Sun Mar 08 2026

Logo

મેલ મેટર્સઃ ઠીકરું બીજાના માથે અને આપણે અત્તરનું પૂમડું?

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

અંકિત દેસાઈ

સોશ્યલ મીડિયાના આજના આભાસી યુગમાં વિચારોનું પ્રદૂષણ વાસ્તવિક પ્રદૂષણ કરતાં  પણ વધુ ઘાતક બની રહ્યું છે. હમણાં ઈન્સ્ટાગ્રામ પર એક રિલ નજરે ચઢી,જેમાં લખ્યું હતું કે ‘ડિપ્રેશન કોઈ કુદરતી બીમારી નથી,પણ તમારી જિંદગીમાં રહેલા ઘટિયા લોકોએ આપેલી ભેટ છે.’

આશ્ચર્યની વાત એ નથી કે કોઈએ આવું લખ્યું,પણ આઘાતની વાત એ છે કે હજારો લોકોએ આ મીડિયોકર વિચારને ‘વાહ-વાહ’ કહીને શેર કર્યો. આ એક રિલ માત્ર નથી, પણ આપણા સમાજમાં ઘર કરી ગયેલી એક માનસિકતાનો પુરાવો છે. આપણે કેટલી આસાનીથી આપણી સ્વભાવગત મર્યાદાઓ,આપણી નબળાઈઓ અને આપણી નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડી દઈએ છીએ. 

ખાસ કરીને પુરુષોમાં, જેમને ઘણીવાર મજબૂત માનવામાં આવે છે, ત્યાં પણ આ ‘વિક્ટિમ કાર્ડ’ રમવાની વૃત્તિ વકરી રહી છે. આપણે ડિપ્રેશન, એન્ક્ઝાઈટી કે એકલતા માટે તરત જ સામેવાળી વ્યક્તિ કે સંજોગોને જવાબદાર ઠેરવી દઈએ છીએ, પણ શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે આપણી માનસિક અવસ્થાનો રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં કેવી રીતે ગયો? સામેની વ્યક્તિ કે સંજોગ તો ગમે તેવા હોઈ શકે, પણ એ સંજોગોથી કેટલા પ્રભાવિત થવું અને પોતાની જાતને કેવી રીતે ઘડવી, શું એ આપણી અંગત જવાબદારી નથી?

જ્યારે આપણે બીજાને ‘ઘટિયા’ કહીએ છીએ,ત્યારે આપણે અજાગૃતપણે એવું માની લઈએ છીએ કે આપણે પોતે તો દૂધે ધોયેલા છીએ. આપણે જાણે ‘અત્તરનું પૂમડું’ હોઈએ તેમ બીજાની ગંદકીની ચર્ચા કરીએ છીએ, પણ શું આપણે ક્યારેય આપણા પોતાના આચરણ, આપણી વાણી કે આપણા નિર્ણયોનું તટસ્થ નિરીક્ષણ કર્યું છે ખરું? શું આપણે ક્યારેય કોઈને દુ:ખી નહીં કર્યા હોય? શું આપણા અહંકાર કે આપણી જિદને કારણે કોઈની જિંદગીમાં આપણે ‘ઘટિયા’ પાત્ર નહીં બન્યા હોઈએ?સત્ય તો એ છે કે આપણે બીજામાં રહેલી ખરાબીઓ શોધવામાં એટલા વ્યસ્ત છીએ કે આપણી અંદર રહેલા અંધકારને જોવાની ફુરસદ જ આપણને નથી. 

શાસ્ત્રોમાં કદાચ ‘મીડિયોકર’ એટલે કે મધ્યમ શ્રેણીના લોકો તેમને જ કહ્યા હશે, જે પોતાની ભૂલો સ્વીકારવાને બદલે બીજા પર દોષારોપણ કરીને છટકી જવાનો માર્ગ શોધતા હોય છે. આત્માના ઊંડાણમાં ઊતરવા માટે આત્મમંથનની જરૂર છે, પણ એની ય પહેલા જે અનિવાર્ય છે તે છે ‘આત્મનિરીક્ષણ’ અથવા ‘સેલ્ફ-અસેસમેન્ટ’. આપણે આત્મનિરીક્ષણની બાબતમાં અત્યંત નબળા સાબિત થયા છીએ.

