Thu Oct 01 2026

Logo

થાઈલેન્ડથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટર્બ્યૂલન્સ, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

2026-08-04 14:31:00
Author: Mayur Patel
થાઈલેન્ડથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટર્બ્યૂલન્સ, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ થાઈલેન્ડથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટર્બ્યૂલન્સનો શિકાર બની હતી. જેમાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા.  આ ફ્લાઈટ થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવતી હતી. ટર્બુલેંસ એટલું ખતરનાક હતું કે કોઈને કાનમાં તો કોઈને ગરદનમાં ઈજા થઈ હતી. અમુક મુસાફરોના માથા છત સાથે પણ ભટકાયા હતા. 

એરલાઇનના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, આ ફ્લાઇટને માર્ગમાં અચાનક જ તેજ હવાના ઝટકા એટલે કે ટર્બ્યૂલન્સનો સામનો કરવો પડ્યો હતો. આ કુદરતી અને અણધારી સ્થિતિના કારણે વિમાનની ઊંચાઈમાં થોડા સમય માટે ફેરફાર કે બદલાવ જોવા મળ્યો હતો.  
 

મુસાફરોએ જણાવ્યું કે દિલ્હીમાં લેન્ડિંગના થોડા સમય પહેલા વિમાન અચાનક નીચે આવવા લાગ્યું હતું. જેથી મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. થોડીવાર માટે વિમાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, પાઇલટે ભારે મુશ્કેલી વચ્ચે વિમાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવ્યું હતું.

જોકે એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. જે કેટલાક મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને જેમને તબીબી તપાસની જરૂર હતી, તેમને સાવચેતીના ભાગરૂપે તપાસ અને સારવાર માટે એર ઇન્ડિયાની એરપોર્ટ ટીમ તથા મેડિકલ સ્ટાફ દ્વારા એરપોર્ટ પર જ આવેલા મેડિકલ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે.