Thu Oct 01 2026

Logo

અલખનો ઓટલોઃ સંતસાહિત્ય ને લોકસાહિત્યમાં વણજારાનું રૂપક

2026-09-07 08:52:24
Author: Dr Niranjan Rajyaguru
અલખનો ઓટલોઃ સંતસાહિત્ય ને લોકસાહિત્યમાં વણજારાનું રૂપક

ડૉ. નિરંજન રાજ્યગુરુ

ગુજરાતી સંતસાહિત્યમાં રૂપકકાવ્ય પ્રકારનાં અનેક ભજનો મળી આવે છે, ધર્મ ભક્તિ અને અધ્યાત્મને સમજાવવા માટે રોજિંદા પરિચયમાં આવનારી વસ્તુ-બાબતોને દૃષ્ટાંત,ઉપમા કે રૂપક તરીકે સ્વીકારીને એના પર નાનકડું પદ સ્વરૂપનું ધોળ કે ભજન રચવાથી લોકસમુદાયમાં પોતાના ભક્તિ વૈરાગ્યને ખૂબ સહેલાઈથી પહોંચાડી શકાય એ વાત મધ્યકાળના દરેક સંત-ભક્ત-કવિએ ધ્યાનમાં રાખી છે. 

પ્યાલો, કટારી, આંબો, હંસલો, મોરલો, ખંજરી, જંતરી, ઝાલરી, હાટડી, વણજારો, દેવળ, બંગલો, ચરખો, તંબૂરો, ચાદર, પટોળી, વિવાહ, માંડવો, નીસરણી અને ચૂંદડી જેવાં રૂપક પ્રકારનાં કાવ્યો આનાં સચોટ ઉદાહરણ છે. આવી રચનાઓ અત્યંત લોકપ્રિય થઈને કંઠસ્થ પરંપરામાં સચવાતી આવી છે. 

સંસારીઓને ધર્મ, ભક્તિ, અધ્યાત્મ, સાધના, શરણાગતિ અને ગુરુમહિમા સમજાવવા માટે તેમના જીવતરમાં અને સંસારજીવનમાં ખૂબ જ જાણીતાં હોય એવાં રૂપકો લઈને આપણા સંતકવિઓએ ભક્તિ પદારથની ઓળખાણ કરાવી છે. જેમાં આત્મા અને પરમાત્માના વ્યાપક શાશ્વત પ્રેમ સંબંધનું વેદાન્તી, જ્ઞાનમાર્ગી, યોગમાર્ગી કે ભક્તિમાર્ગી પરિભાષામાં આલેખન કરવામાં આવ્યું હોય છે.

‘વણજારો’ પ્રકારનાં ભજનોનો ઉદ્ભવ કે પ્રારંભ

ભારતીય સર્જકો તથા ગુજરાતી સંત-ભક્ત કવિઓ દ્વારા રચાયેલા ‘વણજારો’ ભજન પ્રકાર વિશે એના ઉદ્ભવથી માંડીને વર્તમાન સમય સુધીની સમગ્ર વિકાસરેખા. એની લાક્ષણિક્તાઓ, એના સર્જકોના સમયકાળ મુજબ ઐતિહાસિક ક્રમે. ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાંગીતિક પાસાંઓ મુજબ ‘વણજારો’ ભજનપ્રકારનો અભ્યાસ. 

‘વણઝારો’ સ્વરૂપનું પરિશીલન તેના વિષયને એટલે કે વસ્તુને ધ્યાનમાં રાખી, એક જ વિષય જુદે જુદે જમાને, જુદા જુદા વાતાવરણમાં, જુદા જુદા સર્જકને હાથે અવનવાં કેવાં રૂપો ધારણ કરે છે એનો અભ્યાસ. આપણા લોકસાહિત્યમાં અને ભજનસાહિત્યમાં સર્વ પ્રથમ ‘વણજારો’ ક્યારે કે ક્યા સંત દ્વારા રચાઈ, એ પછી ‘વણઝારો’ના સ્વરૂપમાં કેવા કેવા ફેરફારો થતા રહ્યા. સર્જનના કાલાનુક્રમે એ સ્વરૂપનો જન્મ, ઘડતર, વિકાસ અને પુનરોદ્ધાર કેમ થયો એ બધાં જ પાસાંઓનો અભ્યાસ.  તથા  ભક્તિસંગીત  તથા લોકસંગીતના ક્ષેત્રમાં ‘વણઝાકો’ સ્વરૂપનું સ્થાન અને માન, પ્રસ્તુત કરવાનો નિશ્ચિતં સમય તથા એના રાગ-ઢાળ-ઢંગ-સ્વરના આરોહ-અવરોહ વિશે ઘણી સામગ્રી મળી આવે છે. 

