Thu Sep 10 2026

Logo

'ખૂન પસીના'ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચને કેમ લીધું હતું વાઘ સાથે લડવાનું જોખમ? એક્શન માસ્ટરે જણાવ્યું રહસ્ય...

2026-08-09 21:05:26
Author: Darshana Visaria
'ખૂન પસીના'ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચને કેમ લીધું હતું વાઘ સાથે લડવાનું જોખમ? એક્શન માસ્ટરે જણાવ્યું રહસ્ય...

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એ પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં અનેક જોખમી અને ખતરનાક એક્શન સીન્સ કર્યા છે. તે જમાનામાં આજ જેવી સુરક્ષા ટેકનોલોજી કે બોડી ડબલ માટે અત્યાધુનિક સુવિધાઓ નહોતી, છતાં 'બિગ બી' જાતે જ આ સીન્સ ભજવતા હતા. ફિલ્મ 'ખૂન પસીના' (Khoon Pasina) ના શૂટિંગ દરમિયાન પણ એક આવી જ ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં અમિતાભ બચ્ચને કેમેરા સામે અસલી વાઘ (Tiger) નો સામનો કર્યો હતો.

પ્રખ્યાત એક્શન માસ્ટર મોહન બગ્ગડે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે કેવી રીતે પુત્ર અભિષેક બચ્ચનના જન્મે અમિતાભ બચ્ચનને આ ખતરનાક સીન કરવાનો અદ્ભુત આત્મવિશ્વાસ આપ્યો હતો.

એક્શન ડાયરેક્ટર વીરૂ દેવગનની ટીમમાં સામેલ મોહન બગ્ગડે જણાવ્યું કે, શરૂઆતમાં આ વાઘ સાથેનો સ્ટંટ એક અન્ય વિદેશી કે પ્રોફેશનલ સ્ટંટમેન કરવાનો હતો. પરંતુ તેનો રંગ સાવ શ્યામ હોવાથી તે સ્ક્રીન પર અમિતાભ સાથે મેચ થતો નહોતો. આથી વીરૂ દેવગને મોહન બગ્ગડને આ સ્ટંટ કરવા કહ્યું. મોહને કહ્યું, હું શરૂઆતમાં ડરેલો હતો કારણ કે અસલી વાઘ સામે હતો. મને ચેતવણી અપાઈ હતી કે વાઘ સામે મોઢું ન રાખવું, નહિતર તે પંજો મારીને ચહેરો બગાડી શકે છે. બે-ત્રણ દિવસ મેં આ સ્ટંટ કર્યો, જેને જોઈને અમિતાભ જીને પણ હિંમત મળી.

મોહન બગ્ગડે સેટ પર બનેલી સૌથી યાદગાર ઘટના સંભળાવતા કહ્યું કે પાંચમી ફેબ્રુઆરી, 1976ના રોજ જ્યારે મુંબઈના કાંદિવલી ખાતે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે અમિતાભ બચ્ચનને ફોન પર જ સમાચાર મળ્યા કે તેમના ઘરે પુત્ર એટલે કે અભિષેક બચ્ચનનો જન્મ થયો છે.

આ ખુશીના સમાચાર મળતાં જ અમિતાભ બચ્ચનનો ઉત્સાહ અને જોશ બેવડાઈ ગયો. તેમણે ખુશ થઈને કહ્યું, મારા ઘરે વાઘ પેદા થયો છે, તો હું પણ શેર છું!" આ વાત કહીને તેઓ જાતે વાઘ સાથે શૂટ કરવા માટે કેમેરા સામે આવી ગયા અને તેમણે અસલી વાઘ સામે એકથી એક ચડિયાતા શાનદાર શૂટ્સ આપ્યા હતા. 

વાત કરીએ બિગ બીના વર્કુફ્રન્ટની તો બિગ બી હાલમાં લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 18મી સિઝનની તૈયારીઓમાં વ્યસ્ત છે અને આ શો માટે તેઓ 83 વર્ષની વયે પણ લાંબા કલાકો સુધી શૂટ કરે છે.