Sun Aug 23 2026

Logo

અજિત ડોભાલનો ભારતના યુવાનોને સંદેશ: "સ્વતંત્રતાનો અર્થ મનમાની નહીં, રાષ્ટ્રહિત સર્વોપરી હોવું જોઈએ"

2026-08-02 16:10:22
Author: Mumbai Samachar Team
Article Image

પુણે: પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર-2026થી સન્માનિત થયા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ ) અજિત ડોભાલે દેશના યુવાનોને સંબોધતાં રાષ્ટ્રનિર્માણ અને રાષ્ટ્રસેવાનો શક્તિશાળી સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે આજના યુવાનોએ વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઊઠીને દેશહિતને સર્વોપરી માનવું જોઈએ. "સ્વતંત્રતાનો અર્થ પોતાની ઇચ્છા મુજબ કંઈપણ કરવો નથી, પરંતુ દેશ પ્રત્યેની જવાબદારી નિભાવવી એ જ સાચી સ્વતંત્રતા છે," એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું .

ડોભાલે કહ્યું કે ભારત હાલમાં તેના ઈતિહાસના નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને દેશ પાસે વિકાસનું એક એવો ઐતિહાસિક અવસર છે, જેને કોઈપણ કિંમતે ગુમાવવો ન જોઈએ. તેમણે યુવાનોને અપીલ કરી કે તેઓ સંકલ્પ લે કે તેમના દરેક નિર્ણય અને દરેક કાર્યમાં રાષ્ટ્રહિત પ્રથમ રહેશે. જો વ્યક્તિગત લાભ અને દેશહિત વચ્ચે પસંદગી કરવાની સ્થિતિ ઊભી થાય તો દેશહિતને પ્રાથમિકતા આપવી જોઈએ.

ડોભાલે ચેતવણી આપતાં કહ્યું કે આજે પણ ભારતને આંતરિક તેમજ બાહ્ય સ્તરે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વની કેટલીક શક્તિઓ ભારતના ઝડપી વિકાસને પોતાની માટે પડકાર તરીકે જુએ છે અને દેશની પ્રગતિમાં અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં દરેક ભારતીય, ખાસ કરીને યુવાનોની જવાબદારી વધુ વધી જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ નિર્ણય કે કાર્ય કરતાં પહેલાં રાષ્ટ્રહિતને સર્વોચ્ચ સ્થાન આપવું જોઈએ. "ભારતના રાષ્ટ્રીય હિતને હંમેશાં પ્રાથમિકતા આપવી એ જ દરેક નાગરિકનું કર્તવ્ય છે," એમ તેમણે કહ્યું.

તેમણે જણાવ્યું કે આજની પેઢીને કદાચ લાગે છે કે ભારત હંમેશાંથી સ્વતંત્ર અને આવું જ હતું, પરંતુ આઝાદી લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને સંઘર્ષનું પરિણામ છે. "જો યુવાનો સ્વતંત્રતાનો અર્થ મનમાની સમજે છે, તો તે સમજણ ખોટી  છે. સ્વતંત્રતા સાથે ફરજ, શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી પણ જોડાયેલી છે," એમ પણ તેમણે જણાવ્યું હતું.

લોકમાન્ય બાલ ગંગાધર તિલકને યાદ કરતાં ડોભાલે કહ્યું કે તેઓ માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહોતા, પરંતુ મહાન સમાજસુધારક, વિચારક અને દાર્શનિક પણ હતા. અંગ્રેજો સામે તેમણે નિર્ભયતાથી અવાજ ઉઠાવી દેશભરમાં સ્વરાજ્યની ચેતના જગાવી હતી. "સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ રહીશ" જેવા તેમના સૂત્રે દેશના લાખો લોકોને પ્રેરણા આપી હતી. ડોભાલે જણાવ્યું કે આજના યુવાનો માટે પણ તિલકના વિચારો એટલા જ પ્રાસંગિક છે.

તેમણે પુણેમાં પ્લેગ દરમિયાન બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પોતાના 21 વર્ષીય પુત્રના અવસાન બાદ પણ લોકમાન્ય તિલકે શહેર છોડ્યું નહોતું અને લોકોની સેવા ચાલુ રાખી હતી. આ ઘટના તિલકના કર્તવ્યબોધ અને રાષ્ટ્રસેવાના ભાવનું ઉત્તમ ઉદાહરણ હોવાનું તેમણે જણાવ્યું.

ડોભાલે યુવાનોને અપીલ કરી કે વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે, જ્યારે દરેક નાગરિક તેને પોતાની વ્યક્તિગત જવાબદારી માનીને કર્તવ્ય, ત્યાગ અને રાષ્ટ્રસેવાની ભાવના સાથે આગળ વધશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત પોતાના લક્ષ્ય સુધી પહોંચશે અને ઇતિહાસમાં વિકાસનું નવું અધ્યાય લખશે.

અત્રે ઉલ્લેખનીય છે કે  શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે પુણેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનેએસએ) અજિત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો હતો. લોકમાન્ય તિલક સ્મારક ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમની પસંદગી કરવામાં આવી હતી. આ  અવસરે તેમણે યુવાનોને પોતાના ભાષણમાં આ સંદેશ આપ્યો હતો. તેમણે દેશના યુવાનોને સંબોધતા રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની, બલિદાનની ભાવના અપનાવવાની અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની અપીલ કરી હતી.