Wed Sep 16 2026

Logo

એર ઈન્ડિયા પ્લેન ક્રેશની વરસી: મુંબઈમાં મૃતક ક્રૂ મેમ્બરોને અપાઈ શ્રદ્ધાંજલિ

2026-06-12 20:14:47
Author: Mumbai Samachar Team
એર ઈન્ડિયા પ્લેન ક્રેશની વરસી: મુંબઈમાં મૃતક ક્રૂ મેમ્બરોને અપાઈ શ્રદ્ધાંજલિ

મુંબઈ: ગયા વર્ષે અમદાવાદમાં 12 જૂને એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા 260 લોકોમાં સામેલ ક્રૂના 12 સભ્યને શ્રદ્ધાંજલિ આપવા મિત્રો, સગા અને વિમાન સર્વિસ સાથે સંકળાયેલા સભ્યો આજે મુંબઈમાં એકઠા થયા હતા. પ્રાર્થના સભામાં હાજર રહેલા લોકોમાં અમોલ તટકરે પણ હતા જેમની પત્ની અપર્ણા મહાડીક, વરિષ્ઠ ક્રૂ મેમ્બર, એઆઈ -171 ફ્લાઇટ દુર્ઘટનામાં મૃત્યુ પામી હતી. 

એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થતા વિમાનમાં સવાર 241 લોકો અને જમીન પર રહેલા અન્ય 19 લોકો માર્યા ગયા હતા. અકસ્માતમાં એક મુસાફર બચી ગયો હતો જ્યારે તમામ ૧૨ ક્રૂ સભ્યોના મોત થયા હતા.

અમોલ તટકરેએ જણાવ્યું હતું કે 'મને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો અને દુર્ઘટનાની તપાસ કરી રહેલી તમામ એજન્સીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે. મને આશા છે કે અંતિમ તપાસ અહેવાલમાં સત્ય બહાર આવશે. 

આ દુર્ઘટનામાં માર્યા ગયેલા એર ઇન્ડિયાના સિનિયર પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના મિત્ર સંદીપ કપૂર પણ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં યોજાયેલી પ્રાર્થના સભામાં હાજર હતા. કપૂરે કહ્યું હતું કે 'શું થયું અને કેમ થયું એમાં હું ઊંડો ઉતરવા નથી માગતો. મને ખાતરી છે કે તેમના (સુમિત સભરવાલ) પર કોઈ દોષ ન આવવો જોઈએ.