Tue Aug 25 2026

Logo

અભિષેક શર્માએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, 10 છગ્ગા મારીને રચ્યો ઈતિહાસ

2026-04-22 10:41:00
Author: Mayur Patel
અભિષેક શર્માએ તોડ્યો ધોનીનો મોટો રેકોર્ડ, 10 છગ્ગા મારીને રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ IPL 2026ની 31મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ શાનદાર સદી ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સના બોલરોની ધોલાઈ કરીને તેણે 47 બોલમાં 9 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી  આઈપીએલ 2026માં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. આ સાથે તે 50 બોલની અંદર સૌથી વધારે સિક્સ મારનારા બેટ્સમેનોની સ્પેશિયલ ક્લબમાં સામેલ થનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો.

અભિષેકે 68 બોલનો સામનો કર્યો અને 20 બાઉન્ડ્રીની મદદથી અણનમ 135 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ SRHના યુવા સ્ટાર ઓપનરે ક્રિસ ગેલનો એક મોટો રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો હતો.  અભિષેક શર્મા IPLમાં સૌથી વધુ વખત 135+ સ્કોર બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ક્રિસ ગેલને પાછળ છોડીને ચોથી વખત આ પરાક્રમ કર્યું છે. આ પહેલા અભિષેક અને ક્રિસ ગેલ બરાબરી પર હતા.

અભિષેક શર્માએ પોતાની 135 રનની શતકીય ઇનિંગમાં 10 શાનદાર સિક્સર ફટકારીને મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. દિલ્હી સામેની મેચ પહેલા અભિષેકના નામે T20 ક્રિકેટમાં 341 સિક્સર નોંધાયેલી હતી. 10 સિક્સર ફટકારતાની સાથે જ આ સ્ટાર બેટ્સમેને માત્ર T20 ક્રિકેટમાં 350થી વધુ સિક્સર ફટકારવાનું પરાક્રમ જ નથી કર્યું, પરંતુ T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડી દીધા છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય ખેલાડીઓ

  • રોહિત શર્મા - 555
  • વિરાટ કોહલી - 443
  • સૂર્યકુમાર યાદવ - 423
  • સંજુ સેમસન - 405
  • અભિષેક શર્મા - 351
  • એમ.એસ. ધોની - 350

હવે અભિષેક T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ટોપ-5 ભારતીય બેટ્સમેનોમાં સામેલ થઈ ગયો છે. અભિષેક શર્મા IPLની એક ઇનિંગમાં 10 કે તેથી વધુ સિક્સર બે વાર ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ છે.