Wed Aug 19 2026

Logo

અમેરિકામાં ભારતીય મૂળના ક્રિકેટર પર આઠ વર્ષનો પ્રતિબંધઃ જાણો, શું છે કારણ

New York   2026-08-04 17:46:07
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ યૉર્કઃ અમેરિકાનો 26 વર્ષની ઉંમરનો ભારતીય મૂળનો ઑફ-સ્પિન ઑલરાઉન્ડર બી. અખિલેશ રેડ્ડી હજી તો અમેરિકા વતી માંડ ચાર ટી-20 મૅચ રમ્યો છે ત્યાં તો તેના રમવા પર આઠ વર્ષનો પ્રતિબંધ મુકાયો છે અને એનું કારણ એ છે કે તેણે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ભ્રષ્ટાચાર-વિરોધી આચારસંહિતાનો ત્રણ રીતે ભંગ કર્યો છે.

અખિલેશ રેડ્ડી (AKHILESH REDDY) આઠ વર્ષ સુધી કોઈ પણ પ્રકારની ક્રિકેટ નહીં રમી શકે, તેના પરથી પ્રતિબંધ હટશે ત્યારે તે 34 વર્ષનો થઈ ગયો હશે અને ત્યારે સ્પર્ધાત્મક ક્રિકેટ રમવાની ઉંમર તે લગભગ વટાવી ચૂક્યો હશે.

અખિલેશ રેડ્ડી પરનો આરોપ 2025-'26ની સીઝનમાં રમાયેલી અબુ ધાબી ટી-10 ટૂર્નામેન્ટ સંબંધિત છે જેમાં તે ઍસ્પિન સ્ટેલિયન્સ નામની ટીમ વતી બે મૅચ રમ્યો હતો.

અખિલેશે નિયમ 2.1.1નો ભંગ કર્યો છે. આ નિયમ મૅચને ફિક્સ કરાવવામાં કે ખોટી રીતે વગનો ઉપયોગ કરવા કે મૅચના પરિણામ કે મૅચની ગતિમાં બદલાવ લાવવા વિશે સંમત થવા વિશેનો છે. નિયમ 2.1.4 ટીમના સાથી ખેલાડીને એક કે વધુ મૅચ માટે નિયમ 2.1.1નો ભંગ કરવા પ્રોત્સાહિત કરવા અથવા સમજાવવા વિશેનો છે. અખિલેશે નિયમ 2.4.7નો પણ ભંગ કર્યો હોવાનું કહેવાય છે અને એ નિયમ તપાસ સંબંધિત સંભવિત ડૅટા તથા મૅસેજિસને ડીલીટ કરીને તપાસકાર્યમાં અવરોધ બનવા વિશેનો છે.