Wed Sep 16 2026

Logo

એર ઈન્ડિયાએ દૈનિક ફ્લાઇટની સંખ્યા ઘટાડી, મુસાફરોની મુશ્કેલી વધશે

2026-05-13 16:29:38
Author: Chandrakant Kanoja
એર ઈન્ડિયાએ દૈનિક ફ્લાઇટની સંખ્યા ઘટાડી, મુસાફરોની મુશ્કેલી વધશે

નવી દિલ્હી: એર ઈન્ડિયાએ દૈનિક ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો  કરવાનો મોટો નિર્ણય લીધો છે. જેમાં અનેક આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ સેવા સ્થગિત કરશે.ફ્લાઇટમાં જૂન માસ સુધી તબક્કાવાર કાપ મૂકવામાં આવશે. તેમજ અનેક શહેરો માટે ફલાઇટની સંખ્યા ઘટાડવામાં આવશે. એર ઈન્ડિયાએ 100 ફ્લાઇટ રદ કરી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ જેટ ઇંધણના ભાવમાં સતત વધારો માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણયના લીધે હવાઇ મુસાફરોની મુશ્કેલીમાં વધારો થશે. 

એર ઇન્ડિયા દરરોજ 1,100 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે

હાલમાં એર ઇન્ડિયા દરરોજ 1,100 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જેમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને સેવાઓનો સમાવેશ થાય છે. આ નવા નિર્ણયથી આમાંથી 100 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ દિલ્હીથી શિકાગો, નેવાર્ક, સિંગાપોર અને શાંઘાઈની ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત  સાન ફ્રાન્સિસ્કો, પેરિસ અને ટોરોન્ટો જેવા મુખ્ય શહેરોની ફ્લાઇટની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. 

જેટ ફ્યુલના ભાવમાં તીવ્ર વધારો

આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં જેટ ફ્યુલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. મે 2026 માં, જેટ ઇંધણનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ 162 ડોલર સુધી પહોંચ્યો હતો.જે ફેબ્રુઆરીના અંતમાં  આશરે 99 ડોલર હતો. એરલાઇનના કુલ ખર્ચમાં ઇંધણનો હિસ્સો લગભગ 40 ટકા છે. પરિણામે  જેટ ફ્યુલના ભાવ વધતા ખર્ચે એરલાઇન્સ માટે સંચાલન ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે.