આ વખતે હોળીને લઈને ખૂબ જ મૂંઝવણભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. કોઈ જગ્યાએ ત્રીજી માર્ચ તો કોઈ જગ્યાએ ચોથી માર્ચના હોળીનો તહેવાર ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે. હોળીમાં રંગ, ગુલાલ અને મીઠાઈની સાથે જો કંઈ સૌથી મહત્વનું હોય તો તે છે ગીતો. બોલીવૂડમાં દર વર્ષે હોળી પર અસંખ્ય ગીતો બને છે, પરંતુ એક ગીત એવું છે જે દાયકાઓ પછી પણ આજે પણ નંબર-1 પોઝિશન પર છે અને એ ગીત છે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને એવરગ્રીન એક્ટ્રેસ રેખાની ફિલ્મ 'સિલસિલા'નું રંગ બરસે ભીગે ચુનર વાલી...
આજે પણ હોલી સેલિબ્રેશન રંગ બરસે ભીગે ચુનરવાલી સોન્ગ વિના એકદમ અધૂરું અને સૂનું લાગે છે. આ ગીતની સૌથી ખાસ વાત એ છે કે તેના બોલ અમિતાભ બચ્ચનના પિતા અને ખ્યાતનામ કવિ હરિવંશરાય બચ્ચને લખ્યા હતા. એટલું જ નહીં, આ ગીતને અમિતાભ બચ્ચને પોતે જ અવાજ આપ્યો છે. 14મી ઓગસ્ટ, 1981ના રોજ રિલીઝ થયેલી ફિલ્મનું આ ગીત વાગે છે, ત્યારે આજે 45 વર્ષ બાદ પણ લોકોના પગ થિરકવા લાગે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ 'સિલસિલા'એ બોલીવૂડના ઈતિહાસની સૌથી યાદગાર ફિલ્મ છે કારણ કે આ જ ફિલ્મમાં બિગ બી અને રેખા છેલ્લી વખત એક સાથે જોવા મળ્યા હતા. બિગ બી અને રેખા સિવાય જયા બચ્ચન અને સંજીવ કુમાર આ ફિલ્મમાં જોવા મળ્યા હતા. રેખા અને બિગ બી વચ્ચે આ ગીતમાં જે કેમિસ્ટ્રી જોવા મળી હતી, તે આજે પણ સિને પ્રેમીઓ ભૂલી શક્યા નથી.
ફિલ્મ સિલસિલાના ગીતો જેમ કે રંગ બરસે, દેખા એક ખ્વાબ એ આજે પણ એટલા જ લોકપ્રિય છે, જેટલા એ સમયે હતા. ડિરેક્ટર યશ ચોપરાએ ખૂબ જ જહેમત બાદ જયા અને રેખાને એક જ ફિલ્મમાં કામ કરવા રાજી કર્યા હતા. ભારતમાં એ સમયે આ ફિલ્મને સ્વીકારવામાં આવી નહોતી, પરંતુ ઈંગ્લેન્ડ અને અમેરિકામાં રહેતા ભારતીયોએ તેને ખૂબ પસંદ કરી હતી.

જોકે, બોલીવૂડના ઈતિહાસમાં ફિલ્મ સિલસિલાના રંગ બરસે સિવાય પણ અનેક એવા ગીતો છે કે જેના વિના હોલી સેલિબ્રેશન અધૂરું છે. આ ગીતોમાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન સ્ટારર ફિલ્મ મહોબ્બતેંમાં ફિલ્માવવામાં આવેલું હોળીનું ગીત પણ આજે 26 વર્ષ પછી પણ હિટ છે. આ સિવાય સની દેઓલ સ્ટારર ફિલ્મ ડરનું ગીત અંગ સે અંગ લગાના સજના આજે પણ લોકોમાં ખૂબ જ ફેમસ છે.

વર્ષ 1959માં રિલીઝ થયેલી ફિલ્મ 'નવરંગ' આજે પણ તેના સંગીત, કલરફુલ સેટ્સ અને અદભૂત નૃત્ય પ્રદર્શન માટે યાદ કરવામાં આવે છે. આ ફિલ્મનું ગીત 'અરે જા રે હટ નટખટ' હોળીના તહેવાર માટે એવરગ્રીન ગીત બની ગયું છે. આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂરના અવાજમાં ગવાયેલું આ ગીત જેટલું સાંભળવામાં મધુર છે, તેને શૂટ કરવામાં નિર્દેશક વી. શાંતારામને એટલી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.