આગ્રા-વારાણસી વંદેભારત એક્સપ્રેસમાં પ્રવાસીને આપવામાં આપેલા નાસ્તામાં કીડો જોવા મળતા પ્રવાસીઓએ રોષે ભરાઈને ધમાલ કરી હતી. પ્રવાસીઓએ પ્રશાસનને સવાલ કર્યો હતો કે તમારી આ બેદરકારીને કારણે જો કોઈનો જીવ જતો રહેશે તો તે તમારા વળતરથી પાછો થોડી આવવાનો છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા આ મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી છે, પણ તેમ છતાં જનતા રેલવે પ્રશાસનને સવાલ કરી રહી છે.
ઈન્ડિયન રેલવેની પ્રીમિયમ ટ્રેનોમાંથી એક એવી વંદેભારત એક્સપ્રેસમાં ફૂડમાંથી કીડો કે હલકી ગુણવત્તાનું ફૂડની આ પહેલી ઘટના નથી. આગ્રા-વારણસી વચ્ચે દોડતી વંદેભારત એક્સપ્રેસમાં જ્યારે પ્રવાસીઓને નાસ્તો આપવામાં આવ્યો ત્યારે તેમાંથી મૃત કીડો નીકળતા પ્રવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રવાસીએ કોચ અટેન્ડન્ટને બોલાવીને તેને સવાલો કરીને ધમાલ કરી હતી. આઈઆરસીટીસી દ્વારા આ મામલે આકરા પગલાં લેવામાં આવ્યા છે પરંતુ વારંવાર થતી આવી ઘટનાઓ પર પ્રવાસીઓ હવે રેલવે પ્રશાસનને સવાલો કરી રહ્યા છે.
આ ઘટનામાં પ્રવાસીએ રેલવે કર્મચારીને સવાલ કરતાં સ્ટાફે તમને આનું વળતર આપવામાં આવશે, એવું જવાબ આપ્યો હતો. રેલવે કર્મચારીનું આ વર્તન જોઈને પ્રવાસી વધારે રોષે ભરાયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે રોષે ભરાયેલો પ્રવાસી પોતાને ડોક્ટર ગણાવે છે અને સવાલ કરે છે કે જો આને ખાઈને હું બીમાર પડીશ તો આની અસર થોડાક સમય પછી જોવા મળશે. બીમાર પડનારની જવાબદારી કોણ લેશે?
રેલવે તંત્રની આ બેદરકારીને પગલે કોચમાં પ્રવાસ કરી રહેલાં અન્ય પ્રવાસીઓ પણ રોષે ભરાયા છે અને તેઓ પણ સવાલ કરી રહ્યા છે કે આખરે રેલવે આ મામલે શું પગલાં લઈ રહ્યું છે? જો આવું ભોજન ખાઈને કોઈના જીવને નુકસાન થશે તો તેની જવાબદારી કોણ લેશે. જોકે, ટ્રેનમાં ઓન ડ્યુટી રહેલાં રેલવે કર્મચારીઓ આ મામલાને ખૂબ જ શાંતિથી અને ગંભીરતાથી સોલ્વ કરે છે.
આઈઆરસીટીસી દ્વારા આ વાઈરલ વીડિયો પર જવાબ આપતા જણાવવામાં આવ્યું હતું કે સંબંધિત સર્વિસ પ્રોવાઈડરને આવી બેદરકારી માટે ભારે દંડ ફટકારવામાં આવ્યો છે અને કિચન યુનિટને પણ સાફ-સફાઈ અને પેસ્ટ કન્ટ્રોલ માટે સીલ કરવામાં આવ્યું છે. આવી ઘટના ભવિષ્યમાં ન બને એ માટે આ મામલાની તપાસ પણ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અમદાવાદ-મુંબઈ અને પટના-ટાટા નગર વંદેભારત એક્સપ્રેસમાં આવા જ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. એ સમયે રેલવે દ્વારા આઈઆરસીટીસીને 10 લાખનો દંડ અને વેન્ડરને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. રેલવે દ્વારા સમય સમય પર બેદરકારી દેખાડનારા વેન્ડર પર પગલાં તો લેવામાં આવે છે પણ કોઈ પ્રકારના સોધુરા જોવા મળતો નથી.