Mon Jul 27 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ કેજરીવાલનું ‘સત્યાગ્રહ’નું તૂત: હાસ્યાસ્પદ મુદ્દા, વાહિયાત દલીલો

2026-04-28 08:27:00
Author: Bharat Bharadwaj
Article Image

ભરત ભારદ્વાજ

રાઘવ ચઢ્ઢા સહિતના રાજ્યસભાના 7 સાંસદો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ભળી ગયા તેના કારણે આપના મુખિયા અરવિંદ કેજરીવાલના માથે માછલાં ધોવાઈ જ રહ્યાં છે ત્યાં કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટનાં જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા સામે જંગ છેડીને પેટ ચોળીને નવું શૂળ ઊભું કર્યું છે. કેજરીવાલે લિકર કેસની સુનાવણી કરી રહેલાં  જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં એજન્ટ ગણાવીને પોતાના કેસમાંથી દૂર કરવા અરજી કરેલી. કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાન્તા સામે બીજા પણ અત્યંત ગંભીર કહેવાય એવા અંગત આક્ષેપો કરેલા પણ હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતાં કેજરીવાલે હવે ‘સત્યાગ્રહ’નું તૂત શરૂ કર્યું છે. 

દિલ્હી જ નહીં પણ આખા ભારતમાં ગાજેલા લિકર એક્સાઈઝ કેસમાં સીબીઆઈએ પહેલાં મનિશ સિસોદિયા અને પછી અરવિંદ કેજરીવાલને ઉઠાવીને જેલમાં ધકેલી દીધા હતા. બંને લંબો સમય સુધી જેલની હવા ખાધા પછી જમીન પર છૂટેલા. આ કેસમાં પછીથી ટ્રાયલ કોર્ટે કેજરીવાલ અને સિસોદિયા બંનેને દૂધે ધોયેલા જાહેર કરીને નિર્દોષ છોડી મૂક્યા હતા. આ કેસના તમામ 23 આરોપીઓને કોર્ટે છોડી મૂકેલા. તેની સામે સીબીઆઈએ હાઈ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીની સુનાવણી શરૂ થાય એ પહેલાં જ કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાન્તા સામે મોરચો માંડીને તેમને કેસમાંથી હટાવવાના ઉધામા શરૂ કરી દીધેલા. તેની સામે અરજી પણ કરેલી પણ હાઈ કોર્ટે અરજી ના સ્વીકારતાં હવે ‘સત્યાગ્રહ’ના તૂત પર ઉતર્યા છે. 

કેજરીવાલે જસ્ટિસ શર્માને ના હટાવાય ત્યાં સુધી પોતે કે પોતાનો વકીલ લિકર કેસમાં કોર્ટમાં હાજર નહીં થાય એવું સત્તાવાર રીતે કોર્ટને જણાવ્યું છે. જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માને લખેલા ચાર પાનાંના લાંબાલચ્ચક કાગળમાં કેજરીવાલે પચીસ મુદ્દામાં પોતે કેમ જસ્ટિસ સ્વર્ણકાન્તાને પોતાના કેસમાં નથી ઈચ્છતા તેનું પિષ્ટપિંજણ કર્યું છે. 

કેજરીવાલનું  કહેવું છે કે, પોતાને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે પણ જસ્ટિસ સ્વર્ણકાન્તામાં નથી તેથી જસ્ટિસ સ્વર્ણકાન્તા સુનાવણી કરે તો પોતાને ન્યાય મળવાની જરાય આશા નથી. આ સંજોગોમાં પોતાની પાસે ગાંધીચીંધ્યા માર્ગે ‘સત્યાગ્રહ’ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચતો નથી. કેજરીવાલે પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને પોતે આ નિર્ણય લીધો હોવાનો દાવો કર્યો છે અને જાહેર કર્યું છે કે, જસ્ટિસ સ્વર્ણકાન્તા પોતાની વિરુદ્ધ ચુકાદો આપે તો તેની  સામે પોતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. ટૂંકમાં કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાન્તાને મરજી આવે એ ચુકાદો આપવા પડકાર ફેંકી દીધો છે. 

કેજરીવાલની હરકત આઘાતજનક છે ને આ દેશના ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે  સીધો પડકાર જ ફેંકી રહ્યા છે. જસ્ટિસ સ્વર્ણકાન્તા આ દેશની સુપ્રીમ કોર્ટે નક્કી કરેલી પ્રક્રિયાને અનુસરીને દિલ્હી હાઈ કોર્ટમાં જજ નિમાયા છે. હાઈ કોર્ટના જજ તરીકેની તેમની કામગીરીમાં તેમણે કદી કોઈ એવા ચુકાદા આપ્યા નથી કે જેના કારણે પૂર્વગ્રહ ધરાવતાં હોય કે કોઈ ચોક્કસ વિચારધારા કે પક્ષની કંઠી બાંધીને ફરતા હોય એવું લાગે. જજ તરીકેનો તેમનો રેકોર્ડ એકદમ ક્લીન છે એ જોતાં તેમની સામે આંગળી ચીંધવી એ ન્યાયતંત્ર સામે જ આંગળી ચીંધ્યા બરાબર કહેવાય. જસ્ટિસ સ્વર્ણકાન્તાની નિષ્પક્ષતા સામે શંકા કરવી એ ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે શંકા કર્યા બરાબર કહેવાય અને કેજરીવાલ અત્યારે એ જ કરી રહ્યા છે. 