‘વણજારો’ શબ્દ વિચાર: વણજ એટલે વેપાર. દૂર દેશાવરમાં ફરી ફરીને પોતાની પોઠો સાથે વેપાર કરનાર તે વણજારા..‘વણજારો’ એ કોઈ ચોક્ક્સ પદબંધ ધરાવતો સાહિત્યપ્રકાર નથી, પરંતુ આ શરીરનું આલેખન કરતો વિવિધ પદબંધ-ઢાળ-તાલ-રાગમાં ગવાતો એમાંના વર્ણિત વિષયને કારણે એવું નામકરણ પામેલો ભજનપ્રકાર છે. એમાં ઉપદેશાત્મક અભિવ્યક્તિ વધુ ગાઢ-પ્રગાઢ થતી જોવા મળે છે.   

લોકગીતોમાં વણજારો
માળવેથી પોઠ્યું હાલિયું રે વણઝારા વાલમ લોલ,
ઈ તો આવિયું ગુજરાત દેશમાં રે નાનકડા નાયક લોક઼.
તારા દેશમાં આંબા આંબલી રે વણઝારા વાલમ લોલ,
મારા દેશમાં લીલી દ્રાખ મળે નાનકડા નાયક લોક઼.
તારા તે દેશમાં કડલાં રે વણઝારા વાલમ લોલ,
મારી કાંબીયુંમાં રતન જડાય રે નાનકડા નાયક લોક઼.
તારા તે દેશમાં બંગડી રે વણઝારા વાલમ લોલ,
મારી ચૂડલીમાં રતન જડાવ રે નાનકડા નાયક લોક઼.
સોરઠ ભોમ સોહામણી રે વણઝારા વાલમ લોલ,
તારો માળવો આઘો મેલ્ય રે નાનકડા નાયક લોક઼.

એક વણઝારા કોમના ગરીબ યુવાનને એના કુટુંબે તજી દીધેલો. એની પરણેતર પોતાના પતિને પરદેશ ખેડવા વિનવે છે. પોતાના થોડાક દાગીના વેચીને એક પોઠિયા સાથે થોડીક ચૂંદડી, ચૂડલીયું, કાંસકી, જેવો સસ્તો માલ લઈને યુવાન નીકળી પડે છે. વણઝારણ એની રાહ જુએ છે, ચોમાસું આવ્યું, પોતાના સસરા, જેઠ અને અન્ય કુટુંબીજનો એક પછી એક પોતાના ઘેર પાછા ફર્યા છે પણ પોતાનો વાલમ હજી નથી આવ્યો. એની રાહ જોતી ચોધાર આંસુએ રડતાં રડતાં વણઝારી ગાય છે. એનું કથાગીત અનેક પાઠાંતરો સાથે ગવાતું રહ્યું છે. ઝવેરચંદ મેઘાણીએ રઢિયાળી રાતમાં એનું એક પાઠાંતર આપેલું છે. જેમાં નાયકને સર્પદંશ થતાં પરદેશમાં જ મૃત્યુ પામ્યો છે એવી વાત છે.

નાયક રે સહુ ચાલ્યાં પરદેશ, 
આપણે ઘેર બેસી શું કરશું રે વણઝારા હો જી..
ગોરી રે સહુની ગાંઠે છે ગરથ, 
આપણી ગાંઠે નથી દોકડો વણઝારી રે..
નાયક રે આલું હૈયા કેરો હાર, 
મારી ટીલડી વેચીને ભરજો પોઠીડા વણઝારા હો જી..
હાલી હાલી મારા સસરાની પોઠ, 
હવે સસરા હાલ્યા ને નાયક હાલજો..
હાલી હાલી મારા જેઠજીની પોઠ, 
જેઠ હાલ્યા તો તમે હવે હાલજો.. 
આવી આવી મારા સસરા કેરી પોઠ, 
આવી આવી મારા જેઠજી કેરી પોઠ..
રૂમઝૂમતાં હાલ્યાં રે દેવરને પૂછવા, 
દેવરીયે આવીને દીધાં રે એંધાણ..
મારા વીરાને કરડ્યા કાળુડા નાગ, 
સોડ્યું રે તાણીને વીરો ન્યાં સૂતા..

બાળ્યા રે ભાભી એને વગડાની મોઝાર, અમ્મે રે આવિયાં ને વીરો ન્યાં રિયો. એક ‘હઠીલા વણજારાની વાત’, ‘રિસાલુ કુંવર અને ફૂલવંતીની વાત’ વગેરે લોકવાર્તાઓમાં વણજારા સાથેના નાયિકાના પ્રણયની વાતો લોકવાર્તાઓમાં મળે છે...