Wed Jun 17 2026

Logo

ફિલ્મનામાઃ એક અજાણી વાત શાહરુખ ખાનના એક નિષ્ફળ વેન્ચરની...

2026-06-12 09:56:00
Author: Naresh Shah
Article Image

નરેશ શાહ

તમને ‘ડ્રિમ્ઝ અનલિમિટેડ’ નામની કંપનીનું નામ યાદ છેને?!
2026માં થયેલો એક ફિલ્મી સર્વે એવું દર્શાવે છે કે અત્યારે સૌથી વધુ તીવ્રતાથી કોઈ ફિલ્મની રાહ જોવાતી હોય યા સૌથી વધુ આતુરતા ધરાવતી કોઈ ફિલ્મ હોય તો એ છે શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’. આ ફિલ્મનું નિર્માણ ‘રેડ ચીલીઝ એન્ટરટેઈન્મેન્ટે’ કર્યું છે, જેના માલિક શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન છે. ખાન દંપતીનું ‘રેડ ચિલીઝ’ પ્રોડકશન હાઉસ અત્યારે તો બોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત પ્રોડકશન હાઉસ પૈકીનું એક ગણાય છે. ‘પહેલી’ ફિલ્મ જેવી બહુ ઓછી નિષ્ફળતા ‘રેડ ચિલીઝ’ના ભાગે આવી છે, પરંતુ આ સફળ-પ્રોડકશન હાઉસના પાયામાં શાહરુખ ખાનની એક ઘોર નિષ્ફળતા રહેલી છે, એ બહુ ઓછાને ખયાલ હશે. 

‘રેડ ચીલીઝ’ (2002)ના જન્મ પહેલાં પણ બાદશાહ ખાન એક પ્રોડકશન હાઉસ શરૂ કરી ચૂકયાં હતા. તેનું નામ હતું: ‘ડ્રિમ્ઝ અનલિમિટેડ’ !

બડે બડે અરમાનો સાથે શરૂ થયેલી ‘ડ્રિમ્ઝ અનલિમિટેડ’ના સર્જન અને વિસર્જનની વાત જાણવા જેવી છે. શાહરુખ ખાનનું આ પ્રથમ પ્રોડકશન હાઉસનો જન્મ ‘યસ બોસ’ (1997) ફિલ્મ નિર્માણથી થયો હતો. ‘યસ બોસ’ વખતે અઝીઝ મીર્ઝા, જુહી ચાવલા અને શાહરુખાનને વિચાર આવેલો કે પ્રોડયુસર આપણી આવડત અને કૌવત પર કરોડો રૂપિયા લગાવી શકતા હોય તો આપણે કેમ આપણી જાત પર વિશ્ર્વાસ નથી મૂકી શકતા? 

જો આપણે જ પ્રોડયુસર હોઈએ તો આપણી મનમરજી ફિલ્મની ફિલ્મ બનાવી શકીએ અને સિનેમાને વધુ (બોકસ ઓફિસને નહીં) વફાદાર રહીને કામ કરી શકીએ. આવા વિચારના ખાતર પર ‘ડ્રિમ્ઝ અનલિમિટેડ’ કંપની બની. અઝીઝ મીર્ઝા, જુહી ચાવલા અને શાહરુખ ખાન પાંચ-પાંચ લાખ કાઢીને કંપનીના પાર્ટનર બન્યા. અલગ પડવા માટે શાહરુખે કંપનીના નામ પાછળ એસ (ડ્રિમ્સ નહીં) પણ ઝેડ (ડ્રિમ્ઝ) લગાડયો.

ડ્રિમ્ઝ અનલિમિટેડના ત્રણેય પાર્ટનર તો ક્રિએટીવ પર્સન હતા. કલદારની અને કાયદાના વહીવટને તેમને ખાસ કશી ગતાગમ નહોતી એટલે જય મહેતા (જુહી ચાવલાના પતિ)એ રજિસ્ટરી સહિતની બાબત સંભાળી લીધી હતી. યશ જોહર (કરણ જોહરના પિતા)ને પ્રોડકશનની જવાબદારી સોંપવામાં આવી. જુહીના ભાઈ સંજીવ (જે પછીથી ગંભીર અકસ્માતનો ભોગ બનીને કોમામાં જતા રહ્યા)ને પ્રોડકશન એક્ઝિકયુટિવ બનાવવામાં આવ્યા. વીસ માણસોનો સ્ટાફ લેવામાં આવ્યો અને ચાર માળનું એક બિલ્ડીંગ ખરીદીને ‘ડ્રિમ્ઝ અનલિમિટેડ’ની કોર્પોરેટ ઓફિસ શરૂ કરવામાં આવી. શાહરુખ ખાનની ઓફિસની બહાર નેઈમ પ્લેટ લગાડવામાં આવી: સુપરસ્ટાર.

