નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ફ્લાઇટની વ્યવસ્થા ખોરવાઇ ગઈ છે. આવા સમયે UAE એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓને પગલે, એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 15 માર્ચ 2026 માટેના તેમના એડ-હોક ઓપરેશન્સમાં મોટો ઘટાડો કરવાની ફરજ પડી છે. આ અનિવાર્ય સંજોગોને કારણે દુબઈ અને અબુ ધાબી જતી મોટાભાગની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આ ફેરફારો સ્લોટની ઉપલબ્ધતા અને ઉડાન સમયની પ્રવર્તમાન પરિસ્થિતિઓને આધીન રહેશે.
દુબઈ અને અબુ ધાબીના રૂટ પર માઠી અસર
ફ્લાઈટ્સની વિગતો મુજબ, એર ઈન્ડિયા દુબઈ માટે આયોજિત પાંચમાંથી ચાર ફ્લાઈટ્સ રદ કરી છે અને માત્ર એક જ દિલ્હી-દુબઈ રિટર્ન ફ્લાઈટનું સંચાલન કરશે. તેવી જ રીતે, એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ દુબઈની છમાંથી પાંચ ફ્લાઈટ્સ રદ કરી છે. સૌથી વધુ અસર અબુ ધાબી રૂટ પર જોવા મળી છે, જ્યાં એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ પાંચેય ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. જોકે, શારજાહ અને રાસ અલ ખૈમાહથી ભારત માટે કેટલીક પસંદગીની ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રાહકો માટે રિફંડ અને રિબુકિંગની સુવિધા
આ અચાનક થયેલા ફેરફારોને કારણે મુસાફરોને પડનારી હાલાકી બદલ એર ઈન્ડિયાએ ખેદ વ્યક્ત કર્યો છે. જે મુસાફરોની ફ્લાઈટ્સ રદ થઈ છે અથવા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે, તેઓ કોઈપણ વધારાના ચાર્જ વગર ભવિષ્યની તારીખ માટે ફરીથી બુકિંગ કરાવી શકશે અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ પસંદ કરી શકશે. કંપનીએ અટવાયેલા મુસાફરોને વહેલી તકે ઘરે પહોંચાડવા માટે પ્રતિબદ્ધ હોવાની ખાતરી આપી હતી.