જમ્મુ-કાશ્મીરઃ ઉત્તર ભારતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આ સ્થિતિને જોતા અત્યારે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા સતત ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આશરે 250 કિમી લાંબો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (NH-44) ભારે વરસાદની કારણે બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યો છે. હાઈવે બંધ હોવાના કારણે જમ્મના ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓને આગળ જતા રોકી દેવામાં આવ્યાં છે.
28 ઓગસ્ટે સમાપ્ત થશે અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રાની વાત કરવામાં આવે તો, આ યાત્રા 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. હાલ માટે, યાત્રાળુઓની અવરજવર હાઇવેના પુનઃસ્થાપન અને હવામાન પરિસ્થિતિઓ પર આધારિત રહેશે. યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB) એ યાત્રા નોંધણી અને ટોકન વિતરણ કાઉન્ટરોને તાવી રિવરફ્રન્ટથી ભગવતી નગર બેઝ કેમ્પમાં ખસેડ્યા છે. યાત્રાળુઓની ઓફલાઇન નોંધણી, ટોકન વિતરણ, e-KYC ચકાસણી અને RFID જારી કરવા માટે તાવી રિવરફ્રન્ટ પર એક કેન્દ્રિય સુવિધા વિકસાવવામાં આવી હતી.
નેશનલ હાઈવે 44 સમારકામના કારણે બંધ કરવામાં આવ્યો
અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે ઉધમપુર જિલ્લાના લધા-સમરોલી વિસ્તારમાં નેશનલ હાઈવેનું સમારકામ ચાલી રહ્યું છે. સમારકામ ચાલુ હોવાથી અને હવામાન વિભાગની આગાહીના કારણે ગઈ કાલથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. અત્યારે NH-44ને ઉધમપુર જિલ્લાના લધા-સમરોલી વિસ્તારમાં બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. આગામી સૂચના સુધી આ નેશનલ હાઈવને બંધ રાખવામાં આવશે.
અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો, રામબન અને ઉધમપુર જિલ્લાના અનેક વિસ્તારમાં સારો એવો વરસાદ નોંધાયો છે. સતત થઈ રહેલા વરસાદના કારણે નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર વધારે પ્રભાવિત થઈ રહ્યો છે. ખાસ કરીને NH-44 સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે, તેમ છતાં વાહનચાલકો વધારે પરેશાન થઈ રહ્યાં છે.