‘યસ બોસ’ તેમનું પ્રથમ નિર્માણ હતું, જે કંઈ સુપરડુપર હિટ નહોતું. તિજોરીની દૃષ્ટિએ ઠીકઠાક રહી હતી આ ફિલ્મ અને એટલે જ ત્રણેય થાપ ખાઈ ગયા. વાજતે ગાજતે તેમણે ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ ફિલ્મનું એનાઉન્સમેન્ટ થયું. ડિરેકટર, હીરો અને હીરોઈન તો ઘરના (એટલે કે કંપનીના) જ હતા. ત્રણ કરોડના બજેટ સાથે ન્યૂઝ-ચેનલ અને પત્રકારોની વાત કરતી ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ બનાવવામાં આવી, જે બનાવવા પર આદિત્ય ચોપડા અને કરણ જોહર પહેલીથી જ સહમત નહોતા. તે બન્ને સાચા પડયા. 

21 જાન્યુઆરી, 2000ના દિવસે રિલીઝ થયેલી ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ ડિઝાસ્ટર પુરવાર થઈ. બધા આઘાતથી સૂનમૂન થઈ ગયા પણ શાહરુખ ખાન માટે એ ડિપ્રેશનનો ડબલ ડોઝ હતો, કારણ કે આગલા અઠવાડિયે જ રિલીઝ થયેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ બ્લોક બસ્ટર થઈ અને પ્રથમ ફિલ્મથી જ હૃતિક રોશન સુપરસ્ટાર થઈ ગયો. ‘ઈન્ડિયા ટૂડે’ જેવા મેગેઝિને એવી કવરસ્ટોરી છાપી કે શાહરુખના સ્થાને હવે હૃતિક રોશન આવી ગયો છે (આ દિવસોમાં શાહરુખ ખાન પુત્ર આર્યનને પૂછતો રહેતો: સબ અચ્છા કૌન હૈ!)

આ જ મનોવ્યથાના દૌરમાં શાહરુખે હાર્યા જુગારી બમણું રમેના ન્યાયથી સાડા બાર કરોડના બજેટવાળી ‘અશોકા’ ફિલ્મ અનાઉન્સ કરી અને રિલીઝ પછી ઈન્ડિયામાં એ પણ ભપ્પ  થઈ ગઈ. ચાર કરોડની નુકસાની થઈ. લાગલગાટ બે ફિલ્મની નિષ્ફળતા પછી ‘ડ્રિમ્ઝ અનલિમિટેડ’ના ત્રણેય હતાશ પાર્ટનરોએ સેઈફ રમવા માટે ‘ચલતે-ચલતે’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી. શરૂઆતમાં તેમાં ઐશ્ર્વર્યા રાય હતી પણ સલમાન કાંડ પછી તેને રિપ્લેસ કરીને રાની મુખરજીને લેવામાં આવી અને... આ વાત જુહી ચાવલાને ખટકી ગઈ. 

માર્કેટની ડિમાન્ડ મુજબ તેને ઐશ્ર્વર્યા રાય સામે વાંધો નહોતો, પણ રાની મુખરજી કરતાં પોતાની માર્કેટ વેલ્યુ (અને શાહરુખ સાથેની જોડી) વધારે વજનદાર હોવાનું માનતી જુહી ચાવલાએ ત્યારે તો હસતા મોંઢે ફિલ્મ બનવા દીધી. ‘ચલતે ચલતે’ એ પણ પૂરવાર કર્યું કે એ કંઈ સફળતમ ફિલ્મ નહોતી. 

બસ, જુહીનો રસ ઊડી ગયો ડ્રિમ્ઝ અનલિમિટેડમાંથી. અઝીઝ મીર્ઝા પણ પત્ની નિમેસાના અવસાનથી અપસેટ થઈ ગયા હતા. શાહરુખ ખાન પોતાની અગાઉની ફિલ્મોથી સંતુષ્ટ હતો, પણ તેનું સ્ટારડમ ફરી લાવે તેવી એ ફિલ્મો નહોતી. આખરે 2001માં ‘ડ્રિમ્ઝ અનલિમિટેડ’ના વાવટો સંકેલાઈ ગયા અને 2002માં પત્ની સાથેની ભાગીદારીમાં એસઆરકેએ ‘રેડ ચીલીઝ એન્ટરટેઈન્મેન્ટ’ શરૂ કરી, જેણે પ્રથમ ધડાકે જ ‘મૈં હૂ ના’ ફિલ્મથી શાહરુખ ખાનને ફરીથી બ્લોક બસ્ટર સ્ટાર બનાવી દીધો!’