Fri Apr 17 2026

Logo

કવર સ્ટોરીઃ શાસ્ત્રીય સંગીતના સપ્ત સૂર

2026-04-17 09:00:00
Author: Hema shashtri
Article Image

 

હેમા શાસ્ત્રી

આશા ભોસલે...
આ નામ કાને પડતાની સાથે હેલનના કેબ્રે સોન્ગ્સ ‘પિયા તૂ અબ તો આજા’ (કારવાં) કે પછી ‘આજ કી રાત કોઈ આને કો હૈ રે બાબા રે ઈંતઝાર’ (અનામિકા) નજર સામે તરવરવા લાગે. તરત ઝીનત અમાન પર ફિલ્માવાયેલું અમરત્વ પ્રાપ્ત કરનાર ‘દમ મારો દમ’ તેમજ ‘અનહોની’ ફિલ્મનું ‘ઉસને થોડી સી પિલાઈ તો હંગામા હો ગયા’ જેવાં માદક ગીત યાદ આવી જાય.

આમ ડિસ્કો અથવા સેડ સોન્ગ સુધ્ધાંનું સ્મરણ થાય, પણ ક્લાસિકલ સોન્ગ્સ? શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો આશા ભોસલેનાં ? માથું ખંજવાળવું પડે એ હકીકત છે. હિન્દી ફિલ્મોની પ્રદીર્ઘ કારકિર્દીમાં કેબ્રે સોન્ગ્સ, માદક ગીતો, નૃત્ય ગીતો, કવ્વાલી, ગઝલ, મુજરા ગીત, ઉછળકૂદ રોમેન્ટિક ગીતો સહિત અન્ય શૈલીનાં ગીતોથી સંગિતપ્રેમીઓનું મન મોહી લેનારાં આશાજીએ શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો સુધ્ધાંમાં પણ પોતે પારંગત હોવાનું એકથી વધુ વાર સિદ્ધ કર્યું છે. ગીતની સરળ પંક્તિને ગાયકીથી ઊંચા આસને બેસાડી દેવાનો હુન્નર એમને હસ્તગત હતો.

આશાજીએ ફિલ્મોમાં ગાવાની શરૂઆત કરી ત્યારે સંગીત વિશ્વમાં મોટી બહેન લતા મંગેશકરનું આધિપત્ય હતું. એ પરિસ્થિતિમાં પોતે કશુંક અલગ પ્રદાન કરી શકે છે એ સિદ્ધ કરવા તેમણે અલાયદી ગાયન શૈલી અપનાવી. શરૂઆતમાં જે પણ ગીતો મળતાં હતાં એ સ્વીકારી લીધાં- આર્થિક મજબૂરી અને પોતાનું વૈવિધ્ય સ્થાપિત કરવા. પિતાશ્રી દીનાનાથ મંગેશકર પાસે મળેલી શાસ્ત્રીય સંગીતની તાલીમ એમને પોતાની અલગ ઈમેજ બનાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ. 

જોકે હકીકત એ છે કે ક્લાસિકલ બેઝ હોવા છતાં આશાતાઈને લતા દીદી કે રફી અથવા મન્ના ડેની જેમ શાસ્ત્રીય શૈલીનાં ગીતો ગાવાની વિશેષ તક ન મળી. મોકો મળ્યો ત્યારે આશાજીએ એમાં પ્રાણ રેડી એને ચાર ચાંદ લગાડી દીધા.    
 
સંગીતના સાત સૂરની જેમ આશાજીના સાત ક્લાસિકલ સોન્ગ જાણી-માણી એમને આદરાંજલિ આપીએ. આશાજીનાં ગીતો સાંભળવા કે સંભળાવવા બેસો ત્યારે આ ગીત ઉમેરવાનું યાદ રાખજો... (ગીતોના રાગની માહિતી જાણકાર પાસેથી લેવામાં આવી છે).

