ગુવાહાટીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહે અસમમાં ચૂંટણીસભા સંબોધી હતી. આ સભાને સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આદિવાસીઓના વિકાસ માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપને લાગુ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને સત્તામાં ફરી લાવવી પડશે. આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો UCC લાવીશું. અહીંયા કોઈ ચાર-ચાર લગ્ન નહીં કરી શકે.
મોદીજીએ આ રીત બદલી
ગોલપાડા જિલ્લાના દુધનોઈમાં એક ચૂંટણી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બાદ એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહે આ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ક્યારેય કોઈ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ નથી બનાવી પણ મોદીએ આ વસ્તુ બદલી નાખી છે. દ્રૌપદી મુર્મુ ભારતના રાષ્ટ્રપતિ બન્યા છે. કેન્દ્રમાં વડાપ્રધાન અને અહીં મુખ્યમંત્રી બન્ને પાસે રાજ્યમાં આદિવાસીઓના વિકાસ માટેની યોજનાઓ છે. જો લોકો ભાજપને સતત ત્રીજી વખત વિજયી બનાવે છે તો આ જ રોજમેપ અનુસાર યોજનાઓને આગળ વધારવામાં આવશે.

ભાજપ લોકોના વિકાસને પ્રધાન્ય આપે છે
કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓના કલ્યાણની વાત કરી નથી. આઝાદી બાદ કોંગ્રેસ સરકારે આદિવાસીઓના વિકાસ પર માત્ર 25000 કરોડ ખર્ચ કર્યા છે. વડાપ્રધાન મોદીએ છેલ્લા 11 વર્ષમાં આદિવાસીઓ માટે 1.38 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. ગ્વાલપાડા વિસ્તારને અમિત શાહે મિની આસામ ગણાવીને વાત કહી હતી. આ વિસ્તારમાં જ રાભા, બોડો, હાજોંગ અને કોચ સહિત અનેક જનજાતિઓની સાથે આદિવાસીઓ પણ ચાના બગીચામાં શ્રમિક તરીકે કામ કરી રહ્યા છે. માત્ર ભાજપ જ આ લોકોનો વિકાસ કરી શકે છે. લોકોને અપીલ કરતા શાહે કહ્યું કે, તમે વડાપ્રધાન મોદી અને હિમંતા બિસ્વાની સરકાર બનાવો અમે અસમમાં UCC લાવીશું. હવે કોઈ ચાર-ચાર લગ્ન નહીં કરી શકે.
કોંગ્રેસ ખોટી વાત કરે છે
આદિવાસી ક્ષેત્ર વિસ્તારમાં પણ સમાન નાગરિક સંહિતા લાગુ નહીં પડે. કોંગ્રેસ આદિવાસીઓને ડરાવવા માટે અફવા ફેલાવવાનું કામ કરે છે. UCCને લઈને તે ખોટી વાતો કરી રહી છે.વડાપ્રધાન મોદી એ વ્યક્તિ છે જેણે આદિવાસીઓની કલા, સંસ્કૃતિ, ભોજન, વસ્ત્રો, સંગીત અને નૃત્યને વૈશ્વિક ઓળખ અપાવી છે.દરેક આદિવાસી પરિરવારને ગાય અને ભેંસ આપવામાં આવશે. ઘુસણખોરોએ આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરીને ગારો પરિષદમાં સત્તા મેળવવા માટે પ્રયાસ કર્યા છે. આ કારણે સંઘર્ષ શરૂ થયા હતા. ભાજપ સરકાર આવા ઘુસણખોરોને પાછા મોકલવા માટે અભિયાન ચલાવશે. પાંચ વર્ષ સરકાર ચલાવવા માટેની તક લોકો આપે. દરેક ઘુસણખોરોને ઓળખીને રાજ્યમાંથી બહાર કાઢીશું.
કોંગ્રેસે કરેલી ભૂલ નથી કરવાની
કોંગ્રેસે કરેલી ભૂલ આપણે યાદ રાખવી પડશે અને એ ભૂલ ફરી ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે.કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં એક પણ બેઠક પર વિજય પ્રાપ્ત કરે છે તો ફરી એકવાર પૂર્વોત્તરના રાજ્યને કોઈ મોટી અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે. પંજા પર એક પણ વોટ બગાડશો નહીં કમળને મત આપીને વિજય બનાવજો. અમિત શાહ ગ્વાલપાડા વેસ્ટમાંથી ભાજપના ઉમેદવાર પવિત્ર રાભા અને દુધનોઈના ટંકેશ્વર રાભા માટે પ્રચાર હેતું આવ્યા હતા. આસામમાં 126 વિધાનસભાની બેઠક પર ચૂંટણી થવાની છે. 9 એપ્રિલના રોજ મતદાન થવાનું છે અને 4 મે ના રોજ મતગણતરી થશે.