સર્જકના સથવારે - રમેશ પુરોહિત
ગુજરાતી, ઉર્દૂ, અંગ્રેજી અને હિન્દી એમ ચાર ચાર ભાષાઓનો ઊંડો અભ્યાસ હોય. અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે ભારતમાં અને પછી શિક્ષણ ક્ષેત્રે લંડનમાં કાર્યરત સર્જક જ્યારે કવિતા લખે કે ગઝલ કહે ત્યારે તેમાં સત્ત્વ અને તત્ત્વનો સમન્વય થાય છે. આવા એક ગુજરાતી ગઝલકાર છે અદમ ટંકારવી, જે હાલમાં રહે છે બ્રિટનમાં પણ જન્મભૂમિ ટંકારિયા સાથેનો નાતો જીવંત રાખે છે.
ઐતિહાસિક પરિપ્રેક્ષયને નજર સમક્ષ રાખીને સર્જક વિશેની વિગતો આપવી જરૂરી છે જેથી વાચકને એમના ફલકનો ખ્યાલ આવે. એમનું નામ અદમ મુસા ધોડીવાલા. ભરૂચ જિલ્લાના ટંકારિયા એમનું વતન. માતા આઇશાબહેન અને પિતા મુસાભાઇ. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ટંકારિયામાં લીધું. મેટ્રિક થયા પછી મુંબઈની જયહિન્દ કૉલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. એમનો જન્મ ટંકારિયામાં 27 સપ્ટેમ્બર, 1940. એટલે અત્યારે લગભગ 86 વર્ષના થયા છે. ભણવાની ધગશ, જ્ઞાનની તરસ અને આગળ વધવાની હોંશ હોવાથી સ્નાતકની ડિગ્રીને ધન્યતા માન્યા વગર વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી બી.એડ. એમ.એડ. અને પીએચડી થયા. 1981માં બ્રિટિશ કાઉન્સિલની સ્કોલરશીપથી યુ.કે.ની લેન્કેસ્ટર યુનિ.માં એક વર્ષ અભ્યાસ કરી ભાષાશાસ્ત્રમાં અનુસ્તાક પદવી ડિસ્ટિંકશન સાથે પ્રાપ્ત કરી હતી.
ઈ.સ. 1962થી 1967 દરમિયાન ટંકારિયા હાઈ સ્કૂલ, કરમાડ હાઈ સ્કૂલ અને સુરતની જીવન ભારતીમાં શિક્ષણ કાર્ય કર્યું. 1968માં મિયાંગામ - કરજણ કૉલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે સેવા આપી ત્યાર પછી ગુજરાતના શિક્ષણ સંસ્થાન સમા વલ્લભ વિદ્યાનગરની એચ.એમ. પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈંગ્લિશમાં અંગ્રેજી ભાષા શિક્ષણના અધ્યાપક તરીકે જોડાયા. વિદ્યાનગરના રહેઠાણ દરમિયાન અદમભાઈએ શિક્ષણની સરાહનીય સેવા બજાવી. ઉદ્યમી અને ખંતિલા શિક્ષણશાસ્ત્રી તરીકે ગુજરાત રાજ્યના અંગ્રેજીના પાઠ્ય પુસ્તકોનું લેખન કાર્ય, આકાશવાણી પરથી અંગ્રેજી વિષયના શિક્ષણો માટેની શ્રેણીનું પ્રસારણ, બ્રિટિશ કાઉન્સિલ આયોજિત કાર્ય શિબિરો અને તાલીમ વર્ગનું સંચાલન તથા વિવિધ સામયિકના સંપાદન જેવી અનેકવિધ શૈક્ષણિક, સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. ભારતના એક વખતના નાણાં પ્રધાન એચ. એમ. પટેલ તથા દિલાવર સિંહજી જાડેજા સાથે કૅમ્પસ વિકાસના કાર્યોમાં સામેલગીર, સાહિત્ય ક્ષેત્રે હરીશ મીનાશ્રુ, ડૉ. અજિત ઠાકોર, ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા, ડૉ. મણિલાલ પટેલ, જયેન્દ્ર શેખડીવાલા અને જૉસેફ મેકવાન જેવા વિદ્વાનોનો સહયોગ સાંપડ્યો.
વલ્લભ વિદ્યાનગરમાં બાવીસ વર્ષ સુધી અંગ્રેજી ભાષા શિક્ષણના નિષ્ણાત પ્રોફેસર તરીકે સેવા આપી. તે શિક્ષણ સાહિત્યના આ તલબગાર જીવ બ્રિટનમાં બોસ્ટન મુસ્લિમ ગર્લ્સ સ્કૂલમાં જોડાયા અને 2011 સુધી સેવાઓ આપી.
