Thu Sep 03 2026

Logo

અલખનો ઓટલોઃ રામ રસ પ્યાલા હે ભરપૂર...

2026-03-09 11:51:00
Author: Mumbai Samachar Team
અલખનો ઓટલોઃ રામ રસ પ્યાલા હે ભરપૂર...

 

ડૉ. નિરંજન રાજ્યગુરુ

સંતકવિઓ દ્વારા રચાયેલાં એમાંના રૂપકને કારણે જ ‘પ્યાલો’ એવું પ્રકારનામ ધરાવતાં પોતાની અનુભવ મસ્તીનું ગાન કરતાં ભજનોની સુવિશાળ પરંપરા આપણે ત્યાં સાંભળવા મળે છે. આત્મસાક્ષાત્કાર થાય અને જે અલૌકિક-અવર્ણનીય આનંદમસ્તીની પ્રેમ ખુમારી પ્રગટ થાય એની અભિવ્યક્તિ જુદી જુદી દેશીઓમાં જુદા જુદા રાગ-ઢાળ-તાલ-છંદમાં આવાં ‘પ્યાલા’નું રૂપક લઈને આવતાં ભજનોમાં જોવા મળે છે.

‘રામરસ પ્યાલા હૈ ભરપૂર પીયો રે કોઈ ઘટક ઘટક ઘટક઼..‘(કબીર), ‘અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો..’ (રવિસાહેબ), ‘દયા કરીને મું ને પ્રેમે પાયો, મારી નેનુંમાં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર..’ (દાસી જીવણ), ‘એવો પિયાલો મું ને પાયો રે, ગુરુએ મારે મહેરૂં કરી..’ (લખીરામ),‘મન મતવાલો પ્યાલો ચાખિયો, હે જી પ્યાલો પ્રેમ હૂંદો પાયો..’ (લખીરામ),‘ગુરુજી એ મારે પરા પિયાલો પાયો, જીસમે આનંદ અતિ ઉભરાયો...’(રણછોડ), ‘અજર પિયાલા પૂરા સંત પીવે રે... હે... જી..’ (સરવણ કાપડી), ‘પ્યાલો ગુરુએ પાયો ને પીધા ભેળી ખબર પડી..’ (ખાનસાહેબના શિષ્ય અરજણ દાસ). 

ભક્ત કવિ મામંદે ગાયું છે - 
પ્રેમી ગુરુયેં કરીને પ્યાર, પ્રેમનો પ્યાલો પાયો. પાંચ તત્ત્વનો બનાવ્યો પ્યાલો અનહદ રંગ લગાયો;
ખૂબી ભરેલાં કીધાં ખાનાં, 
સરવે વસ્તુ સમાયો. પ્રેમનો...
સિરગુણ સાકર નિરગુણની રે મહામંત્ર મિલાયો,
ગુરુગંમની ગરણીથી ગાળ્યો, 
સોહમ્ દંમ ચલાયો. પ્રેમનો...
પીધો પ્યાલો ચડી ખુમારી, આનંદ ઉરમાં આયો;
અગર અણી પર ઝળહળ જ્યોતિ આપેઆપ ઓળખાયો. પ્રેમનો...
સોહં નામનું નાણું સાચું, 
કળિજુગ માંહી કમાયો;
મામંદને મિયાં અશરફ મળિયા, 
બ્રહ્મસ્વરૂપ બતાયો. પ્રેમનો...
તો મીર મુરાદ ગાય છે -
મેરા મુરશિદ મતવાલા રે, 
મૈંને પિયા ઉસીકા પ્યાલા રે,
પ્યાલા પિલાયા, દિયા હાથ શિર પર, 
નૈન ભયે ગુલાલા રે... 
માત-પિતા-સૂત અરુ બાંધવ, 
જૂઠા સબ જંજાલા રે,
જો મેરે મુરશિદ કો નહીં માનત, 
કાફિરકામ કા કાલા રે..
કહત મુરાદ મહેર મુરશદ કી, 
તા સે ખૂલ ગયા તાલા રે...
અને દાસ સતારે ગાયું  છે -
એવી પ્યાલી પીધી મેં તો, 
મારા સદ્દગુરુને હાથે રે,
પીતાં મારે પ્રીત બંધાણી, 
મારા પ્રીતમજી સંગાથે રે..
પ્રેમ તણી લાગી છે અગ્નિ, 
એ તો પ્રગટી હાડો હાડે રે,
અણસમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણીને કાઢે રે..
પ્રેમે સદ્ગુરૂ મુજને મળિયા, 
મારો સફલ થયો જન્મારો રે,
હું ગાંડી કે દુનિયા ગાંડી, 
જ્ઞાની આપ વિચારો રે..
સ્વામીના તો સુખને બેની પરણેલી સ્ત્રી જાણે રે, 
શું સમજે કુંવારી કન્યા? એ તો પિયરીયું જ વખાણે રે..
‘દાસ સતાર’ સદ્ગુરુ પ્રતાપે, પરણી મોજો માણે રે, 
જોવું હોય પિયુનું સુખ તો, પરણો વચન પ્રમાણે રે..