(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રતિષ્ઠિત કંપનીના ઉચ્ચ હોદ્દા પર કામ કરતા થાણેના રહેવાસીને બળાત્કાર સહિત અન્ય ફોજદારી ગુનાઓમાં સપડાવવાની ધમકી આપી અંધેરીની મહિલાએ 1.39 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
થાણે નજીક ઘોડબંદર રોડ પરની પૉશ સોસાયટીમાં રહેતા 40 વર્ષના ફરિયાદીએ શુક્રવારે કાસારવડવલી પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે 35 વર્ષની મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જૂન, 2023માં કામ નિમિત્તે સાંતાક્રુઝની ફાઈવ સ્ટાર હોટેલમાં ગયેલા ફરિયાદીની ઓળખાણ આરોપી મહિલા સાથે થઈ હતી. તે સમયે બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. પછી ફોન પર વાતચીત અને ચૅટિંગ કરવાનું શરૂ થયું હતું. મિત્રતા ગાઢ બનતાં બન્ને સાથે ફરવા પણ ગયાં હતાં.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ફરવા ગયા તે સમયે મહિલાએ ફરિયાદી સાથે કેટલીક તસવીરો અને વીડિયો રેકોર્ડિંગ મોબાઈલમાં કરી લીધું હતું. શરૂઆતમાં આરોપીએ મહિલાને આર્થિક મદદ કરી હતી, પરંતુ પછી નાણાં આપવાનો ઇનકાર કરતાં મહિલાએ કથિત બ્લૅકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું.
તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી મહિલાએ આપી હતી. એ સિવાય બળાત્કાર, વિનયભંગ જેવા ગંભીર ફોજદારી ગુનામાં સપડાવીને જેલભેગો કરાવવાનીય ચીમકી ઉચ્ચારી હતી. બદનામીના ડરે મહિલાની આર્થિક માગણી ફરિયાદીએ પૂરી કરી હોવાનો આક્ષેપ એફઆઈઆરમાં કરાયો હતો.
ફરિયાદ અનુસાર મહિલાએ ફરિયાદીની પત્નીના વ્યવસાયમાં ભાગીદારી માગી હતી, જે આપવાની દંપતીને ફરજ પડી હતી. આ ભાગીદારીને કારણે પણ ફરિયાદીને લાખો રૂપિયાનું નુકસાન ગયું હતું. મહિલા તેના પરિવાર સાથે ત્રણેક વાર વિદેશ પ્રવાસે ગઈ હતી, જેનો પૂરેપૂરો ખર્ચ ફરિયાદીએ કરવો પડ્યો હતો.
મહિલા વારંવાર મોટી રકમની માગણી કરતી હોવાથી કંટાળીને આખરે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. મહિલા અંધેરીમાં ભાડેના ફ્લૅટમાં રહેતી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસ આ પ્રકરણે વધુ તપાસ કરી રહી છે.
Chat GPT Generated Image