બ્રિટનમાં ગુજરાતી ગઝલનો માહોલ ધીરે ધીરે બંધવા લાગ્યો. ગુજરાતી મુશાયરાની શરૂઆત 1966માં મહેક ટંકારવીના બ્રિટન આગમન સાથે થઈ. આજે પચાસ વર્ષ પૂરાં થવાના આરે જઈએ ત્યારે ગુજરાતી ગઝલમાં પ્રાણ પૂરનાર અદમભાઈને યાદ કરવા જ પડે. ગુજલિશ નામે નવા જ ગઝલ પ્રકારની શરૂઆત કરીને અદમ ટંકારવીએ જન્મભૂમિ ગુજરાત અને કર્મભૂમિ બ્રિટનનો ગઝલ સાથેનો નાતો બાંધી આપ્યો. એમની ગઝલમાં નવીન ભાવ પ્રવહણ, ગઝલના બાહ્ય અને આંતરિક દેહની જાળવણી, પ્રયોગદર્શિતા સાથે પ્રણાલિકાગત સૌન્દર્ય, વેદાંત અને સૂફીવાદનો સુભગ સમન્વય, તળ ગુજરાતી સંસ્કૃતિની છાપ, સંદર્ભો, માન્યતા, ભાષાના લય લઢણ, રૂઢિ પ્રયોગો, કહેવતોની આગવી મિરાત, નવાં જ શબ્દ વિધાનો, અલંકારો, પ્રતીકો બધી જ રીતે નોખી અને અનોખી ગઝલ નિષ્ઠા જોવા મળે છે.
અદમ ટંકારવીનો `સંબંધ' નામનો ગઝલ સંગ્રહ 1971માં પ્રગટ થયો. આમાં ગઝલ વધારે છે પણ સાથે સાથે હાઈકુ, મુક્તક, તાન્કા અને બીજી રચનાઓ છે. આ સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ જયંત પાઠક કહે છે કે ગઝલમાં કવિ-કર્મનો વિશેષ સુપેરે પ્રગટ થાય છે. ગઝલના ક્ષેત્રમાં અદમનો એક પગ પરંપરામાં ને બીજો પ્રયોગમાં જણાય છે. પ્રેમ મુખ્ય છે એવી કૃતિઓ અહીં છે ને એમાં કવિએ વિરહના દર્દની ને મિલનની મસ્તીની વાત જુદી જ રીતે આપે છે જેમ કે:
કેવળ દવાથી રોગ અમારો નહીં મટે
સંબંધ પણ ઉમેરો જરી સારવારમાં
* * *
સઘળી રૂપાળી ચીજનું તમને દીઠા પછી
પરદાઓ પાળવાનું વલણ થૈ ગયું છે.
અદમની `સંબંધ' પ્રથમ સંગ્રહથી શરૂ થયેલી કાવ્યયાત્રા બીજા પડાવમાં આપણને મળે છે `અદમ ટંકારવીની ગઝલોની ચોપડી', `ગુજલિશ ગઝલો', `રિઝામણું', `108 ગઝલ' વગેરે. એમણે ગુજરાતી ગઝલમાં ગઝલ સ્વરૂપની ચર્ચા છે. પ્રવાસ વર્ણનો પણ લખ્યાં છે. `આદમ કદ અરિસામાં' સમાજ દર્શનના પુસ્તકો પ્રગટ થયાં છે. એમણે કવિ અહમદ ગુલના કાવ્યોનું અંગ્રેજીમાં રૂપાંતર કર્યું છે. એમને અનેક પ્રતિષ્ઠિત એવૉર્ડ અને પુરસ્કાર એનાયત થયા છે.
