Sat May 30 2026

Logo

રસોડાની ગરમીમાંથી મળશે મુક્તિ: ગેસ ઓન કર્યા વિના માત્ર 10 મિનિટમાં તૈયાર કરો ઓફિસ અને સ્કૂલ માટે આ પાંચ 'નો-કુક' ટિફિન રેસિપીઝ...

2026-05-29 20:40:14
Author: Darshana Visaria
Article Image

ઉનાળાની ઋતુમાં તપતા રસોડામાં લાંબો સમય ઊભા રહીને રસોઈ બનાવવી કોઈને ગમતી નથી. તેમાં પણ સવાર-સવારની ઉતાવળમાં ઓફિસ કે સ્કૂલ માટે ટિફિન તૈયાર કરવું એ સૌથી મુશ્કેલ કામ બની જાય છે. એક તો ગરમી અને ઉપરથી રોજ નવું શું બનાવવું તેની ચિંતા! આવા સમયે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે કંઈક એવું બની જાય જે ઝટપટ તૈયાર થાય, હેલ્ધી હોય, પેટ પણ ભરે અને બપોર સુધી બગડે પણ નહીં.

આ જ કારણે આજકાલ 'નો-કુક લંચ બોક્સ આઈડિયાઝ' ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ રેસિપીઝની ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે ગેસ ઓન કરવાની બિલકુલ જરૂર નથી પડતી અને માત્ર 10 મિનિટમાં સ્વાદિષ્ટ ટિફિન તૈયાર થઈ જાય છે.  જો તમે પણ ટિફિન માટે કંઈક આવું જ ઝટપટ અને હેલ્ધી શોધી રહ્યા છો, તો આ પાંચ બેસ્ટ નો-કુક ઓપ્શન્સ તમારા કામના છે-

દહીં-પૌઆ ફ્રૂટ બાઉલ 

જો તમને ઉનાળાની બપોરે હલકો છતાં પેટ ભરાય તેવો ખોરાક ગમતો હોય, તો દહીં-પૌઆ ફ્રૂટ બાઉલ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. પૌઆને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ તેમાં ઠંડું દહીં મિક્સ કરી દો. ઉપરથી સફરજન, દાડમ કે કેળા જેવા ફળોના ટુકડા ઉમેરો. સ્વાદ વધારવા માટે તમે તેમાં થોડું શેકેલું જીરું અને શેકેલી સીંગદાણા પણ ઉમેરી શકો છો. આ ડિશ ઉનાળામાં શરીરને ઠંડક આપવાની સાથે એનર્જી પણ જાળવી રાખે છે.

હેલ્ધી વેજ સેન્ડવિચ અને ઠંડી છાશ 

જ્યારે ટિફિન તૈયાર કરવા માટે બહુ ઓછો સમય હોય ત્યારે વેજ સેન્ડવિચ સૌથી સરળ અને લોકપ્રિય આઈડિયા છે. બ્રાઉન કે મલ્ટિગ્રેન બ્રેડમાં કાકડી, ટામેટાં, પનીર અને ફુદીનાની લીલી ચટણી લગાવીને સેન્ડવિચ તૈયાર કરી લો. આ સાથે ટિફિન બોક્સમાં એક નાની બોટલમાં ઠંડી મસાલા છાશ પેક કરી દો. આ કોમ્બિનેશન ઓફિસ જનારાઓથી લઈને સ્કૂલના બાળકો માટે એકદમ પરફેક્ટ અને લાઈટ લંચ સાબિત થાય છે.

સ્પ્રાઉટ્સ સલાડ 

પોષણથી ભરપૂર સ્પ્રાઉટ્સ (મગ, ચણા વગેરે) ને માત્ર ડુંગળી, ટામેટાં, કાકડી, લીલા મરચાં અને કોથમીર સાથે મિક્સ કરો. ઉપરથી થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ નીચોવી લો. આ હાઈ-પ્રોટીન લંચ બોક્સ વજન નિયંત્રિત કરનારાઓ અને હેલ્થ પ્રત્યે સભાન લોકો માટે બેસ્ટ છે.

ક્રીમી પીનટ બટર બનનીઝ અથવા રેપ્સ 

રોટલી બનાવવાની ઝંઝટ વગર જો ટિફિન બનાવવું હોય તો ટોર્ટિલા રેપ્સ અથવા બ્રેડ સ્લાઈસ પર પીનટ બટર લગાવી, તેની વચ્ચે કેળાની સ્લાઈસ ગોઠવીને રોલ વાળી લો. આ સ્વાદિષ્ટ હોવાની સાથે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને બાળકોને ખૂબ જ ભાવે છે.

કોલ્ડ પાસ્તા અથવા મેકરોની સલાડ (Cold Pasta Salad)

જો ઘરમાં પહેલેથી જ બાફેલા પાસ્તા કે મેકરોની હોય, તો તેમાં થોડું મેયોનીઝ અથવા દહીં, બારીક સમારેલા શાકભાજી (કેપ્સિકમ, સ્વીટ કોર્ન) અને ઓરેગાનો-ચીલી ફ્લેક્સ મિક્સ કરીને સ્વાદિષ્ટ કોલ્ડ પાસ્તા સલાડ બનાવી શકાય છે. ઉનાળામાં આ ઠંડી વાનગી ખાવાની ખૂબ મજા પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાના દિવસોમાં ટિફિનમાં આવી હળવી અને ગેસ વગર બનતી વાનગીઓ સામેલ કરવાથી પાચનતંત્ર સારું રહે છે અને બપોરના સમયે ઓફિસમાં આળસ કે ઊંઘ આવવાની સમસ્યા પણ રહેતી નથી.

વધુ જુઓ...