લખનઉ: ભારતમાં 16મી વસ્તી ગણતરીને લઈ ઉત્તર પ્રદેશમાં વહીવટીતંત્રે કમર કસી લીધી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ઉત્તર પ્રદેશમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ જનગણનાની સૌથી મહત્વની બાબત એ છે કે, આઝાદી પછી દેશમાં પ્રથમ વખત 'જાતિ આધારિત વસ્તી ગણતરી' (Caste Census) કરવામાં આવશે, જે બીજા તબક્કાનો ભાગ હશે. ચાલો વિગતે જોઈએ...
બે તબક્કામાં વસ્તી ગણતરીનું આયોજન
ઉત્તર પ્રદેશમાં વસ્તી ગણતરીના કાર્યક્રમને બે તબક્કામાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કોમાં (22 મે થી 20 જૂન 2026) મકાનોનું સૂચિબદ્ધિકરણ અને મકાનોની ગણતરી કરવામાં આવશે. ગણતરી એજન્ટો ઘરે-ઘરે જઈને મકાનની સ્થિતિ, પરિવારને મળતી સુવિધાઓ અને સંપત્તિની વિગતો મોબાઈલ એપ દ્વારા એકત્રિત કરશે. જ્યારે બીજા તબક્કામાં (જે ફેબ્રુઆરી 2027માં શરૂ થસે) મુખ્ય વસ્તી ગણતરી એટલે કે વ્યક્તિગત ડેટા કલેક્શન કરવામાં આવશે. આ જ તબક્કા દરમિયાન કેન્દ્રની નીતિ મુજબ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે.
5.25 લાખ કર્મચારીઓની વિશાળ ફોજ
આઈએએસ શીતલ વર્માએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ પ્રક્રિયા અંગે સત્તાવાર વિગતો આપી છે. ઉત્તર પ્રદેશના જનગણના નિયામક શીતલ વર્માએ જણાવ્યું કે, આ વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે 5.25 લાખ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 18 મંડળ કમિશનર, 75 જિલ્લા મેજિસ્ટ્રેટ, 17 મ્યુનિસિપલ કમિશનર, 600 જેટલા જિલ્લા સ્તરના અધિકારીઓ, 1195 જેટલા ચાર્ડ અધિકારીઓ સહિત 5 લાખથી વધુ સુપરવાઈઝર અને ગણતરીકારોનો સમાવેશ થાય છે.
VIDEO | Lucknow, Uttar Pradesh: Director and Chief Principal Census Officer, Sheetal Verma, addresses a press conference on Census 2027.
— Press Trust of India (@PTI_News) May 2, 2026
She says, “The Census is the only operation that is truly universal. We reach out to every ordinary citizen, to every single individual.… pic.twitter.com/AFS3GUMhyf
જાતિગત વસ્તી ગણતરી માટે SOPની રાહ
જોકે જાતિગત વસ્તી ગણતરી ફેબ્રુઆરી 2027માં યોજાનાર છે, પરંતુ તેની ચોક્કસ પ્રક્રિયા (SOP - Standard Operating Procedure) હજુ તૈયાર કરવાની બાકી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ આ માટેની ગાઈડલાઈન્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં માત્ર હાઉસ હોલ્ડ લેવલના ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.