ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ
શ્વેતા જોષી-અંતાણી
રેવા એ છોકરીઓમાંની નહોતી, જેને લોકો સરળતાથી સમજી શકે. સોળ વર્ષની રેવા મેટ્રો શહેરના એક સાધારણ એવા ઘરમાં પોતાના પેરેન્ટ્સ તેમજ મોટાભાઈ સાથે રહેતી. અહીં જિંદગીના નિયમો એકદમ સાફ હતાં. ધ્યાનથી ભણો, મર્યાદામાં રહો અને તમારી હદ ક્યારેય વળોટો નહીં. બહારથી જોતાં રેવાની જિંદગી બિલકુલ સામાન્ય લાગતી. સ્કૂલ- ટ્યુશન-ઘર... બસ. આ ત્રિકોણીયામાં સમાય એટલું આકાશ રેવાનું. એનું મન અંદરથી એકાદ એવું તોફાન ઝંખી રહ્યું હતું , જેનો ખ્યાલ કોઈનેય નહોતો.
રેવા પાસે અનેક સવાલ હતા: હું કેમ મારા મિત્ર સાથે સાત વાગ્યા પછી બહાર ના જઈ શકું? ભાઈ તો ગમે ત્યારે બહાર રહે છે ને તો હું કેમ નહીં? મારી જ પસંદગી હંમેશાં ખોટી કેમ હોય? પેરેન્ટ્સ પાસે જવાબો નહોતા. હતાં તો માત્ર નિયમો. ‘તું છોકરી છો. અમને ખબર છે તારા માટે શું સાચું ને શું ખોટું. કારણ કે, સમાજમાં છોકરી એ કેમ રહેવાય એ તને નથી ખબર.’
ધીમે ધીમે રેવાને ખ્યાલ ના રહે એ રીતે એના મનમાં એક વિચાર દ્રઢ બનતો ગયો કે એ પોતાના ઘરમાં ‘મિસફીટ’ છે. પરિણામ સ્વરૂપ રેવા બગાવત પર ઊતરી આવી. એ આધુનિકતાના આંચળાને ઓઢવાં કટીબદ્ધ બની. મોડર્ન કપડાં, ચાલચલગત, અવનવાં મિત્રો. એણે દિલ ખોલીને જીવવાનું શરૂ કર્યું. સ્કૂલમાં એ ખુલેથી હસતી, છોકરાઓ સાથે દોસ્તી કરતી. આસપાસના લોકને રેવાનો આ બદલાવ ઊડીને આંખે વળગ્યો. ‘અરે, રેવા તો ભારે બદલાઈ ગઈ છે. હવે એ સારી છોકરી નથી રહી. બહુ મોડર્ન થઈ ગઈ છે. એને તો ખૂબ બધા ફ્રેન્ડ્સ છે.’
આ ગણગણાટ એની પીઠ પાછળ ચાલ્યા કરતો. અંતે ખૂબ સહજતાપૂર્વક રેવાને લલાટે ‘બેડ ગર્લ’ નું ટેગ લાગી ગયું. રેવા સમજી નહોતી શકતી કે લોકોએ આટલી આસાનીથી એને ખરાબ કઈ રીતે માની લીધી? ક્લાસનો કોઈ છોકરો જો એની સાથે વાતો કરે તો એ વાત નોર્મલ ગણાય, પરંતુ જો રેવા સામેથી કોઈ છોકરા સાથે વાત કરવાની પહેલ કરે તો તુરંત એના ચારિત્ર્ય પર આંગળી ઉઠાવવામાં આવતી.
વાત એક જ, પણ એ તરફ લોકોનો દ્રષ્ટિકોણ અલગ-અલગ.રેવાની મનમરજીથી જીવવાની ચાહ ચોરે ને ચૌટે ચર્ચાવા લાગી. મમ્મી હવે ગમે ત્યારે એનો ફોન ચેક કરતી. પપ્પા એને ક્યાંય એકલી જવાં ના દેતા. ઘર હવે એના માટે પૂછપરછ કેન્દ્ર બની ગયેલું. ‘ક્યાં હતી.. કોની સાથે હતી.. ફોન કેમ ન ઉપાડ્યો... અમારી સાથે ખોટું બોલે છે’ વગેરે વગેરે.
