Thu Sep 03 2026

Logo

ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું, `બિશ્નોઈને 10થી 11 કરોડ રૂપિયા મળવા જોઈતા હતા'

2026-04-05 20:03:00
Author: Ajay Motiwala
ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું, `બિશ્નોઈને 10થી 11 કરોડ રૂપિયા મળવા જોઈતા હતા'

Image credit: BCCI


 


અમદાવાદઃ અહીં શનિવારે ગુજરાત ટાઇટન્સને દિલધડક મુકાબલામાં છ રનથી હરાવવામાં છેલ્લી (20મી) ઓવરમાં પેસ બોલર તુષાર દેશપાંડેનું મહત્ત્વનું યોગદાન હતું, પરંતુ એ પહેલાં ગુજરાતની ચાર વિકેટ લઈને સૌથી મોટી ભૂમિકા ભજવનાર લેગ-સ્પિનર રવિ બિશ્નોઈ (Bishnoi) પર ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપડા (Akash Chopra) આફરીન છે અને તેણે કહ્યું છે કે `બિશ્નોઈને ત્રણ મહિના પહેલાંની હરાજીમાં રાજસ્થાન દ્વારા 7.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો ત્યારે જ અમે (હું અને સાથી કૉમેન્ટેટર્સ) ચર્ચા કરતા હતા કે બિશ્નોઈને 10થી 11 કરોડ રૂપિયા મળવા જોઈતા હતા.'

આકાશ ચોપડાએ પોતાની યુટ્યૂબ ચૅનલ પર એવું પણ કહ્યું કે `રાજસ્થાનને બિશ્નોઈ 7.20 કરોડ રૂપિયાના નીચા ભાવે મળી ગયો હતો. બિશ્નોઈ જેવા સ્પિનર માટે એ બહુ ઓછા કહેવાય. તેને ત્રણ-ચાર કરોડ રૂપિયા વધુ મળવા જોઈતા હતા. તેણે ચાર વિકેટ લીધી હતી અને એ ચારેય મહત્ત્વની વિકેટ હતી.'

બિશ્નોઈને ડૉનોવાન ફરેરાના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો. તેણે સાઇ સુદર્શન (73 રન), ગ્લેન ફિલિપ્સ (ત્રણ રન), વૉશિંગ્ટન સુંદર (ચાર રન) અને રાહુલ તેવાટિયા (12 રન)ની વિકેટ લીધી હતી. ગુજરાતનો 11થી ઓવરમાં સ્કોર 1/107 હતો અને 15મી ઓવરના અંત સુધીમાં સ્કોર 6/155 થઈ ગયો હતો અને એ દરમ્યાનની પાંચમાંથી ચાર વિકેટ બિશ્નોઈએ લીધી હતી.

આકાશ ચોપડાએ શનિવારે માનસિક દબાણની સ્થિતિમાં 20મી મૅચ-વિનિંગ ઓવર કરનાર પેસ બોલર તુષાર દેશપાંડેની પણ ખૂબ પ્રશંસા કરી હતી.