Wed Apr 22 2026

Logo
IPL 2026:

આરૉન ફિન્ચે કૅપ્ટન અક્ષર પટેલ સામે નિશાન તાક્યું, `તારા આ નિર્ણયમાં મને સમજદારી જેવું કંઈ લાગ્યું જ નહીં'

2026-04-22 19:34:04
Author: Ajay Motiwala
Article Image

હૈદરાબાદઃ આઇપીએલ-2026માં તમામ 10 ટીમનું સુકાન ભારતીય ક્રિકેટરો સંભાળી રહ્યા છે અને એમાં જે કેટલાક સુકાનીઓ સારું પર્ફોર્મ નથી કરી રહ્યા એમાં દિલ્હી કૅપિટલ્સ (DC)ના અક્ષર પટેલ (AXAR PATEL)નો પણ સમાવેશ છે અને મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેના હાઇ-સ્કોરિંગ મુકાબલામાં દિલ્હીના 47 રનથી થયેલા પરાજય બાદ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન આરૉન ફિન્ચે અક્ષરની કૅપ્ટન્સીની ટીકા કરી છે.

નીતીશની બોલિંગમાં બન્યા પંચાવન રન

હૈદરાબાદે 20 ઓવરમાં બે વિકેટે 242 રન કર્યા હતા. લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક શર્મા (135 અણનમ) તેમ જ ટ્રૅવિસ હેડ (37 રન), ઇશાન કિશન (પચીસ રન) અને હિન્રિક ક્લાસેન (37 અણનમ) ફટકાબાજી કરી રહ્યા હતા એની વચ્ચે અક્ષરના કેટલાક નિર્ણયો ચર્ચાસ્પદ થયા હતા. અક્ષરે પેસ બોલર મુકેશ કુમારથી બોલિંગની શરૂઆત કરી હતી અને (સામા છેડે) બીજી ઓવર પાર્ટ-ટાઇમ સ્પિનર નીતીશ રાણાને આપી હતી જેમાં છ રન અને તેની પછીની ઓવરમાં 20 રન બન્યા હતા. અક્ષરે પોતે છેક છઠ્ઠી ઓવરમાં બોલિંગ કરી હતી અને કુલદીપને સાતમી ઓવરમાં મોરચા પહેલી વખત મૂક્યો હતો. વધુ નવાઈની વાત એ છે કે અક્ષરે નીતીશને પૂરી ચાર ઓવર આપી હતી જેમાં તેને પંચાવન રનના ખર્ચ છતાં એક પણ વિકેટ નહોતી મળી. ખુદ અક્ષરે બે ઓવર કરી હતી જેમાં તેને 23 રનમાં એક વિકેટ મળી હતી અને કુલદીપને ફક્ત બે ઓવર આપી હતી જેમાં 30 રનમાં તેને એકેય વિકેટ નહોતી મળી.

આરોન ફિન્ચે એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટના શૉમાં કહ્યું, `અમે તો માથું ખંજવાળતા હતા. અમને થયું કે અક્ષર અને કુલદીપ, ભારતના આ બે મુખ્ય સ્પિનરે મૅચમાં કુલ મળીને ફક્ત ચાર ઓવર કરી અને પાર્ટ-ટાઇમ સ્પિનર નીતીશ રાણાને એકલાને ચાર ઓવર આપવામાં આવી. આમાં મને સમજદારી જેવું કંઈ લાગ્યું જ નહીં.'

અક્ષર તો બે વર્લ્ડ કપ જીતી ચૂક્યો છેઃ ફિન્ચ

ફિન્ચે ભાર દઈને કહ્યું, `અક્ષર તો બે વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે. તેણે દમામભેર પોતાનો પ્રભાવ બતાડવાની જરૂર હતી. તેણે શું કામ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમેનોથી પોતાને દૂર રાખ્યો? તેણે પ્રેશરના સમયે પોતાના પર જ વિશ્વાસ ન મૂક્યો? કુલદીપને પણ કેમ બે જ ઓવર આપી?'

અક્ષરનો અભિષેક સામે સારો રેકૉર્ડ હતો!

મંગળવારની મૅચ પહેલાં અક્ષર પટેલનો અભિષેક શર્મા સામે બહુ સારો રેકૉર્ડ હતો એમ છતાં અક્ષરે મંગળવારે તેની સામે વધુ બોલિંગ કરવાનું ટાળ્યું હતું. આ મૅચ અગાઉ અક્ષરે આઠ બૉલમાં ફક્ત છ રનના ખર્ચે બે વખત અભિષેકને આઉટ કર્યો હતો.