પોતાની પીડા કે હારને બીજા પર ઢોળી દેવી એ બહુ આસાન રસ્તો છે,કારણ કે એમાં આપણે કશું જ કરવાનું રહેતું નથી. જો હું એમ કહી દઉં કે ‘મારું ડિપ્રેશન પેલા માણસને કારણે છે’, તો મેં મારી જાતને એમાંથી બહાર આવવાની જવાબદારીમાંથી મુક્ત કરી દીધી. પણ જો હું એમ કહું કે ‘હું દુ:ખી છું કારણ કે મેં સામેવાળાની વાતને મારા પર હાવી થવા દીધી’, તો ત્યાંથી પરિવર્તનની શરૂઆત થાય છે. પુરુષ તરીકે,જે રીતે આપણને સંઘર્ષો વચ્ચે અડગ રહેવાનું શીખવવામાં આવે છે,ત્યાં આ રીતે બીજાના ઓશિયાળા બનીને જીવવું એ કાયરતા છે.
 
જિંદગીમાં જ્યારે પણ કંઈક ખરાબ થાય ત્યારે આંગળી બીજા તરફ ચીંધાય એ પહેલાં હથેળી પોતાની તરફ ફેરવવાની જરૂર છે. શું આપણે એટલા નબળા છીએ કે કોઈના શબ્દો કે કોઈના વ્યવહાર આપણી માનસિક શાંતિને ક્ષણભરમાં છિન્નભિન્ન કરી નાખે?આત્મનિરીક્ષણ આપણને શીખવે છે કે દુનિયા તો એવી જ રહેવાની,લોકો પણ બદલાવાના નથી,બદલાવ માત્ર આપણી અંદર આવી શકે છે.

આજે સોશ્યલ મીડિયા પર જે પ્રકારનું ક્ધટેન્ટ વાઈરલ થાય છે,તે આપણને સતત એમ કહે છે કે ‘તમે તો સાચા જ છો,દુનિયા જ ખરાબ છે.’ આ માનસિકતા આપણને કાયમી બિચારા બનાવી દે છે. જિંદગીમાં સફળતા કે નિષ્ફળતા એ સંજોગોનું પરિણામ હોઈ શકે, પણ આપણી માનસિક સ્થિતિ એ તો આપણા ઘડતરનું પરિણામ છે. જો આપણે આપણી જાતને મજબૂત રીતે ઘડી હોય, જો આપણે આપણા સ્વભાવની મર્યાદાઓને ઓળખી લીધી હોય, તો કોઈ પણ ‘ઘટિયા’ વ્યક્તિ આપણને ડિપ્રેશનની ભેટ આપી શકતી નથી. 

પીડા ત્યારે જ થાય છે જ્યારે આપણે અંદરથી પોલા હોઈએ છીએ. આપણે આપણા નિર્ણયોની જવાબદારી લેતા શીખવું પડશે. જો સંબંધોમાં ખટાશ આવી હોય,જો ધંધામાં નુકસાન થયું હોય કે જો માનસિક શાંતિ હણાઈ હોય, તો એમાં ક્યાંક ને ક્યાંક આપણો પણ ફાળો હોય જ છે. આ સત્યને સ્વીકારવા માટે જિગર જોઈએ,અને જે પુરુષ આ સત્ય સ્વીકારી શકે છે, તે જ ખરા અર્થમાં ‘આત્મનિરીક્ષણ’ કરી શકે છે.

ટૂંકમાં, આપણે સૌએ એટલું જ સમજવાની જરૂર છે કે બીજા પર ઠીકરાં ફોડવાનું બંધ કરીને જે દિવસે આપણે અરીસા સામે ઊભા રહીને આપણી પોતાની ખરાબીઓ સાથે આંખ મિલાવીશું,તે દિવસથી સાચા અર્થમાં આપણો વિકાસ શરૂ થશે. આપણે કોઈ અત્તરનું પૂમડું નથી કે જેની સુગંધ કાયમી રહે,આપણે માણસ છીએ અને આપણી અંદર પણ એટલી જ ખામીઓ છે જેટલી આપણે બીજામાં શોધીએ છીએ. ‘મીડિયોકર’ રહેવું કે પછી આત્મનિરીક્ષણ દ્વારા ઉપર ઊઠવું, એ ચૂંટણી આપણી પોતાની છે. 

જિંદગી આપણી છે, તો એની તકલીફોની જવાબદારી પણ આપણી જ હોવી જોઈએ. જે દિવસે આપણે આપણી નિષ્ફળતાના માલિક બનીશું,તે જ દિવસે આપણે આપણી સફળતાના પણ હકદાર બનીશું. બીજાને દોષ દઈને છટકવાને બદલે પોતાની અંદર ડોકિયું કરવું એ જ શ્રેષ્ઠ આત્મમંથન છે. અને તો જ આપણે બીજાઓથી જુદા તરી પણ આવીશું, નહીંતર આપણે પણ કરોડો લોકોમાંના એક બની જઈશું, જે કોઈ દેશ માટે અથવા સમાજ માટે કોઈ વ્યક્તિ નથી, પરંતુ માત્ર એક માથું છે અથવા કોઈ એક આંકડો છે.