*કૈસે સમજાઉં બડે નાસમજ હો - સૂરજ

કાલ્પનિક સામ્રાજ્ય અને રાજપાટની પાર્શ્વભૂમિ ધરાવતા આ ચિત્રપટના ગીત - સંગીતને બહોળો આવકાર મળ્યો હતો. આશાજીનો અવાજ હીરોઈન માટે પણ પ્લેબેકને પાત્ર છે એવી માન્યતા બંધાઈ જતા આ ચિત્રપટમાં રાજકુમારી હોવા છતાં નોકરાણીનો ડોળ કરતી વૈજ્યંતિમાલાને કંઠ આશાજીએ આપ્યો છે. રાજ દરબારમાં રાજેન્દ્ર કુમાર અને વૈજ્યંતિમાલા વચ્ચે એક નૃત્ય હરીફાઈના ભાગ સ્વરૂપે આ ગીત નૃત્ય છે, ભૈરવી એસજેનો પ્રિય રાગ રહ્યો છે અને ઉત્સાહથી ઉછળતા પેપી સોંગ્સમાં માહેર તાઈએ પોતે સ્થિર સ્વભાવમાં પણ ખીલી ઊઠે છે એ સિદ્ધ કર્યું છે.

*નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ - દિલ હી તો હૈ

રાજ કપૂર - નૂતનની જોડીએ કેટલીક યાદગાર ફિલ્મો આપી છે. ‘અનાડી’, ‘ક્ધહૈયા’, ‘છલિયા’ અને ‘દિલ હી તો હૈ’. આ ફિલ્મની ખાસિયત એ છે કે હીરો  હીરોઈનનાં  પાત્રો જરાય ગંભીર નથી અને જીવનમાં જટિલતા કે ગૂંચવાડો નથી. એસ. ડી. બર્મન ઉપરાંત સાહિર લુધિયાનવીએ રોશન સાથે પણ કેટલાક યાદગાર ગીત આપ્યા છે. નિર્ભેળ અર્થમાં મનોરંજન પીરસનારી ફિલ્મના ગીત- સંગીતને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. 

રોશનજીની ધૂનોમાં શાસ્ત્રીય રાગની જટિલતા ઓછી, સાદગી વધુ નજરે પડતી હતી. કવ્વાલીમાં તેમનો કસબ ખીલી ઊઠતો હતો. 1960ના દોરમાં કવ્વાલીનું ખાસ્સું ચલણ હતું અને પોતે આ પ્રકારના ગીતની રજૂઆતમાં કૌશલ ધરાવે છે એ સિદ્ધ કરવાની તક આશાજીને મળી અને યમન કલ્યાણ રાગમાં સ્વરબદ્ધ થયેલા ગીતમાં તેમણે સુપેરે નિભાવી.

આપ યૂં હી અગર હમસે મિલતે રહેં - એક મુસાફિર એક હસીના

સંગીતના અભ્યાસુઓના કહેવા અનુસાર રાગ કેદાર પ્રાચીન રાગ છે અને એમાં સ્વરબદ્ધ થયેલા ગીત ભારેખમ નહીં પણ હળવાફૂલ જેવા હોય છે. મદન મોહન સાથે કેટલાક લાજવાબ ગીતો આપનારા રાજા મેહદઅલી ખાં સાહેબનું ઓ. પી. નય્યર સાથે પ્રેમ અને રમતિયાળ સ્વભાવના સુંદર સંયોજનનું આ ગીત મજેદાર છે. યુગલગીતમાં સાથે રફી છે અને આશાજીની રજૂઆતએ સામાન્ય પ્રેમ ગીતને યાદગાર બનાવી દીધું છે.

*તોરા મન દર્પન કેહલાએ - કાજલ

મોટાભાગના સંગીતકારો માટે લતાદીદી સિવાયની અન્ય ગાયિકાનું સ્થાન ધરાવનારાં આશા તાઈ સંગીતકાર રવિ માટે ‘ફર્સ્ટ ચોઈસ’ - પહેલી પસંદ હતાં. એક આધારભૂત માહિતી અનુસાર રવિની 92 ફિલ્મમાંથી 89 ફિલ્મમાં આશાજીનું ઓછામાં ઓછું એક ગીત હતું. ‘કાજલ’માં રફીની બે ગઝલ છે, પણ આશાજીનું મુશ્કેલ માનવામાં આવતા રાગ દરબારી કાનડામાં સ્વરબદ્ધ થયેલા આ ભજનમાં આશાજીનું કૌશલ ખીલી ઉઠ્યું છે. રાગ અને ગીતના શબ્દોને શત પ્રતિશત ન્યાય આપવામાં આશાજી સફળ રહ્યાં છે. એમાંય ‘ભલે બૂરે સારે કર્મો કો દેખે ઔર દિખાયે’ પંક્તિ આવે છે ત્યારે ભલભલા લોકો હિસાબ માંડવા બેસી જાય છે.

