અમરાવતીઃ આંધ્ર પ્રદેશ રાજ્યને હવે સત્તાવાર રીતે નવું પાટનગર મળી ગયું છે. સ્થાયી પાટનગરનો દરજ્જો અમરાવતીને આપી દેવામાં આવ્યો છે. આ માટે ભારત સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ અમરાવતીને પાટનગરનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ આંધ્ર પ્રદેશ પુનઃગઠન બિલ 2026ને મંજૂરી આપી હતી એ પછીના એક અઠવાડિયાના સમયમાં આ બિલ સંસદમાંથી પાસ થઈ ગયું હતુ.
અમરાવતી સત્તાવાર રાજધાની
કાયદા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર આંધ્ર પ્રદેશ પુનઃગઠન અધિનિયમ 2026ને 2 જૂન 2024થી લાગુ માનવમાં આવશે. આ સંશોધન દ્વારા 2014ના આંધ્ર પ્રદેશ પુનઃગઠન અધિનિયમમાં બદલાવ કરવામાં આવ્યો હતો. અમરાવતીમાં આંધ્ર પ્રદેશ કેપિટલ રીજીયન ડેવલપમેન્ટ ઓથોરિટી અધિનિયમ 2014 અંતર્ગત પાટનગર તરીકે માનવામાં આવશે. સંસદે 2 એપ્રિલના રોજ આ સંશોધનને મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભાએ ધ્વનિમત દ્વારા બિલ પસાર કર્યું હતું, જ્યારે લોકસભાએ એક દિવસ પહેલા જ તેને મંજૂરી આપી હતી.
ચર્ચાનો અંત
આ કાયદો વર્ષોથી ચાલી આવતી રાજકીય અનિશ્ચિતતા અને "ત્રણ-રાજધાની" મોડેલની આસપાસ ચાલી રહેલી ચર્ચાઓનો અંત લાવે છે. પરિણામે, ભવિષ્યમાં રાજધાનીનું સ્થાનાંતરણ કરવાનો અથવા ત્રણ-રાજધાની યોજના લાગુ કરવાનો કોઈપણ પ્રયાસ અશક્ય બની જશે. કુલ 35 સંસદ સભ્યોએ બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો. YSR કોંગ્રેસ પાર્ટીના બે સાંસદોને બાદ કરતાં, બધા સભ્યોએ કાયદાને ટેકો આપ્યો હતો. YSRCP એ બિલનો વિરોધ કર્યો હતો, અને દલીલ કરી હતી કે તે ખેડૂતોના હિતોની અવગણના કરે છે. ખાસ કરીને તે લોકો જેમણે રાજ્યની રાજધાનીના વિકાસ માટે સ્વેચ્છાએ તેમની જમીન છોડી દીધી હતી.

2015થી પ્રયાસ કરાયો હતો
અમરાવતીને રાજધાની તરીકે સ્થાપિત કરવાનો પાયો 2015 માં તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકાળ દરમિયાન નાખવામાં આવ્યો હતો. વર્ષ 2019 માં YSRCP સત્તામાં આવ્યા પછી, અમરાવતીમાં તમામ પ્રોજેક્ટ્સ અટકાવી દેવામાં આવ્યા હતા અને ત્રણ-રાજધાની સિસ્ટમનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમ છતાં 2024 માં ટીડીપીના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનના સત્તામાં પાછા ફર્યા બાદ અમરાવતીને એકમાત્ર રાજધાની તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને અટકેલા પ્રોજેક્ટ્સ ગયા વર્ષે ફરી શરૂ કરવામાં આવ્યા.