Mon Oct 05 2026

Logo

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, APK ફાઈલ સાયબર ફ્રોડ કેસમાં 3 આરોપીઓ અમદાવાદથી ઝડપાયા

2026-09-21 13:36:00
Author: Vimal Prajapati
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, APK ફાઈલ સાયબર ફ્રોડ કેસમાં 3 આરોપીઓ અમદાવાદથી ઝડપાયા


નવી દિલ્હીઃ સાયબર ઠગો અત્યારે બેફામ બનીને લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યાં છે. જેવામાં દિલ્હી પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એપીએક ફાઈલ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડી કેસમાં કાર્યવાહી કરતા તપાસ છેક અમદાવાદ સુધી પહોંચી હતી. અમદાવાદમાંથી પોલીસે મોહમ્મદ ઈસ્માઈલ અંસારી, શેખ મોહમ્મદ નુરેન અને તારિક અહમદની ધરપકડ કરી લીધી છે. સાયબર ઠગો નવી નવી રીતે દ્વારા લોકો સાથે ઠગાઈ કરતા હોય છે. જોકે, સામે હવે પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસે 11 ક્રેડિટ કાર્ડ અને ત્રણ ફોન જપ્ત કર્યાં

આ કેસમાં પોલીસે આરોપીઓ પાસેથી 11 ક્રેડિટ કાર્ડ અને ત્રણ ફોન જપ્ત કરી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે આરોપીઓ દ્વારા આ ઠગાઈની રકમ અલગ અલગ ક્રેડિટ કાર્ડ દ્વારા આગળ મોકલવામાં આવતી હતી. જેના માટે તેમને કમીશન આપવામાં આવતું હતું. એક વ્યક્તિ સાથે 6.57 લાખ રૂપિયાની ઠગાઈ થઈ તેમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. જેના તાર દિલ્હીથી છેક અમદાવાદ સુધી આવ્યાં છે. 

એક આરોપી આઈડીબીઆઈ બેંકનો કર્મચારી હોવાનું સામે આવ્યું

પોલીસના જણાવ્યાં પ્રમાણે આ કેસમાં એક આરોપી મોહમ્મદ ઇસ્માઈલ અંસારી આઈડીબીઆઈ બેંકનો કર્મચારી છે. ઠગાઈના રૂપિયા આગળ સુધી મોકલવા માટે મોહમ્મદ ઇસ્માઈલ અંસારી બેંકમાંથી ક્રેડિટ કાર્ડ અપાવતો હતો. આ સમગ્ર કાંડ માટે વોટ્સએપ અને ટેલિગ્રામમાં ગ્રુપ દ્વારા એકબીજાના સંપર્કમાં રહેતા હતાં. ચોંકાવનારી વાત એ છે કે, ગ્રુપમાં કેટલાક નંબરો અમેરિકાના હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. આરોપીઓ દ્વારા ઠગાઈની રકમને ક્રિપ્ટો કરેન્સીમાં બદલી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

 

આ ગેંગની કામ કરવાની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો, લોકોને મેસેજ દ્વારા નકલી લિંક્સ મોકલવામાં આવી અને તેમને APK ફાઇલો ડાઉનલોડ કરવા માટે લલચાવતા હતા. એપીકે મોબાઈલમાં ઇન્સ્ટોલ થયા પછી, આવી હાનિકારક એપ્લિકેશનો ફોન અને બેંકિંગ-સંબંધિત માહિતીની અનધિકૃત ઍક્સેસ મેળવવામાં મદદ કરી શકે છે. જેના કારણે પછી લોકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતાં. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓએ આ પદ્ધતિનો ઉપયોગ કરીને કુલ કેટલા નાણાં ટ્રાન્સફર કર્યા છે અને આ નેટવર્કમાં કેટલા લોકો સામેલ છે, તે જાણવા માટે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.