ઈન્ટરનેશનલ યોગ ડે 2026 નિમિત્તે મુંબઈના વરલી ખાતે આવેલા એસવીપી સ્ટેડિયમ (DOME)માં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલીવૂડ એક્ટર શાહિદ કપૂર, જેકી શ્રોફ, અભિનેત્રી શ્રીલીલા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સેલિબ્રિટીઝે યુવાનોને ફિટનેસ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કર્યા હતા, પરંતુ ઈવેન્ટ પૂરી થતાં જ અમૃતા ફડણવીસના કપડાંને લઈને સોશિયલ મીડિયા પર એક મોટો વિવાદ છેડાઈ ગયો છે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી...
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા અમૃતા ફડણવીસના ફોટો અને વીડિયોમાં જોવા મળે છે કે અમૃતા ફડણવીસ લીલા રંગનો સ્કીન-ટાઈટ જોગિંગ સૂટ પહેરીને યોગા ઇવેન્ટમાં પહોંચ્યા હતા. જ્યારે તેમની બાજુમાં જ ઉભેલા બોલીવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂરે એકદમ સાદું, લૂઝ અને ઓવરસાઝ્ડ ટી-શર્ટ પહેર્યું હતું. સોશિયલ મીડિયા યુઝર્સે બંનેના આઉટફિટની સરખામણી કરવાનું શરૂ કરી દીધું અને જોતજોતામાં ટ્રોલિંગ શરૂ થઈ ગયું.
આ વિવાદમાં હવે રાજકીય એન્ટ્રી પણ થઈ ચૂકી છે. સમાજવાદી પાર્ટીના નેતા જિતેન્દ્ર વર્માએ આ મુદ્દે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, યોગ કરતી વખતે શાહિદ કપૂરે એકદમ સામાન્ય અને ઢીલા કપડાં પહેર્યા છે, જ્યારે અમૃતા ફડણવીસે ખૂબ જ ફિટિંગવાળો આઉટફિટ પસંદ કર્યો છે. યુઝર્સ અને નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો પુરુષો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોનું સન્માન જાળવીને આવા કપડાં પહેરી શકતા હોય, તો મહિલાઓ કે જાહેર હસ્તીઓ પરંપરાગત કે શાલીન ભારતીય પોશાક કેમ પસંદ નથી કરતી?
Amruta Fadnavis For The International Yoga Day 2026 Celebration #amrutafadnavis #yoga #nationalyogaday #bollywoodhelpline #4kbollywoodmoments pic.twitter.com/L370JyYd3x
— Vipin patel 🚩 (@VVipinpatel) June 22, 2026
રીતુ નામની એક એક્સ યુઝરે આકરા શબ્દોમાં ટીકા કરતા લખ્યું હતું કે, જાહેર હસ્તીઓએ પોતાના પદની ગરિમા અને ઉંમરનું ધ્યાન રાખવું જોઈએ. લાઈમલાઈટમાં આવવાની ઘેલછામાં તેમણે પોતાને અને પોતાના સીએમ પતિને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂક્યા છે. જ્યારે અન્ય યુઝર્સે પણ 'વહિની' (ભાભી)ને આવા કપડાં ન પહેરવાની સલાહ આપી હતી.
જોકે, બીજી તરફ અમૃતા ફડણવીસના ફેન્સ અને સમર્થકો પણ સોશિયલ મીડિયા પર તેમની વકીલાત કરી રહ્યા છે. સુમિત નામના યુઝરે લખ્યું કે, આ ઇવેન્ટમાં ફિટનેસ, વેલનેસ અને સ્ટાર પાવરનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. દર વર્ષની જેમ આ વખતે પણ અમૃતા ફડણવીસનો લુક ખૂબ જ શાનદાર અને ગ્રેસફુલ હતો, જે સાબિત કરે છે કે ગ્રેસ ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતો.
જોકે, આ વિવાદો વચ્ચે, ઇવેન્ટમાં હાજર એક્ટર જેકી શ્રોફે પોતાના અનોખા અંદાજમાં લોકોને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કર્યા હતા. હાથમાં છોડ લઈને તેમણે લોકોને ઊંડા શ્વાસ લેવા અને વૃક્ષો વાવવાનો સંદેશ આપ્યો હતો. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિટનેસના વખાણ કરતા કહ્યું કે, યુવાનોએ પીએમ મોદીના સ્વાસ્થ્યમાંથી શીખવું જોઈએ, જેઓ માત્ર ત્રણ કલાક ઊંઘીને પણ આખો દિવસ અત્યંત એક્ટિવ રહે છે.