ગેરેજમાં વાહનોની લાંબી કતારો, મોબાઈલ બગડ્યા, ઈન્ટરનેટ સેવાને પણ અસર
અમદાવાદઃ ગુરુવારે 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા રસ્તા અને સોસાયટી હશે જ્યાં પાણી ન દેખાયું હોય. શહેરનો પશ્ચિમ વિસ્તાર તો લગભગ જળમગ્ન બની ગયો હતો અને સંપૂર્ણ શહેર વરસાદી આફતોને લીધે અટકી ગયું હોય તેમ લાગતું હતું. સામાન્ય રીતે ઓછા વરસાદથી ટેવાયેલા અમદાવાદીઓ માટે ગુરુવારનો દિવસ અલગ જ અનુભવો લઈને આવ્યો હતો. જોકે આ પહેલા પણ અમદાવાદ વરસાદની બાનમાં આવી ચૂક્યું છે. મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર છેલ્લા 100 વર્ષમાં આ રીતે 24 કલાકમાં અનપેક્ષિત વરસાદ પડ્યાની ત્રણ ઘટના અગાઉ બની ચૂકી છે.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) ના ડેટા મુજબ, શહેરમાં સૌથી વધુ વરસાદ ૧૯૨૭ માં ૪૧૪.૮ મીમી નોંધાયો હતો. બીજો સૌથી વધુ વરસાદ જુલાઈ ૨૦૦૦ માં ૩૨૫.૯ મીમી હતો. ત્રીજો સૌથી વધુ વરસાદ ૩૨૨.૩ મીમી ૧૯૬૭ માં નોંધાયો હતો. જ્યારે 23મી જુલાઈ, 2026એ 296 મીમી વરસાદે શહેરને ધમરોળ્યું હતું.
ગુરુવારે પડેલા વરસાદ બાદ જનજીવન થાણે પડતા હજુ સમય લાગશે. ઘર અને દુકાનોમાં પાણી ઓસર્યા બાદ નુકસાનનો અંદાજ આવી રહ્યો છે. સ્વચ્છતા અને ફરી જીવન જરૂરિયાતોની ચીજો માટે લોકો બહાર નીકળી રહ્યા છે. બીજી બાજુ બગડી ગયેલા ટુ વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ માટે ગેરેજમાં જઈ રહ્યા છે. ઘણી ઓફિસોમાં ઈન્ટરનેટ સેવા ઠપ થઈ ગઈ હતી. રેસ્ટોરેશનમાં પણ સમય લાગી રહ્યો હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે. આ સાથે સતત વરસાદમાં લોકોના મોબાઈલ પણ બગડી ગયા હોવાની અને નવા ખરીદવા પડયા હોવાની ઘટનાઓ પણ જાણવા મળી છે.
જોકે વરસાદે શુક્રવારે અને શનિવારે ગતિ ઘણી ધીમી કરી હોવાથી સામાન્ય લોકોને રાહત થઈ હતી. પરિવહન સરળ બન્યું હતું. પાણી ઉતર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે મનપાએ તમામ પ્રયત્નો હાથ ધર્યા છે.