હેન્રી શાસ્ત્રી
દુનિયામાં 195 દેશ હોવાની સત્તાવાર માહિતી છે. દરેક દેશના કમસે કમ એક સર્વોચ્ચ નેતાની ગણતરી માંડીએ તો એક સાથે વિશ્વભરમાં 195 રાજનેતા અસ્તિત્વમાં સામાન્યપણે હોઈ શકે છે. એમાંના કેટલાક રાજકીય કે અન્ય કારણસર સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય સ્તરે નાની-મોટી ચર્ચામાં રહેતા હોય છે. જોકે, આ બધામાં યુએસ પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ મેદાન મારી જાય છે. ઈરાન સાથેના યુદ્ધ તેમજ ટૅરિફનો મુદ્દો, ચીન પ્રવાસ, વેનેઝુએલા-કનેડા-ગ્રીનલેન્ડ-કોલંબિયા વગેરેને કારણે ટ્રમ્પ વૈશ્વિક મીડિયામાં છવાયેલા રહે છે.
બાંગ્લાદેશમાં શ્વેત કેશ ધરાવતી એક ભેંસ સોશ્યલ મીડિયામાં ભાંભરી રહી છે. ભેંસનું તો કામ છે ભાંભરવાનું. એમાં મીડિયામાં શેની બોલબાલા? એવો સવાલ થઈ શકે છે.વાત એમ છેકે બાંગ્લાદેશ ની રાજધાની ઢાકા નજીકના એક ફાર્મમાં ઉછરેલી ચાર વર્ષની અને 700 કિલોગ્રામ વજનની ભારેખમ ભેંસ દેખાવમાં અને એના ધોળા વાળ અમેરિકન પ્રેસિડેન્ટની હેરસ્ટાઈલને મળતા હોવાથી એનું નામ `ડોનલ્ડ ટ્રમ્પ' રાખવામાં આવ્યું છે.
ભેંસના માલિકના પરિવારના સભ્યો ટીવી જોતા હોય ત્યારે છાસવારે ટ્રમ્પને જોતા હોવાથી એમનો ચહેરોમહોરો અને હેરસ્ટાઈલ સ્મરણમાં રહી ગયા છે. એટલે ભેંસમાં પ્રેસિડેન્ટ સાથેનું સામ્ય નજરે પડતા એનું નામ `ડોનલ્ડ ટ્રમ્પ' પાડી દીધું. જોકે, સોશ્યલ મીડિયામાં સેલિબ્રિટી સ્ટેટસ ભેંસને ભારે પડી રહ્યું છે. સતત કૅમેરાનો સામનો કરવો પડતો હોવાથી તેમ જ જનતાના ઘેરાવ વચ્ચે રહેવાને કારણે બાંગ્લાદેશી `ટ્રમ્પ' સ્ટ્રેસ અનુભવી રહ્યા છે, જ્યારે અસલી અમેરિકન ટ્રમ્પ સ્ટ્રેસ આપી રહ્યા છે.
વજનમાં ઘટાડો થવાથી ભેંસનું શરીર સહેજ લેવાઈ ગયું છે. બાંગ્લાદેશના ગ્રામીણ જીવન અને અમેરિકન રાજકારણને જોડતી આ ઘટના વિશે ઇન્ટરનેટ પર કોઈએ અચરજ વ્યક્ત કર્યું છે, કોઈએ હાંસી ઉડાવી છે તો અનુકંપા દેખાડનારા પણ છે.
આશાએં ખિલે દિલ કી ઉમ્મીદેં હંસે દિલ કી...
સુભાષ ઘઈ નિર્મિત મસ્ત મજાની ફિલ્મ `ઈકબાલ'નું એક આશા- અરમાનોની ખેતી કરી મોટો પાક લેતું ગીત છે `આશાએં આશાએં આશાએં' જેમાં આગળ પંક્તિ આવે છે કે `આશાએં ખિલે દિલ કી ઉમ્મીદેં હંસે દિલ કી, અબ મુશ્કિલ નહીં કુછ ભી, નહીં કુછ ભી.'
ઉત્તર પ્રદેશમાં સરયૂ નદીના કાંઠે વસેલા બહરાઈચ નામના શહેરની રહેવાસી 23 વર્ષની નૈના આ પંક્તિઓ જીવી રહી છે. હૈયામાં જો હોય હામ તો હર મુશ્કિલ આસાન ભાવનાને યથાર્થ ઠેરવી રહી છે. એક સમય હતો જ્યારે દારુણ ગરીબીને કારણે ખેતરમાં જોતરાઈ, બાળકોનાં ટ્યુશન કરી ભણતર માંડ માંડ ચાલુ રાખી શકતી હતી. આર્થિક ભીંસના ગાળિયામાં ક્યારેક જીવ મૂંઝાઈ જતો, પણ સપનું સાકાર કરવાના દૃઢ મનોબળને ઊની આંચ નહીં આવવા દીધી.