*ઠંડી ઠંડી પવન કી પુહાર - જાગતે રહો

રાજ કપૂર - નરગીસની અંતિમ ફિલ્મ ‘જાગતે રહો’ અનેક કારણસર યાદગાર છે જેમાં ગીત - સંગીતનો પણ સમાવેશ છે. ‘જિંદગી ખ્વાબ હૈ’ ગીતથી સ્મરણમાં રહી ગયેલા પત્નીની અવગણના અને અવહેલના કરતા શરાબી મોતીલાલ ઘરે આવે છે ત્યારે પતિના પ્રેમ અને આદર માટે તરસતી આદર્શ ગૃહિણીની આ યાચના છે. નશામાં ધૂત પતિ પત્નીને ગીત ગાવા બળજબરી કરે છે. પતિ ગણિકા પાસે પાછો જતો ન રહે એટલે (‘સાહિબ બીબી ઔર ગુલામનું ’ ન જાઓ સૈયાં છૂડા કે બૈયાં યાદ કરો) પત્ની ગીત ગાય છે. આશાજીનો સ્વર અને ગળાની મીઠાશ દેશ રાગના આ ગીતને ભાવપૂર્ણ બનાવી દે છે.

*પિયા બાવરી, પિયા બાવરી - ખૂબસૂરત

હૃષીકેશ મુખરજીએ આ ફિલ્મનો રોલ ઓફર કર્યો ત્યારે ખુદ રેખાને શંકા હતી કે પોતે ભૂમિકાને યોગ્ય ન્યાય આપી શકશે અને દર્શકો સ્વીકારશે? એવી જ રીતે અલાયદી ધૂનના ગીત આરડી લતા પાસે ગવરાવે છે અને સરળ ગીતો પોતાને આપે છે એવી કાયમ ફરિયાદ કરનારાં આશા તાઈને પણ રાગ બિહાગનું આ ગીત મળ્યું ત્યારે આશ્ર્ચર્ય થયું હતું. આશાજીએ રેખાના પાત્ર મંજુના રમતિયાળ સ્વભાવને જાળવી ગીતને પૂર્ણ ન્યાય આપી યાદગાર બનાવી દીધું છે. કારકિર્દીમાં મહત્ત્વની સાબિત થયેલી આ ફિલ્મમાં આશાજીના આ ગીતનો ઉલ્લેખ રેખાએ અનેક વાર કર્યો છે.

*અબ કે બરસ ભૈયા કો બાબુલ - બંદિની

એસ. ડી. બર્મન અને શૈલેન્દ્ર વચ્ચે ખટરાગ થયો ગીતકાર ગુલઝારની સત્તાવાર એન્ટ્રી બિમલ રોયની આ યાદગાર ફિલ્મની કડવી-મીઠી સ્મૃતિઓ છે. ગીત હીરોઈન પર નથી ફિલ્માવ્યું એટલે કદાચ લતાને બદલે આશાતાઈને આ ગીત મળ્યું હશે એવી અટકળ છે. જે હોય તે, પણ શૈલેન્દ્રના ગીતમાં બાળપણનું સ્મરણ કરી એને ઝંખતી ક્ધયાની લાગણી જે રીતે કાગળ પર ઊતરી છે એના કરતાં એક ડગલું આગળ વધી આશાજીના કંઠને કારણે ગીત અવિસ્મરણીય બની ગયું છે. પીલુ રાગમાં સ્વરબદ્ધ થયેલા આ ગીતમાં શૈશવ કાળની સાથે જેલની એકલતાનું દર્દ પણ તાઈના સ્વરમાં વ્યક્ત થાય છે.

આ બધા ઉપરાંત ,‘મૈં સુહાગન હૂં’નું ‘ગોરી તેરે નૈન નૈનવા કાજર બિન કારે કારે’, ‘મિસ મેરી’નું ‘સખી રી સુન બોલે પપીહા ઉસ પાર’, ‘ઉમરાવ જાન’નું ‘ઈન આંખોં કી મસ્તી કે’, ‘નવરંગ’નું ‘આધા હૈ ચંદ્રમા રાત આધી’, ‘શારદા’નું ‘ઓ ચાંદ જહાં વો જાએ’ પણ આશાજીના યાદગાર શાસ્ત્રીય રાગ આધારિત ગીત છે.