Sat Sep 05 2026

Logo

સુરતમાં AAP તૂટી, કતારગામના પૂર્વ કોર્પોરેટરનું રાજીનામું

2026-04-15 11:35:00
Author: Mayur Patel
સુરતમાં AAP તૂટી, કતારગામના પૂર્વ કોર્પોરેટરનું રાજીનામું

સુરતઃ શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી સંખ્યાબંધ કાર્યકર્તા છોડીને અન્ય પક્ષમાં જઈ રહ્યા હોવાથી મુશ્કેલીઓ વધી રહી છે.  AAPના પૂર્વ સિનિયર કોર્પોરેટર ડૉ. કિશોર રૂપારેલિયાએ રાજીનામું ધરી દેતા આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો હતો. 2021માં ડૉ. રૂપારેલિયાએ ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા.

2021માં AAPએ સુરતમાં 27 બેઠક જીતી હતી

વર્ષ 2021માં યોજાયેલી સુરત મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતીને  વિપક્ષનું સ્થાન મેળવ્યું હતું. આ વખતની ચૂંટણી આમ આદમી પાર્ટી બમણા જોરથી લડી રહી છે. પરંતુ આંતરિક જૂથવાદ અને આપના નેતાઓના વર્તનને કારણે સંખ્યાબંધ કાર્યકર્તાઓ પક્ષ છોડીને અન્ય પક્ષમાં જઈ રહ્યા હોય આપના નેતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. 

બે દિવસ પહેલા મહિલા મોરચના પ્રમુખે પણ આપ્યું હતું રાજીનામું

કોંગ્રેસ છોડીને આપમાં જોડાયેલા કાર્યકર્તાઓને ટિકિટ ફાળવી દેવામાં આવતા આપના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેને પગલે રાજીનામાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ સહિત 9 જેટલી મહિલાઓએ આપમાંથી રાજીનામું આપી દીધું હતું. 

રાજીનામા માટે શું આપ્યું કારણ

આ વાતને  હજુ ગણતરીના કલાકો થયા હતા ત્યાં જ કતારગામના આપના પૂર્વ કોર્પોરેટર ડૉ. કિશોર રૂપારેલીયાએ  રાજીનામું
આપી દેતા આપને મોટો ફટકો લાગ્યો હતો.  ડૉ.. કિશોર રૂપારેલિયાએ પ્રદેશ પ્રમુખને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પારિવારિક અને કૌટુંબિક કારણોસર પક્ષની સેવા કરવામાં અસમર્થ છે. જોકે, રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ચૂંટણીના ટાણે જ પક્ષના પાયાના કાર્યકરો અને જનતામાં મજબૂત પકડ ધરાવતા નેતાઓ જે રીતે છેડો ફાડી રહ્યા છે, તેની પાછળ પક્ષની આંતરિક કાર્યપદ્ધતિ પ્રત્યેનો અસંતોષ હોઈ શકે છે.