Mon Oct 05 2026

Logo

ગામડાંની બહેનો બનશે સ્વાવલંબી: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ-સહાય જૂથોમાં જોડાવા તંત્રનું આહ્વાન

2026-09-09 13:34:00
Author: Mumbai Samachar Team
ગામડાંની બહેનો બનશે સ્વાવલંબી: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ-સહાય જૂથોમાં જોડાવા તંત્રનું આહ્વાન

ભુજ: રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કચ્છ જિલ્લાના સરહદી અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને આર્થિક તથા સામાજિક રીતે સશક્ત બનાવવા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મહિલાઓ સ્વ-સહાય જૂથો બનાવી, સ્વમાનભેર આજીવિકા મેળવી શકે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ સંગઠિત થયેલી બહેનોને તેમની રુચિ મુજબ વ્યવસાયિક કૌશલ્ય વર્ધન તાલીમ, બેંક ધિરાણ મારફતે નાણાકીય સહાય, ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ માટે માર્કેટિંગ પ્લેટફોર્મ અને ઉદ્યોગ સાહસિકતા નોંધણી સહિતની માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ સહયોગથી ગ્રામીણ મહિલાઓ પારિવારિક આવકમાં વધારો કરી આત્મનિર્ભર બની રહી છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા જણાવાયું છે કે, સ્વ-સહાય જૂથમાં જોડાઈ પોતાની આજીવિકા શરૂ કરવા ઈચ્છુક ગ્રામીણ બહેનોએ પોતાની ગ્રામ પંચાયતમાં તલાટી-કમ-મંત્રી અથવા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી કે તાલુકા લાઈવલીહૂડ મેનેજરનો સંપર્ક સાધવાનો રહેશે. જિલ્લાની વધુને વધુ મહિલાઓ આ કલ્યાણકારી મિશનનો લાભ લઈ આર્થિક સ્વાવલંબન તરફ આગળ વધે તેવું આહ્વાન કરવામાં આવ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)