ઇટાનગર; દેશના ઉત્તરપૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશના ઘણા ભાગોમાં વિનાશક પૂરની સ્થિતિએ સમગ્ર ભારે તબાહી મચાવી છે. પૂરના કારણે અનેક રસ્તાઓ અને પુલ ધોવાઈ જતાં અનેક ગામોનો બાકીના જિલ્લા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. મુખ્ય માર્ગો બંધ થઈ જવાથી આ ગામોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર અને ગ્રામીણ લોકો માટે આ એક મોટો પડકાર બની ગયો છે.
આ સંકટની ઘડીમાં, જ્યારે વાહનો કે અન્ય આધુનિક સાધનો પહોંચવામાં નિષ્ફળ સાબિત થયા છે, ત્યારે હાથીઓ પૂરગ્રસ્ત લોકો માટે આશાનું કિરણ બનીને સામે આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રએ ગ્રામજનો સાથે મળીને એક અનોખો નિર્ણય લીધો અને રાહત સામગ્રી, દવાઓ, અનાજ અને બળતણ પહોંચાડવા માટે હાથીઓની મદદ લેવાનું નક્કી કર્યું છે. આ વિશાળકાય જીવો હવે માનવીય પહોંચથી દૂર થયેલા ગામડાઓ સુધી જીવનજરૂરી સામાન પહોંચાડવા માટેનું એકમાત્ર માધ્યમ બની ગયા છે.
હાથીઓ માટે પણ આ રાહત કાર્ય કોઈ પડકારથી ઓછું નથી. તેઓએ દુર્ગમ પહાડી રસ્તાઓ, તોફાની નદીઓ અને પથ્થરમાળાવાળા જોખમી માર્ગો પરથી પસાર થઈને લાંબી મુસાફરી કરવી પડે છે. તેમ છતાં, કુદરતી આફત સામે હાર માન્યા વિના આ હાથીઓ અથાક પરિશ્રમ કરી રહ્યા છે. તેઓ પોતાની પીઠ પર ભારે સામાન લાદીને એવા વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે જ્યાં પહોંચવા માટે માનવી કે મશીનરી માટે રસ્તો શોધવો પણ મુશ્કેલ છે.
હાથીઓના આ પ્રયાસને કારણે હજારો પૂરગ્રસ્ત ગ્રામજનોને રાહત મળી છે. સ્થાનિકોનું જણાવ્યું હતું કે જો હાથીઓની મદદ ન મળી હોત, તો આ દૂરના ગામડાઓ સુધી મદદ પહોંચાડી શકાય તેવી શક્યતા નહોતી. પૂરની આ ભયાનક સ્થિતિમાં, આ હાથીઓએ માત્ર સામાન પહોંચાડવાનું કામ જ નથી કર્યું, પરંતુ માનવીય સંવેદના અને પ્રકૃતિના સાથની એક ઉત્તમ મિસાલ પૂરી પાડી છે, જેણે સેંકડો પરિવારોને જીવનનો ટેકો આપ્યો છે.