Wed Sep 30 2026

Logo

અમરાવતીમાં આશ્રમના આધ્યાત્મિક ગુરુ સામે બળાત્કારનો ગુનો નોંધાયો

2026-07-21 17:40:53
Author: Yogesh D. Patel
અમરાવતીમાં આશ્રમના આધ્યાત્મિક ગુરુ સામે બળાત્કારનો ગુનો નોંધાયો

representative image


અમરાવતી: અમરાવતીમાં આશ્રમના વડા અને આધ્યાત્મિક ગુરુએ મહિલા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને તે 2016માં તે સગીર હતી ત્યારથી તેનું જાતીય શોષણ કર્યું હતું, એવો પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

પોલીસે રવિવારે આનંદ મઠના દત્તગિરિ ગુરુ જયરામજી મહારાજ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (2) (બળાત્કાર) અને 351 (2) તેમ જ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ચાંદુર રેલવે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સુરેશ મ્હસ્કેએ જણાવ્યું હતું કે આરોપી ફરાર હોઇ તેની શોધ ચલાવવામાં આવી રહી છે.પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે પ્રથમ 2014માં એક કાર્યક્રમ દરમિયાન જયરાજજી મહારાજને મળી હતી અને તે 2016માં સગીર હતી ત્યારથી મહારાજ સાથે રહેવા લાગી હતી.

તેણે આક્ષેપ કર્યો હતો કે આરોપીએ આ સમયગાળામાં તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનું જાતીય શોષણ કર્યું હતું. પીડિતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)