Mon Aug 17 2026

Logo

મારાથી મોટી ભૂલ થઈ ગઈ, માફ કરજો... જાણો અમિતાભ બચ્ચને કેમ માંગી માફી?

2026-08-11 20:15:17
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને એમાં પણ ખાસ કરીને માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ પર તેઓ દરરોજ પોતાની પોસ્ટ શેર કરે છે. 'બિગ બી' ની એક ખાસ આદત છે કે તેઓ પોતાની દરેક ટ્વિટને એક ચોક્કસ નમ્બરિંગ કરે છે. પરંતુ ક્યારેક આ નંબરિંગમાં ભૂલ પણ થઈ જતી હોય છે. તાજેતરમાં અમિતાભ બચ્ચનથી આવી જ એક ભૂલ થઈ ગઈ, જેને સુધારવા માટે તેમણે ફેન્સની માફી માંગવી પડી અને ફેન્સે તેના પર મનોરંજક પ્રતિક્રિયાઓ આપી છે. આવો જોઈએ શું છે આખી સ્ટોરી... 

વાત જાણે એમ છે કે મેગા સ્ટાર અમિતાભ બચ્ચને હાલમાં જ એક પોસ્ટ શેર કરી હતી જેમાં નંબરિંગમાં મોટો લોચો થઈ ગયો હતો. પોસ્ટ નંબર 5817 લખ્યા પછી તેમણે ભૂલથી આગળના ટ્વિટ્સમાં 5718, 5719 જેવા જૂના નંબર લખી દીધા હતા. 'Ef સુનિલ' નામના એક ચાહકે આ ભૂલ તરફ અમિતાભનું ધ્યાન દોર્યું.

પોતાની ભૂલ સમજાતાં જ અમિતાભ બચ્ચને તાત્કાલિક નવી પોસ્ટ શેર કરીને માફી માંગી. તેમણે લખ્યું હતું કે નંબરિંગમાં મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે, તે બદલ માફી ચાહું છું. 5817 પછી નંબર 5818, 5819 અને 5820 હોવા જોઈતા હતા. મને સાચો રસ્તો બતાવવા માટે આભાર Ef સુનિલ.

અમિતાભ બચ્ચનની આ માફી માંગતી પોસ્ટ પર યુઝર્સે રમુજી કમેન્ટ્સનો વરસાદ કરી દીધો હતો. એક યુઝરે મજાક કરતાં લખ્યું હતું કે ઈન્સાનિયત 'Ef સુનિલ'ના આ મહાન યોગદાનને હંમેશા યાદ રાખશે! બીજા યુઝરે લખ્યું હતું કે સારું થયું તમે ભૂલ સ્વીકારી લીધી, નહિતર આ 'નંબર લીક' સામે હું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા જવાનો હતો! જ્યારે અન્ય એક ચાહકે કેબીસીનો ઉલ્લેખ કરી લખ્યું હતું કે જો બિગ બી ક્યારેય KBC માં કન્ટેસ્ટન્ટ બને તો તેમનો ૭ કરોડનો સવાલ હોવો જોઈએ, તમારી છેલ્લી ટ્વિટનો નંબર કયો હતો?

ફિલ્મ 'દો ઔર દો પાંચ' નો સંદર્ભ આપતાં યુઝરે કહ્યું હતું કે ફિલ્મ 'દો ઔર દો પાંચ' પછી આવી નંબરિંગની ભૂલ પહેલીવાર જોવા મળી છે. વાત કરીએ અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટની તો છેલ્લે તેલુગુ સાયન્સ-ફિક્શન ફિલ્મ 'કલ્કિ 2898 AD' માં અશ્વત્થામાના પાત્રમાં અને તમિલ ફિલ્મ 'વેટ્ટૈયન'માં રજનીકાંત સાથે જોવા મળ્યા હતા. હાલમાં તેઓ 'કલ્કિ 2898 AD' ના સિક્વલનું શૂટિંગ કરી રહ્યા છે.