રેવાને કહેવાની ઈચ્છા થઈ આવતી કે, હું જૂઠ્ઠું નથી બોલતી, બસ તમે લોકો સાચું કહેવાની કોઈ જગ્યા મને નથી આપતાં, પણ જવાબમાં મોટાભાગે એ ચૂપ રહેતી. એક સાંજે સ્કૂલ ટ્રીપમાં જવાં માટે એણે મમ્મી-પપ્પાની મંજૂરી માગી. જવાબમાં આવી મનાઈ. એ દિવસે એ તૂટી પડી :
‘મારો શ્વાસ રૂંધાઇ રહ્યો છે, તમે મારા પર ભરોસો નથી કરતાં, મને સમજવાની કોશિશ નથી કરતાં, તમે મારા પેરન્ટ્સ નથી. દુશ્મનો છો.’
સામે પિતાનો ચહેરો કડક થઈ ગયો, ‘અમે તને પ્રોટેક્ટ કરીએ છીએ.’
‘આ પ્રોટેક્શન નથી, કંટ્રોલ છે.’ આટલું બોલતાં રેવા ગુસ્સામાં થરથર કાંપી રહી.
‘શું કીધું તે? આ કંટ્રોલ છે?’ આટલું બોલતાં પિતાએ એક જોરદાર તમાચો રેવાના મુલાયમ ગાલ પર જડી દીધો. એ દિવસે રેવાને પોતાના જ ઘરમાં અજાણ્યા જેવી લાગણી થઈ આવી.
આ ઘટના બાદ રેવાએ સમજવાનું સદંતર બંધ કરી દીધું. એ હવે રજા માગવાની પણ દરકાર ના કરતી. સાચું કહેવાનું તો જાણે એ ભૂલી જ ગયેલી. એ હવે ‘આઝાદ પંછી’ હતી - ‘અ ફ્રી બર્ડ’. જોકે આ પરાણે ખૂંચવેલી આઝાદીની સાથે દગો, વિશ્વાસઘાત, ભૂલભરેલા નિર્ણયો, મૂંઝવણો, બધું જ નફામાં સાથે આવ્યું.
ક્યારેક અરીસાને એ પ્રશ્ન કરતી :
‘શું સાચે હું કોઈ ખરાબ છોકરી છું?’ શું સ્વતંત્રતા પસંદ કરનાર દરેક છોકરી, યુવતી, સ્ત્રી મારી જેમ ખરાબ ગણાતી હશે? અને લોકોની હા એ હા કરતી, પરતંત્રતા ભોગવતી, ત્યાગની દેવી થઈ ઉઠતી છોકરીઓ સારી!’
રેવાની અંદર જિજ્ઞાસા છે, આકર્ષણ છે અને સૌથી વધારે તો સ્વીકૃતિની ચાહ છે. એ ભૂલો કરે છે. સમાજે દોરેલી સીમાઓને લાંઘી દે છે. એમાં વિદ્રોહથી વધુ તરુણાવસ્થાને જાણવાની કોશિશ છે. આ ઉંમરે એ ભટકી ગઈ છે એનાથી પણ વધુ તકલીફદાયક વાત તો એ છે કે, પોતાના મનનો ઊભરો ઠાલવવા એની પાસે કોઈ સુરક્ષિત જગ્યા નથી.
તરુણાવસ્થાએ હોર્મોન્સ તમારા વિચારો, લાગણીઓ, પ્રતિક્રિયા તેમજ ભાવનાઓને બદલી નાખે છે. જલ્દીથી ગુસ્સો આવવો, એકલતા અનુભવવી, આકર્ષણ થવું, વિદ્રોહી બનવું. આ બધું ખરાબ વર્તન એ બદલતી ઉંમરે હોર્મોન્સના ઘોડાપૂર આવ્યાની નિશાની છે.
રેવા પણ આ બધી મૂંઝવણોનો સામનો કરી રહી છે. આ તકલીફોને સમજાવવાની ભાષા એને નથી આવડતી. લોકોને જે દેખાય રહ્યું છે એ એનો બાહ્ય બદલાવ અને સ્વભાવની કડવાશ છે.
અંદરથી એનામાં જે ઊથલપાથલ મચી છે એનો કોઈ તોડ નથી.
રેવાને ખ્યાલ નથી કે એ અત્યારે હોર્મોન્સના ઉતાર-ચડાવમાંથી પસાર થનારી ઉંમરમાં પહોંચી છે. આ સમયે મન પોતે શું છે એ વિચારે સાચી ઓળખની તલાશમાં ભટકતું ફરે અને શરીર કુદરતી રીતે ઉત્પન્ન થઈ રહેલા આવેગોને શમાવવા અધીરું થાય.
બીજા શબ્દોમાં: આ એક એવી ઉંમર છે, જ્યાં વિહરવાનું અને વિખેરાય જવાનું સાથે થઈ રહ્યું છે ત્યારે સમજણનો સેતુ સાંધવાની પહેલ કોણ કરે? સમાજ કે ખુદ યુવતી?