અતૂટ મહેનત અને શ્રદ્ધાને પગલે એક પ્રોજેક્ટમાં સહભાગી થવાનો મોકો મળતા નૈનાએ અભ્યાસ તો પૂર્ણ કર્યો સાથે સાથે અન્ય યુવતીઓ માટે પ્રેરણાબળ બની ગઈ. કારકિર્દીમાં એવો વળાંક આવ્યો કે લંડનની પ્રતિષ્ઠિત સંસ્થા `ધ કિગ્સ ટ્રસ્ટ સેલિબ્રેશન'એ નૈનાને મહિલા સશક્તીકરણનો પુરસ્કાર એનાયત કર્યો. નૈનાને કિગ ચાર્લ્સને મળવાનો લ્હાવો મળ્યો.
મેડલથી સન્માનિત નૈના એક નાનકડી ટીમ બનાવી આપસી સહયોગથી બાળ વિવાહ અટકાવવાનું તેમ જ કન્યાઓને આત્મનિર્ભર બનાવવાની ઝુંબેશ ચલાવી રહી છે. લાઈફ સ્કિલ કોચ બની એ છોકરીઓને પોતાના હક માટે લડતા શીખવી રહી છે. વિષમ પરિસ્થિતિમાં પણ સપનાંના વાવેતર કેમ કરવા એ નૈનાને જોઈ અનેક છોકરીઓ શીખી રહી છે.
`વામન અવતાર'નાં વિરાટ કારસ્તાન
`સત્તા આગળ શાણપણ નકામું' એ કહેવત લગભગ બધા જ જાણતા હશે અને એનો સાક્ષાત્કાર પણ અનેક લોકોને થયો હશે કે અન્ય કોઈને થતો જોયો પણ હશે. જોકે, સાથે સાથે `સત્તા (મેળવવા) માટે શાણપણ કામનું' એ કહેવત ભલે ન હોય, પણ વાત તો સાચી છે. પશ્ચિમ આફ્રિકાના 25 કરોડની વસ્તી ધરાવતા અને આર્થિક તંગીનો સામનો કરતા નાઇજિરિયા નામના દેશમાં સત્તા મેળવવા કેવાં-કેવાં કરતૂત થાય છે એ બહાર આવ્યું છે.
મહમૂદ બુબા નામના એક શારીરિક સમસ્યાને કારણે વામન અવતારમાં રહેલી વ્યક્તિએ પોતે 32વર્ષનો હોવાનો દાવો કરી દેશની નૅશનલ એસેમ્બલીમાં ચૂંટાઈ આવવા ખેલ કર્યો, પણ અણીના સમયે એના પ્લાન પર પાણી ફરી વળ્યું અને કિશોર કૌભાંડ રચાતું અટકી ગયું.
બન્યું છે એવું કે ગયા મહિને નાઇજીરિયાની ઑલ પ્રોગ્રેસિવ કૉંગ્રેસ પાર્ટીએ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી મહમૂદને એસેમ્બલીના સભ્ય બનાવવા દાવો રજૂ કર્યો હતો. આ રજૂઆતમાં મહમૂદ પાસે સિનિયર સેક્નડરી સ્કૂલ સર્ટિફિકેટ હોવાનો અને અગાઉ ડ્રાઇવરની નોકરી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એ શારીરિક સમસ્યાથી પીડાતો હોવાથી `વામન અવતાર' હોવાનું અને ઉંમર 30 વર્ષ હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
જનતાને પણ સહાનુભૂતિ જાગી પણ અચાનક ભાંડો ફૂટી ગયો ને અસલિયત બહાર આવી ગઈ. નાઇજીરિયાની નૅશનલ એસેમ્બલીમાં સ્થાન મેળવવા ઉમેદવારની ઉંમર 25 વર્ષ કે એથી વધુ હોવી જરૂરી છે. સોશ્યલ મીડિયામાં મહમૂદના ઇન્ટરનૅશનલ પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ સહિત અન્ય ડૉક્યુમેન્ટની નકલો ફરતી થઈ ત્યારે ખબર પડી કે વામન અવતારનો જન્મ તો 2010માં થયો છે અને એટલે એની ઉંમર ફક્ત 16 વર્ષ છે. સગીર વયનો હોવાથી એ અપાત્ર ઠર્યો છે.
