કોલંબો: ભારતનો ભરોસાપાત્ર ટેસ્ટ ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલ શ્રીલંકામાં બે વર્ષ પહેલાં પલ્લેકેલમાં રમ્યો હતો, પરંતુ કોલંબોમાં તેનો આ પહેલો જ પ્રવાસ છે અને એમાં તે આજે પોતાના બીજા જ બૉલ પર શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
શ્રીલંકા ક્રિકેટ ઇલેવન સામે ટીમ ઇન્ડિયાની એકમાત્ર વૉર્મ-અપ મૅચ ચાલી રહી છે જેમાં 58 આંતરરાષ્ટ્રીય મૅચના અનુભવી યશસ્વી (Yashasvi)એ બૅટિંગ પ્રેક્ટિસ કરવાની અમૂલ્ય તક ગુમાવી હતી. લેફટ આર્મ પેસ બોલર વિશ્વ ફર્નાન્ડોના બૉલમાં તે સામે બૅકવર્ડ પૉઇન્ટ પર ઊભેલા દિલુમ સુદીરા તિલકરત્નાને સીધો કૅચ આપી બેઠો હતો.
A half-century stand ✅
— BCCI (@BCCI) August 8, 2026
KL Rahul 🤝 Devdutt Padikkal
Updates ▶️ https://t.co/g7rdlUUjY2#TeamIndia pic.twitter.com/ENvUGTvBK2
શ્રીલંકા (SriLanka) ક્રિકેટ ઇલેવને ત્રણ દિવસની આ મૅચમાં પ્રથમ દાવ 8/363ના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ ભારતનો દાવ હજી માંડ શરૂ થયો હતો ત્યાં યશસ્વીએ વિકેટ ફેંકી દીધી હતી.
યશસ્વીએ કાર્યવાહક કેપ્ટન કે. એલ. રાહુલ સાથે ઈનિંગ્સની શરૂઆત કરી હતી. શુભમન ગિલ હાથની આંગળીની ઈજાને કારણે શુક્રવારના પ્રથમ દિવસે નહોતો રમ્યો એટલે રાહુલને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ભારતે 17 ઓવરમાં એક વિકેટે 67 રન બનાવ્યા હતા. રાહુલ 23 રને અને દેવદત્ત પડિક્કલ 44 રને રમી રહ્યો હતો.
મૅચ શુક્રવારે શરૂ થઈ હતી જેમાં યજમાન ટીમે બૅટિંગ લીધા બાદ આઠ વિકેટે 363 રન બનાવ્યા હતા અને દાવ ડિકલેર કરી દીધો હતો. શ્રીલંકન ટીમે શરૂઆત સારી કરી હતી, પણ લંચ બાદ ભારતે ઉપરાઉપરી ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે કૅપ્ટન ગમાગે સોનલ દિનુશાની હાફ સેન્ચુરીને લીધે શ્રીલંકન ટીમનો સ્કોર 300 રનને પાર ગયો હતો. પિચમાં સ્પિનર્સને વધુ લાભ મળ્યો હતો. છેલ્લા સત્રમાં ભારતીયોએ ચાર વિકેટ લીધી હતી.
સ્પિનર્સ કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા તથા માનવ સુથારે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે એક વિકેટ ઝડપી બોલર ગુરનૂર બ્રારને મળી હતી. ત્રણ દિવસીય મૅચમાં શનિવારના બીજા દિવસે ભારતીય બૅટ્સમેનોની કસોટી થઈ રહી છે. ભારતની બૅટિંગ લાઇન-અપ માં હજી રિષભ પંત, ધ્રુવ જુરેલ અને રવીન્દ્ર જાડેજા બાકી છે. શુભમન ગિલ ઈજામુક્ત થઈને કદાચ બૅટિંગ કરવા આવશે.