Tue Sep 22 2026

Logo

કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સૈન્યને મોટી સફળતાઃ એક આતંકવાદી ઠાર

2026-03-10 20:36:09
Author: Mumbai Samachar Team
કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સૈન્યને મોટી સફળતાઃ એક આતંકવાદી ઠાર

રાજૌરીઃ જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પાસે આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે સૈન્યએ એક ઑપરેશનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ઘૂસણખોરીના આતંકવાદીઓના પ્લાન પર પાણી ફેરવી દીધું છે. આ ઑપરેશનમાં એક આતંકીનું મોત નીપજ્યું છે, જે પાકિસ્તાનનો હોવાનું જાણવા મળ્યું છે. અન્ય એક આતંકીની તપાસ ચાલું છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. 

ઘૂસણખોરીનો પ્લાન નિષ્ફળ

સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર જાસુસી સંસ્થા પાસેથી મળેલા ચોક્કસ ઈન્પુટના આઘારે સમગ્ર ઑપરેશન કરવામાં આવ્યું હતું. બપોરના સમયે 3 વાગ્યે નૌશેરા સેક્ટર પાસે આવેલા ઝાંગર વિસ્તારમાં બોર્ડર નજીક બે આતંકવાદીની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. 
એના પછી ભારતીય સૈન્ય ટુકડીએ સતર્કતા રાખીને ઑપરેશન પાર પાડ્યું હતું. યુદ્ધના ધોરણે એક્શન લેતા ફાયરિંગ શરૂ થયું હતું. ભારતીય સૈન્યના વ્હાઈટ નાઈટ કોરની ટુકડીના જવાનોએ એક્શન લઈ આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્લાન પર પાણી ફેરવી દીધું હતું. આ ઘર્ષણમાં એક આતંકવાદીનું મોત થયું છે. 

સીમા પારથી ફરી મળ્યું ક્નેક્શન

સૈન્ય ટુકડીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, માર્યો ગયેલો ત્રાસવાદી પાકિસ્તાનનો હતો, જ્યારે એની સાથે રહેલો એક વ્યક્તિ નાસી છૂટ્યો હતો. આ આતંકીની તપાસ ચાલું છે. સૈન્યએ સમગ્ર સેક્ટરમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. હવાઈ માર્ગે પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બપોરના સમયે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓનો પ્લાન આ સમગ્ર વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો હતો. જે હવે સૈન્યએ નિષ્ફળ બનાવ્યો છે.