મુંબઈઃ એક તરફ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ ચીફ સિલેક્ટર અજિત આગરકરના મુદ્દે 15 દિવસમાં નિર્ણય લેવાની વાત કરી છે ત્યારે બીજી બાજુ એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલમાં જણાવાયું છે કે ખુદ આગરકરને જ આ હોદ્દા પર વધુ નથી રહેવું.
કેટલાક અહેવાલો અનુસાર રોહિત શર્માના કરીઅરના ભાવિ વિશે બીસીસીઆઇ અને આગરકર (AGARKAR) વચ્ચે મતભેદ હોવાનું મનાય છે. આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્શન કમિટીએ થોડા દિવસ પહેલાં એવો સંકેત આપ્યો હતો કે 2027ના વર્લ્ડ કપ સુધીના તેમના પ્લાનમાં રોહિત નથી. જોકે બોર્ડના સેક્રેટરી સૈકિયાએ પત્રકારોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે `રોહિતની કારકિર્દીના ભાવિ બાબતમાં અને વન-ડે ટીમમાં તેના સ્થાન બાબતમાં કોઈ જ ભય હોવો ન જોઈએ.'
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આગરકરનો ચીફ સિલેક્ટર તરીકેનો કરાર આગામી ચોથી ઑક્ટોબરે પૂરો થશે અને આગરકર એ કરાર લંબાવવા નથી માગતો અને તેણે આ નિર્ણય બીસીસીઆઇને જણાવી દીધો હોવાનું મનાય છે. હું મનાય છે કે ક્રિકેટ બોર્ડના બેંગ્લોર સ્થિત સેન્ટર ઑફ એકસેલન્સના ચીફ વીવીએસ લક્ષ્મણ સાથે આગરકરના મતભેદ છે.
સૈકિયાએ શુક્રવારે બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભામાં આગરકરના મુદ્દે 15 દિવસમાં નિર્ણય લઈ લેવાનો સંકેત આપવાની સાથે એવું પણ કહ્યું હતું કે `ક્રિકેટ જગતમાં 15 દિવસનો સમય બહુ લાંબો કહેવાય, અમે યોગ્ય સમયે નિર્ણય લઈ લઈશું.'
આગરકરે જુલાઈ, 2023માં સિલેક્શન કમિટીના ચીફ તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. તેના શાસનમાં ભારતની મેન્સ ટીમ એશિયા કપ જીતી તેમ જ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું હતું. એ ઉપરાંત, ભારત 2024 અને 2026 એમ બે વખત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી તેમ જ 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું. જોકે તેના શાસનકાળમાં ભારતીય ક્રિકેટરોના કેટલાક આઘાતજનક પરાજય પણ થયા હતા અને સિલેક્શનની બાબતમાં કેટલાક ચર્ચાસ્પદ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા.