Fri Sep 04 2026

Logo

અમદાવાદમાં રોગચાળાનો ભરડો: માત્ર ૯ દિવસમાં ઝાડા-ઉલ્ટી અને ડેન્ગ્યુ-મેલેરિયાના કેસમાં ધરખમ વધારો

2026-08-13 20:09:43
Author: Devayat Khatana
અમદાવાદમાં રોગચાળાનો ભરડો: માત્ર ૯ દિવસમાં ઝાડા-ઉલ્ટી અને ડેન્ગ્યુ-મેલેરિયાના કેસમાં ધરખમ વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
 અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોવાનું નોંધાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં જ રોગચાળા અંગેના જાહેર કરેલા આંકડાઓ અનુસાર, માત્ર 1 થી 9 ઓગસ્ટ સુધીના નવ દિવસના ટૂંકા ગાળામાં જ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમયગાળામાં ઝાડા-ઉલ્ટીના 113, ટાઈફોઈડના 46 અને કમળાના 17 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો, સાદા મેલેરિયાના 13 કેસ, ફાલ્સીપેરમ મેલેરિયાનો 1, ડેન્ગ્યુના 19 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો હતો. રોગચાળાને કાબૂમાં લેવાના ભાગરૂપે એએમસી દ્વારા આ નવ દિવસમાં 16 હજાર કરતાં વધુ પાણીના સેમ્પલ રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા, જેમાંથી 6 સેમ્પલમાં ક્લોરિનનું પ્રમાણ શૂન્ય જણાયું હતું. જ્યારે બેક્ટેરિયોલોજીકલ એનાલિસિસ માટે લેવાયેલા આશરે અઢી હજાર જેટલા સેમ્પલમાંથી 10 સેમ્પલ પીવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા.

બીજી તરફ, વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, ઓગસ્ટ સુધીના સમયગાળામાં શહેરમાં મોટી સંખ્યામાં લોકો રોગચાળાનો ભોગ બન્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 246, સાદા મેલેરિયાના 188, ફાલ્સીપેરમ મેલેરિયાના 20 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે, પાણીજન્ય રોગોનો પ્રકોપ વધુ ચિંતાજનક રહ્યો હતો.