Sun Sep 13 2026

Logo

વૈભવના પરિવારના બધા સભ્યોનો દેખાવ એકસરખો!: રવિવારે બે ક્રિકેટર-ભાઈઓ પણ વાનખેડેમાં હતા

2026-05-25 12:04:00
Author: Ajay Motiwala
વૈભવના પરિવારના બધા સભ્યોનો દેખાવ એકસરખો!: રવિવારે બે ક્રિકેટર-ભાઈઓ પણ વાનખેડેમાં હતા

મુંબઈ: ભારતીય ક્રિકેટના અને ખાસ કરીને આઈપીએલના લિટલ-વન્ડર વૈભવ સૂર્યવંશીના પરિવારના સભ્યો રવિવારે વાનખેડેમાં રાજસ્થાન-મુંબઈ વચ્ચેની મૅચ જોવા આવ્યા હતા અને એને પગલે વાઇરલ થયેલા ફોટા તેમ જ વીડિયો પરથી જોવા મળ્યું છે કે પરિવારના બધા મેમ્બર્સનો દેખાવ લગભગ એકસરખો છે.

15 વર્ષનો વૈભવ રવિવારે વાનખેડેમાં હજારો પ્રેક્ષકોને અને ખાસ કરીને પોતાના પરિવારને પોતાની છગ્ગા-ચોગ્ગા ફટકારવાની અનેરી ઝલક નહોતો બતાવી શક્યો, પરંતુ છેવટે રાજસ્થાનની ટીમ જીતી ગઈ અને પ્લે-ઑફમાં પહોંચી ગઈ એનો તેના ચાહકો અને પરિવારજનોમાં બેહદ આનંદ હતો.

મુંબઈએ રાજસ્થાનને પ્રથમ બૅટિંગ આપી ત્યાર બાદ થોડી જ વારમાં વૈભવ પોતાના માત્ર ચાર રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

સૂર્યવંશી પરિવાર બિહાર રાજ્યમાં રહે છે. વૈભવના બે ભાઈઓ વાનખેડે (Wankhede)માંથી બહાર આવી રહ્યા હોય એવો વીડિયો વાઇરલ થયો છે. વૈભવ જેવા જ દેખાતા તેના બે ભાઈઓ વાનખેડેમાંથી બહાર આવતી વખતે પરિવારમાં સૌથી આગળ ચાલી રહ્યા હતા. વૈભવ (Vaibhav)ના પરિવારજનોવાળા વીડિયો વિશે સોશ્યલ મીડિયામાં ઘણા લોકોએ સકારાત્મક કમેન્ટ કરી છે. ક્રિકેટ પ્રેમીઓએ સૂર્યવંશી પરિવાર (Family)ને અભિનંદન આપ્યા છે. એક ક્રિકેટલવરે ટિપ્પણી કરી હતી કે સૂર્યવંશી પરિવારના બધા સભ્યોનો દેખાવ એકસરખો છે.

નજીકમાં ઊભેલા ક્રિકેટપ્રેમીઓ અને મીડિયામેને સૂર્યવંશી પરિવારને અભિનંદન આપ્યા હતા. રાજસ્થાનની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ એમાં તેમના દીકરા વૈભવનું બહુ મોટું યોગદાન છે.

વૈભવ સૂર્યવંશીના બંને ભાઈઓ પણ ક્રિકેટર છે. થોડા દિવસ પહેલાંની એક સ્થાનિક ટૂર્નામેન્ટ સમયનો વૈભવના નાના ભાઈનો વીડિયો પણ વાઇરલ થયો છે. વૈભવને રાજસ્થાનનું ફ્રેન્ચાઇઝી એક સીઝન રમવાના 1.10 કરોડ રૂપિયા આપે છે. જોકે 2027ની આઇપીએલ પહેલાં જે ઑક્શન થશે એમાં વૈભવના નામે કરોડો રૂપિયાના બિડ મૂકવામાં આવશે એવી સંભાવના છે.

વૈભવને રવિવારે આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ 59 છગ્ગા ફટકારવાનો ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડવાનો મોકો હતો. તેના પરિવારજનો ખાસ આ વિક્રમ જોવા અને માણવા આવ્યા હતા. જોકે રાજસ્થાનની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ગઈ એટલે વૈભવને એ રેકૉર્ડ તોડવાની હજી તક છે.

બુધવારે રાજસ્થાનનો પ્લે-ઑફના એલિમિનેટરમાં હૈદરાબાદ સામે મુકાબલો થશે. જો રાજસ્થાન એમાં જીતશે તો ક્વોલિફાયર-ટૂમાં પણ રમશે અને પછી એને ફાઇનલમાં જવાની પણ તક મળશે.