નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનના છઠ્ઠા મુકાબલામાં ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 65 રનથી હરાવ્યું હતું. મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો પરંતુ ટીમની જીત બાદ તે વિવાદમાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે તેને આઈપીએલ 2026ની આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ દોષી જાહેર કર્યો હતો.
કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર રમાયેલા મુકાબલામાં અભિષેક શર્માએ 48 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. જોકે મેચ દરમિયાન તેના વ્યવહારે મુશ્કેલી ઉભી કરી હતી.
બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, અભિષેક શર્માએ આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.3નું ઉલ્લંઘન કર્યું છે. જે અપમાનજક તે અશ્લીલ શબ્દ સાથે જોડાયેલી છે. આ કારણે તેના પર મેચ ફીનો 25 ટકા દંડ લગાવાયો છે અને ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. તેણે પોતાની ભૂલ સ્વાકીરી લીધી છે.
સનરાઈઝર્સ તરફથી છગ્ગાની ફટકારી સદી
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી આઈપીએલમાં અત્યાર સુધી એકથી એક ચડિયાતા ખેલાડીઓ રમતા જોવા મળ્યા છે, જેમાં પહેલું નામ તેમના પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરનું આવે છે, જેની કેપ્ટનશીપમાં ટીમે આઈપીએલ ટ્રોફી પણ પોતાના નામે કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે, જેણે કુલ 143 છગ્ગા ફટકાર્યા છે. હવે અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી આઈપીએલમાં 100 કે તેથી વધુ છગ્ગા મારનારો બીજો ખેલાડી બની ગયો છે. અભિષેક શર્મા વર્ષ 2019ની આઈપીએલ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો હિસ્સો બન્યો હતો અને અત્યાર સુધી તે જ ફ્રેન્ચાઈઝી તરફથી રમી રહ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓ
ડેવિડ વોર્નર: 143 છગ્ગા
અભિષેક શર્મા: 101 છગ્ગા
હેનરિક ક્લાસેન: 90 છગ્ગા
કેન વિલિયમસન: 64 છગ્ગા
ટ્રેવિસ હેડ: 50 છગ્ગા
અભિષેક શર્માનો અત્યાર સુધીનો આઈપીએલ રેકોર્ડ
વર્લ્ડ ક્રિકેટમાં પોતાની આક્રમક રમતથી સૌને પ્રભાવિત કરનાર અભિષેક શર્માએ આઈપીએલમાં ડેબ્યૂ વર્ષ 2018ની સીઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી કર્યું હતું, પરંતુ એક સીઝન પછી જ ફ્રેન્ચાઈઝીએ તેને રિલીઝ કરી દીધો હતો અને ત્યારથી તે સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ક્વોડનો હિસ્સો છે. અભિષેક શર્માએ આઈપીએલમાં અત્યાર સુધી 79 મેચોમાં રમીને 27.11ની એવરેજથી કુલ 1871 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 9 અડધી સદી સામેલ છે. જ્યારે અભિષેક અત્યાર સુધી આઈપીએલમાં (તમામ ટીમો તરફથી થઈને) કુલ 106 છગ્ગા મારવામાં સફળ રહ્યો છે.