શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની આશંકા, 36 બાળકને સુરક્ષિત બહાર કાઢ્યાં
અમરાવતીઃ મહારાષ્ટ્રના અમરાવતીમાં આવેલી જિલ્લા મહિલા હોસ્પિટલના નવજાત શિશુ સઘન સારવાર વિભાગ (NICU)માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કરુણ દુર્ઘટનામાં 3 નવજાત શિશુઓ બળીને રાખ થઈ ગયા હતા. સુરક્ષાકર્મીઓ અને સ્ટાફની તત્પરતાને કારણે 36 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ઘટના બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શોક વ્યક્ત કરી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે તેમ જ પીડિત પરિવારોને ₹ 5 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
દુર્ઘટના માટે હોસ્પિટલનું વહીવટીતંત્ર જવાબદાર
પ્રત્યક્ષદર્શીઓએ અને કેટલાક વાલીઓએ જણાવ્યું કે ધુમાડાથી ભરાઈ ગયેલા કેર યુનિટ્સમાંથી બાળકોને બચાવવા માટે સુરક્ષાકર્મીઓ અને નર્સો તરત જ દોડી આવ્યા હતા. જોકે, તેમણે આ દુર્ઘટના માટે હોસ્પિટલના વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું હતું. હોસ્પિટલમાં દાખલ કેટલાક બાળકોના સગાંઓએ દાવો કર્યો હતો કે વોર્ડની વોટર સ્પ્રે સિસ્ટમ કામ કરતી નહોતી.
પોતાના બાળકને બચાવીને સુરક્ષિત નીચે લઈ ગયા પણ
અમરાવતીના અચલપુરના રહેવાસી યોગેશ સાવરકરે જણાવ્યું હતું કે તેમની પત્ની અને આઠ દિવસનું બાળક હોસ્પિટલમાં દાખલ હતા, જ્યારે આગ લાગી ત્યારે તેઓ બિલ્ડિંગની બહાર સૂતા હતા. જ્યારે વોર્ડમાં આગ લાગી, ત્યારે તેઓ ઉતાવળે ઉપર ગયા, પોતાના બાળકને બચાવીને સુરક્ષિત રીતે નીચે લઈ આવ્યા હતા.
તેમણે અને અન્ય કેટલાક બાળકોના સગાંઓએ જણાવ્યું કે પરિસ્થિતિ અત્યંત વિકટ હતી, કારણ કે આખા વોર્ડમાં આગ ફેલાઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે, પરંતુ લોકોએ વોર્ડમાં ભીષણ આગ ફેલાતી જોઈ હોવાનું વર્ણન કર્યું હતું અને તે સમયે વાલીઓ અને સ્ટાફમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
પીડિત પરિવાર માટે આર્થિક સહાયની કરી જાહેરાત
આ બનાવ મુદ્દે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શોક વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. ફડણવીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મૃત્યુ પામેલા દરેક બાળકના પરિવારને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે.
ફડણવીસે આ ઘટનાને "અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક" ગણાવી અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું કે સદભાગ્યે, આ ઘટના દરમિયાન હોસ્પિટલમાંથી ૩૬ બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
આરોગ્ય સચિવને પરિસ્થિતિનો તાગ મેળવવાનો આદેશ
મુખ્ય પ્રધાને આરોગ્ય તંત્રને ઉચ્ચ-સ્તરીય તપાસ કરવાનો આદેશ આપ્યા છે અને તેમણે ખાતરી આપી હતી કે આ દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે રાજ્યના આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અમરાવતીની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો. ફડણવીસે અમરાવતી જિલ્લા વહીવટીતંત્રને ઘાયલ બાળકોને સરકારી ખર્ચે સારવાર મળે એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
આ દુર્ઘટનાની વ્યાપક તપાસના આદેશ આપ્યા
મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને અમરાવતીના પાલક પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાને કારણે અત્યંત વ્યથિત છે અને તેમણે આ ઘટનાની વ્યાપક તપાસના આદેશ આપ્યા છે અને ખાતરી કરી હતી કે ઘાયલોને તમામ જરૂરી તબીબી સહાય મળી રહે.
બાવનકુળેએ પરિવારોને ખાતરી આપી હતી કે સરકાર તમામ જરૂરી સહાય પૂરી પાડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમણે સંબંધિત અધિકારીઓ સાથે આ ઘટના અંગે ચર્ચા કરી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
વિરોધ પક્ષના નેતાઓએ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ રાજ્યભરની હોસ્પિટલોમાં અગ્નિ સુરક્ષા અને વિદ્યુત વ્યવસ્થાનું ઓડિટ કરવાની માંગ કરી હતી.