કેજરીવાલ જસ્ટિસ સ્વર્ણકાન્તાને પક્ષપાતી ગણાવવા બદલ આપી રહ્યા છે એ કારણો વાહિયાત છે અને પોતાની વિરુદ્ધ જ ચુકાદો આપશે એવા તેમના દાવા પાછળનાં કારણો પણ હાસ્યાસ્પદ છે. કેજરીવાલે  જસ્ટિસ સ્વર્ણકાન્તા સંઘના કાર્યક્રમમાં હાજર રહ્યાં એ મુદ્દાને આગળ ધરીને મોરચો માંડવાની શરૂઆત કરી હતી. કેજરીવાલે જસ્ટિસ  શર્માના વૈચારિક વલણ સામે સવાલ ઉઠાવીને આક્ષેપ કર્યો છે કે, જસ્ટિસ શર્માએ આરએસએસની કાનૂની પાંખ એવી "એડવોકેટ કાઉન્સિલ” ની ઓછામાં ઓછી ચાર બેઠકોમાં હાજરી આપી હોવાના પુરાવા છે. બીજી તરફ લિકર કેસમાં આરોપીઓ આરએસએસની વિચારધારાના કટ્ટર વિરોધી હોવાથી અમને બધાંને ડર છે કે જસ્ટિસ  શર્માનો પક્ષપાત ચુકાદાને પ્રભાવિત કરી શકે છે. 

જસ્ટિસ શર્મા સંઘના કાર્યક્રમમાં ગયાં તેના કારણે તેમને સંઘનાં કંઠીધારી ગણાવવાં બુદ્ધિનું પ્રદર્શન કહેવાય. કોઈ પણ વ્યક્તિની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અલગ અલગ હોય છે ને મોટા ભાગનાં લોકો પ્રોફેશનલ નિર્ણયો લેવાના આવે ત્યારે તેમાં પોતાની પર્સનલ લાઈફની ભેળસેળ કરતા નથી. ચુસ્ત શાકાહારી વ્યક્તિ પશુની હિંસા કરીને મેળવાયેલા ચામડામાંથી બનેલા શૂઝ વેચતો હોય છે ને ડુંગળી-લસણ સુધ્ધાં નહીં ખાતી વ્યક્તિ પોતાની રેસ્ટોરન્ટમાં માંસાહારી વાનગીઓ વેચતો હોય છે. 

આ તો સામાન્ય ઉદાહરણો આપ્યાં પણ આવી સ્થિતી બધાં ક્ષેત્રમાં હોય છે ને કોઈ પોતાની અંગત માન્યતાઓને આધારે પોતાનો ધંધો, વ્યવસાય કે વ્યવસાયિક ફરજ બજાવતાં નથી.  ન્યાયતંત્રમાં પણ એ જ સ્થિતિ હોય છે તેથી જસ્ટિસ સ્વર્ણકાન્તા સંઘની બેઠકોમાં ગયા તેના કારણે જ કેજરીવાલ આણિ મંડળી વિરુદ્ધ ચુકાદો આપ દેશે એમ માની ના શકાય. કેજરીવાલ એવું સ્થાપિત કરવાની કોશિશ કરીને લુચ્ચાઈ કરી રહ્યા છે. 

કેજરીવાલે તેમના સોગંદનામામાં એવો આક્ષેપ પણ કર્યો છે કે,  જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માનાં બે બાળકો સોલિસિટર જનરલ તુષાર મહેતાના હાથ નીચે  કામ કરે છે. સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા વકીલ તુષાર મહેતા તેમનાં બાળકોને કેસ આપે છે એ જોતાં જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા તુષાર મહેતા વિરુદ્ધ કેવી રીતે આદેશ આપશે? કેજરીવાલનો આ આક્ષેપ હલકટાઈની ચરમસીમા જેવો છે. કેજરીવાલ જાણી જોઈને આ કેસમાં તુષાર મહેતા પક્ષકાર હોય એવું ચિત્ર ઊભું કરવા મથી રહ્યા છે. 

તુષાર મહેતા સીબીઆઈના વકીલ છે અને સીબીઆઈ વતી કેસ લડી રહ્યા છે તેથી જસ્ટિસ સ્વર્ણકાન્તા જે પણ ચુકાદો આપશે એ સીબીઆઈની તરફેણમાં કે વિરુદ્ધમાં આપશે, તુષાર મહેતાની તરફેણમાં કે વિરુદ્ધમાં નહીં. બીજું એ કે, જસ્ટિસ સ્વર્ણકાન્તાનાં સંતાનો વકીલ હોય ને તુષાર મહેતાના હાથ નીચે કામ કરતાં હોય તો એ પ્રોફેશનલ એરેન્જમેન્ટ છે. તેની અસર જજની નિષ્પક્ષતા પર કઈ રીતે પડે? કેજરીવાલે તેમની અરજીમાં બીજા પણ આવા જ હાસ્યાસ્પદ મુદ્દા ઉઠાવ્યા છે ને એ બધાંનો ઉલ્લેખ કરવો પણ સમયનો બગાડ છે. 

કેજરીવાલ આ નાટક કરી રહ્યા છે કેમ કે તેમની આ સ્ટાઈલ  છે. લોકોની નજરમાં ગરીબડા બનવું, કેન્દ્ર સરકારના કે ન્યાયતંત્રના અન્યાયનો ભોગ બન્યા હોય એવું ચિત્ર ઊભું કરવું વગેરે ત્રાગાં કરવાથી લોકોની સહાનુભૂતિ મેળવી શકાય છે, શહીદ બની શકાય છે એવું કેજરીવાલને લાગે છે. તેના કારણે કેજરીવાલ ન્યાયતંત્રનું અપમાન કરવા પર ઉતરી આવ્યા છે ત્યારે ન્યાયતંત્રે તેમને પાઠ ભણાવવો જોઈએ કે જેથી ભવિષ્યમાં બીજું કોઈ આવાં નાટક ના કરે.