Wed Sep 16 2026

Logo

આસારામના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, રાજસ્થાન સરકાર પાસે માંગ્યો મેડિકલ રિપોર્ટ

2026-07-17 15:27:00
Author: Mumbai Samachar Team
આસારામના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, રાજસ્થાન સરકાર પાસે માંગ્યો મેડિકલ રિપોર્ટ

નવી દિલ્હીઃ જોધપુરમાં સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુની વચગાળાની જામીન અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

તબિયત ખરાબ હવાલો આપીને આસારામે કોર્ટ પાસે થોડા સમય માટે વચગાળાના જામીન આપવાની માંગ કરી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને નિર્દેશ આપ્યો છે કે તેઓ આસારામના મેડિકલ રિપોર્ટની તપાસ કરીને જણાવે કે શું તેમની સ્વાસ્થ્યની સ્થિતિ ખરેખર એટલી ગંભીર છે કે તેમને સારવાર માટે થોડા સમયના વચગાળાના જામીન મળવા જોઈએ.

જોકે, રાજસ્થાન સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે હાલમાં આસારામની સ્વાસ્થ્ય સ્થિતિ સારી છે.

તેમણે કહ્યું કે આશરે ત્રણ મહિના પહેલા આસારામ અયોધ્યા અને કાશી વિશ્વનાથ ગયા હતા, જ્યાં તેમણે પગપાળા ફરીને દર્શન કર્યા હતા. આમ છતાં, સરકાર સંબંધિત અધિકારીઓ પાસેથી નવો હેલ્થ રિપોર્ટ અને અન્ય જરૂરી માહિતી મેળવીને કોર્ટ સમક્ષ રજૂ કરશે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો મેડિકલ રિપોર્ટથી એ સાબિત થાય છે કે આસારામની હાલત ખરેખર ગંભીર છે, તો કોર્ટ નથી ઈચ્છતી કે તેમની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને. કોર્ટે જણાવ્યું કે જરૂર પડ્યે માત્ર સારવારના હેતુથી મર્યાદિત સમયગાળા માટે વચગાળાના જામીન આપવા પર વિચાર કરી શકાય છે.

કોર્ટે આ બાબતમાં રાજસ્થાન સરકારને 21 જુલાઈ સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારનો રિપોર્ટ આવ્યા બાદ જ સુપ્રીમ કોર્ટ વચગાળાના જામીનની માંગ પર નિર્ણય લેશે.

નોંધનીય છે કે વર્ષ 2013માં જોધપુર સ્થિત પોતાના આશ્રમમાં એક સગીરા પર બળાત્કારના આરોપમાં આસારામની 1 સપ્ટેમ્બર 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબી સુનાવણી ચાલી અને એપ્રિલ 2018માં જોધપુરની વિશેષ અદાલતે તેમને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી જ તેઓ જેલમાં બંધ છે.