Sat Aug 15 2026

Logo

બેસ્ટને આર્થિક રીતે સક્ષમ કરવા પ્રોપર્ટીનો વિકાસ કરીને ૨૮,૦૦૦ કરોડ ઊભા કરાશે

2026-08-05 10:03:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઘણા વર્ષોથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. મુંબઈ મહાનગરપાલિકા પાસેથી ફંડ મેળવીને કામ ચલાવી રહેલી બેસ્ટ ઉપક્રમે આર્થિક રીતે સધ્ધર થવા માટે પોતાની માલિકીની મિલકતનો વિકાસ કરીને ૨૮,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના બનાવી છે. 
બેસ્ટને નાણાકીય કટોકટીમાંથી બહાર લાવવા માટે શરૂઆત કરવી પડશે. માલિકીની મિલકતનો વિકાસ, નવી બસો, મેનપાવર અને મર્જર દ્વારા બેસ્ટને ફરીથી સક્રિય કરવાના પ્રયાસો કરવામાં આવશે એવું બોલતા બેસ્ટ સમિતિના ચેરપર્સન તૃષ્ણા વિશ્ર્વાસરાવે જણાવ્યું હતું કે બેસ્ટના નાણાકીય રીતે સધ્ધર અને આત્મનિર્ભર બનાવવા માટે લગભગ ૨૮,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર છે, તે  માટે અસ્કયામતો વિકસાવવા માટેની વ્યાપક યોજના મંગળવારે બેસ્ટ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. બેસ્ટની મિલકતો પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) ધોરણે વિકસાવવાની દરખાસ્ત છે. જોકે આ વિકાસ પ્રક્રિયામાં બેસ્ટની જમીન અને મિલકતોની માલિકી કાયમ બેસ્ટ પાસે જ રહેશે.

બેસ્ટ સમિતિના ચેરપર્સને મિલકત બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે પહેલા તબક્કામાં બસ ડેપો અને સ્ટાફ ક્વાર્ટર્સને આધુનિક બનાવવામાં આવશે, ત્યારબાદ પાર્કિંગ સહિતની અન્ય જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. બેસ્ટની પોતાની પ્રોપર્ટીનો વિકાસ કરીને તેના દ્વારા આવકનો નિયમિત સ્રોત જનરેટ કરીને નાણાકીય અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 
વધુમાં તેમણેે કહ્યું હતું કે બેસ્ટની બસ સેવાને મજબૂત કરવા ૧,૫૦૦ નવી બસો ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેમજ પચીસ બસો પ્રાઈમ મિનિસ્ટરના ફંડમાંથી આવશે. પાંચ બસો ખુલ્લા સ્વરૂપે ઉપલબ્ધ થશે.  દિવાળી સુધીમાં નવી બસોને સેવામાં મૂકવાના પ્રયાસ છે.

પાલિકામાં વિલીનીકરણ
વિલીનીકરણ બાબતે તૃષ્ણા વિશ્ર્વાસરાવે કહ્યું હતું કે જો બેસ્ટનું મહાનગરપાલિકામાં વિલીનીકરણ થયું હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત. તેઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બેસ્ટના વિલીનીકરણના મુદ્દા પર ચર્ચા કરશે.  મુખ્ય પ્રધાની અને નાયબ મુખ્ય પ્રધાને બેસ્ટના પ્રશ્ર્નો અંગે હકારાત્મક વલણ દર્શાવ્યું છે.

કર્મચારીઓની અછત
બેસ્ટ ઉપક્રમમાં કર્મચારીઓની અછત હોવા બાબતે ચેરપર્સને કહ્યું હતું કે બેસ્ટમાં મેનપાવરની ભારે અછત છે, જેમાં લગભગ ૧૬,૮૦૦ કર્મચારીઓની અછત છે. જેથી જરૂરિયાત મુજબ ભરતી કરવી જરૂરી છે.  બેસ્ટની સેવાઓને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે સ્ટાફની જરૂરિયાત પૂરી કરવી જરૂરી છે.

વધુ જુઓ...