી લીધી હતી. જોકે પાકિસ્તાનની ટીમ ફક્ત બે બૉલ બાકી હતા ત્યારે જીતી શકી હતી. થાઇલૅન્ડની ઑનિચા કામ્કૉમ્ફુ નામની ઑફ સ્પિનરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

ભારત-પાકિસ્તાન ફાઇનલમાં આવી શકે

પાકિસ્તાનની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે જેમાં એનો મુકાબલો શ્રીલંકા અથવા મલયેશિયા સામે થશે. બીજી તરફ, ભારત સેમિમાં જાપાન સામે રમશે. જો ભારત અને પાકિસ્તાન પોતપોતાની સેમિ ફાઇનલ જીતી જશે તો ફાઇનલમાં સામસામે આવી શકશે. તાજેતરના એશિયા કપમાં ભારતે પાંચમી સપ્ટેમ્બરે પાકિસ્તાનની ટીમને સાત વિકેટે કચડી નાખી હતી.