કાયમ હાઉસફુલ રહેતું થિયેટર
જમાનો મલ્ટિપ્લેક્સનો છે. 800 - 1000 દર્શકો બેસી શકે એવા થિયેટરોની બાદબાકી થઈ ગઈ છે. 300-400 દર્શક પોપકોર્ન-સમોસા અને કોલ્ડ ડ્રિંકની લિજ્જત માણી ફિલ્મ જોતા હોય છે. એક સમય હતો જ્યારે ફિલ્મની સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન અને ડાયમંડ જ્યુબિલીના મહત્ત્વ અને આકર્ષણ હતા. હવે તો વર્લ્ડવાઈડ રિલીઝના સમયમાં શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મના હિસાબ કિતાબ રવિવારે મધરાત સુધીમાં સ્પષ્ટ સમજાઈ જાય છે.
થિયેટરો નાના બનતા જાય છે અને એમાં કેનેડાના ઓન્ટારિયો શહેરના એક મિની થિયેટરે તો કમાલ કરી નાખી છે. `સ્મોલ ઈઝ બ્યુટીફુલ' વ્યાખ્યાનો આદર કરી 2021ના કપરા કોવિડ કાળમાં-ચોક્કસપણે કહીએ તો 2021ના ઓક્ટોબરમાં 16 ચોરસ મીટર (આશરે 173 સ્કવેર ફૂટ)નો વિસ્તાર ધરાવતું માત્ર 13 દર્શકોને સમાવી શકાય એવું ટચૂકડું સિનેમાગૃહ બનાવવામાં આવ્યું હતું. નવી ફિલ્મો ઉપરાંત જૂની ક્લાસિક ફિલ્મોની વિશાળ લાઈબ્રેરી ધરાવતું કાયમ હાઉસફુલ રહેતું આ થિયેટર ફિલ્મ ક્લબ પણ ધરાવે છે.
તાજેતરમાં એમાં `પેરન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન' થીમ ઉમેરવામાં આવી હતી. આ થીમને કારણે થિયેટરના બુકિંગ માટેના ઉત્સાહમાં ઉછાળો આવ્યો છે. 14 કેનેડિયન ડૉલર (આશરે 980 રૂપિયા) ટિકિટના દર સામાન્યપણે હોય છે અને કોઈ પ્રસંગ નિમિત્તે આખું થિયેટર જ મોટેભાગે બુક થઈ જતું હોય છે. વિશ્વના સૌથી ટચૂકડા થિયેટર તરીકે `ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'નું સન્માન મેળવનારા આ સિનેમાગૃહે અગાઉનો સૌથી નાના થિયેટરનો બ્રાઝિલનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.
બ્રાસિલિયા શહેરનું કેબિરિયા સિને કેફે 24 સ્કવેર મીટર (આશરે 259 ચોરસ ફૂટ) વિશ્વના સૌથી ટચૂકડા સિનેગૃહનો વિશ્વવિક્રમ ધરાવતું હતું. વિશ્વવિખ્યાત ઈટાલિયન ફિલ્મમેકર ફેડરિકો ફેલિનીની ફિલ્મ Notti di Cabiria (Nights of Cabiria)ને સન્માન આપવા કેબિરિયા સિને કેફે નામકરણ કરવામાં આવ્યું હતું.
લ્યો કરો વાત
યુએસએના વર્જિનિયા રાજ્યની રહેવાસી 33 વર્ષની સેલી નામની મહિલા તો પ્રાણી ઉછેરમાં મિસાલ બની છે. રસ્તે રઝળતી ત્રણ બિલાડીને ઘરે લાવી પોતાના ઘરમાં રાજવી ઠાઠથી રાખે છે. શોપિંગ કરવા નીકળે ત્યારે મીની માસીઓ માટે એકાદ વસ્તુ તો અચૂક ઉપાડી લાવે. એક લાઉન્જ, નાનકડી ખુરશી જેવી વસ્તુ ખરીદી તેમના માટે ખાસ ફર્નિચરની વ્યવસ્થા કરી રહી છે. આ બિલાડીઓ માટે અલાયદો બેડરૂમ બનાવ્યો છે અને ઘરમાં અલગ અલગ જગ્યાએ તેઓ આરામ ફરમાવી શકે એવી વ્યવસ્થા પણ કરી છે.
આ ઉપરાંત બિલાડીઓના ભોજન માટે અને તેમના આરોગ્યની જાળવણી માટે પણ સેલી વિશેષ તકેદારી રાખે છે. રસપ્રદ વાત તો એ છે કે આ બિલાડીઓની દૈનિક ક્રિયાઓ પાર પાડવામાં પતિ એને મદદરૂપ થાય છે. પત્નીનો પ્રેમ મળતો રહે એ માટે બિલાડીને ચાહવી જરૂરી છે એ વાત ભાઈ સાનમાં સમજી ગયા છે.