Tue Aug 25 2026

Logo

સભાપતિએ વિલીનીકરણને મંજૂરી આપી, ‘આપ’ના 7 સાંસદો સત્તાવાર રીતે ભાજપમાં સામેલ

2026-04-27 12:23:00
Author: Vimal Prajapati
સભાપતિએ વિલીનીકરણને મંજૂરી આપી, ‘આપ’ના 7 સાંસદો સત્તાવાર રીતે ભાજપમાં સામેલ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી માટે હવે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. આમ આદમી પાર્ટીના સાત દિગ્ગજ નેતાઓ અને સાંસદો એ ભાજપમાં જોડાવાવનો નિર્ણય કર્યો અને આમ આદમી પાર્ટી પક્ષપાતના ગંભીર આક્ષેપો લગાવ્યાં હતાં. હવે રાઘવ ચઢ્ઢા સહિત 'આમ આદમી પાર્ટી'ના 7 સાંસદો સભાપતિ દ્વારા ભાજપમાં સામેલ થવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. 

‘આપ’ના 7 સાંસદો હવે સત્તાવાર રીતે ભાજપના થઈ ગયા

સભાપતિની મંજૂરી બાદ રાઘવ ચઢ્ઢા સહિત 'આમ આદમી પાર્ટી'ના 7 સાંસદો હવે સત્તાવાર રીતે ભાજપના થઈ ગયા છે. એટલે હવે રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 113 થઈ છે. આમ આદમી પાર્ટીની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સતત માર પડી રહ્યો છે. ભાજપમાં સામેલ થયા બાદ રાઘવ ચઢ્ઢા પહેલું નિવેદન આપ્યું છે. આ વીડિયામાં રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતાં પાર્ટીને ટોક્સિક ગણાવી છે. રાઘવ ચઢ્ઢાના આ નિવેદન પછી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. 

 

ગુજરાતમાં પણ આજે એક આપ નેતાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. વિગતે વાત કરવામાં આવે તો, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે. જેના જાણ તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આપી છે.

સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું

રાષ્ટ્રીય કક્ષાએ સાત સાંસદોએ આમ આદમી પાર્ટીને છોડી દીધી અને ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. સાગર રબારી પહેલા ખેડૂત નેતા રાજુ કરપડાએ પણ આમ આદમી પાર્ટીને આક્ષેપો કરીને પાર્ટી છોડી દીધી હતી. રાજુ કરપડાએ ‘આપ’ને છોડીને ભગવો ધારણ કરી લીધો હતો. સાગર રબારી દ્વારા હજી તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે તેઓ હવે કોઈ પાર્ટીમાં સામેલ થશે.