અદમ ટંકારવીની કલમેથી ઝરેલાં શબ્દ પુષ્પોના આ મીનાકારી ચંદરવો હવે આપણે માણીએ:
ખરી પડવાનો ભય હરદમ રહે છે
સમયની ડાળ પર બેસી ગયો છું
* * *
આ અવાજોની શિલાના ભારથી
મૌન કચડાઈ મરે ઘોંઘાટમાં
* * *
જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી
લીમડાની ડાળ મીઠી થઈ ગઈ
* * *
અન્ય રંગો ક્યાં ગઝલમાં શકય છે
જ્યાં અદમ ભાષા જ ભગવી થઈ ગઈ
* * *
અંગ્રેજીના વ્યામોહમાં ગુર્જરીના નજરાઈ ગયેલ રૂપનું આબેહૂબ વર્ણન અદમ આ રીતે કરે છે:
આંગ્લ ક્નયા જોઈ વિલાઈ ગયું
ગુર્જરીનું રૂપ નજરાઈ ગયું
સોળ શણગારો સરર સરકી ગયા
સેંથીનું સિંદૂર ભૂંસાઈ ગયું
કર્યા લલાટે છે અનુસ્વાર ચાંદલો
તામ્ર તત્સમ તેજ અળપાઈ ગયું
વાળી વ્યુત્પતિની લ્યો ખોવાઈ ગૈ
નમણું નાજુક નાક અડવાઈ ગયું
ક ને અંબોડે હવે કેતક નથી
ફૂલ વેણીનુંય કરમાઈ ગયું
* * *
બારાખડી વટાવ પછી એક મુકામ છે
ભાષા ભવનને પાર ફકીરોનું ધામ છે
તોબા કરી તો એનું પરિણામ જોઈ લ્યો
છે દિલ હવે સુરાહી અને આંખ જામ છે
છે ફક્ત રિસામણું ઝઘડો નથી
આ ગઝલ ડૂસકું છે ઠૂઠવો નથી
* * *
હસતાં હસતાં એને પી નાખો હવે
ઘૂંટડો કંઈ એટલો કડવો નથી
છે તોર એનો એવો કોઈની પડી નથી
આ ગામમાં જાણે કે બીજી છોકરી નથી
તું મારી સામે જોઈ આમ આંખ ના ઉલાળ
ગુજરાતી ગઝલકાર છું હું શેખજી નથી
એને તે એટલી તો ફટવી દીધી `અદમ'
કે આ ગઝલ કોઈને હવે ગાઠતી નથી
ચિબાવલી છતાં ગમી છે ગઝલ
કે પડોશીની છોકરી છે ગઝલ
હાથમાંથી ગયો પાલવ સરકી
તે પછી મુઠ્ઠીમાં બચી છે ગઝલ
હાથમાં લઉં તો છે કરતાલ અદમ
ફૂંક મારું તો વાંસળી છે ગઝલ
ગામ પાદર અને નદી લઈ ગઈ
ચોક સાથે એ ચાંદની લઈ ગઈ.
આપણા હાથમાં ચિચૂકો રહ્યો,
છોકરી બધી આમલી લઈ ગઈ.
એક બે વાત કાલીઘેલી કરી
કોરા કાગળ પર સહી લઈ ગઈ
મુઠ્ઠી અજવાળું ય ખરચાઈ ગયું
ઝાંખાપાંખા થઈ ગયા પરદેશમાં
હા વતનમાં આપણે અકબંધ હતા
કટકા કટકા થઈ ગયા પરદેશમાં
ગુર્જરી વ્યવહાર શોધું છું
ધાણીફૂટ બોલનાર શોધું છું
લાવે પરભાતિયા પાલવમાં ભરી
ખુશનુમા એ સવાર શોધું છું
ગુર્જરી જામ છલોછલ છે અદમ
સાથે બેસી પીનાર શોધું છું
હવે થોડો સમજણો થૈ ગયો છું
હવે તારાથી ડરતો થૈ ગયો છું.
આ દુનિયા બેવડી અને તેવડી થઈ
અને હું અરધોપરધો થૈ ગયો છું.
વચન આપી અને તું તો ભૂલી ગઈ
અહીં હું ઘડીઓ ગણતો થૈ ગયો છું.
* * *
આ અમેરિકાનો જયજયકાર છે
એની થૂલી પણ હવે કંસાર છે
અહીંયા એની બોનને પૈણે અદમ
ક્યાં કોઈને આપણી દરકાર છે.
* * *
નામ સરનામું હજી પણ એ જ છે
કોક વેળા લાગણી પત્રાવજે
* * *
કાંકરી ફૂલપાંખડી થઈ ગઈ
ધૂળ શેરીની રેશમી થઈ ગઈ
નવમા ધોરણની પલ્લવી પંડ્યા
ઘંટ વાગ્યો અને પરી થઈ ગઈ
સીધીસાદી ગઝલ લખી દે અદમ
જીવીકાકીની શારદા જેવી
* * *
નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર
* * *
એક તારું નામ લખતાં આવડ્યું
ને પછી તો સ્લેટ આ કોરી રહી
* * *
અદમ આ શ્વાસની ખીંટીએ લટકે
અમારું હોવું ખાલી મ્યાન જેવું
* * *
આંખથી એની આંખનું મળવું
ફનાગીરીના શ્રી સવા જેવું
* * *
તું ગુજરાતીમાં જો `આવો' કહે છે
તો મારા કાને એક ટૌકો પડે છે
* * *
તું ગુજરાતમાં જો વાતો કરે છે
તો તારા હોઠથી ફૂલો ઝરે છે
* * *
બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વૅબસાઈટ ઉપર મળે છે સનમ
મેમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સેઈવ ક્યાં કરે છે સનમ.
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ.
લાગણી પ્રોગ્રામ્ડ થઈ ગઈ છે
એન્ટર એક્ઝિટ ફક્ત કરે છે સનમ.