Thu Jul 23 2026

Logo

લખપતમાં દફનાવાયેલા યુવાનનો મૃતદેહ કબરમાંથી કેમ બહાર કઢાયો? જાણો વિગત

2026-06-29 14:05:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ લખપત તાલુકાના બરંદા ગામમાં ચાર દિવસ પૂર્વે ગળેફાંસો ખાઈને આપઘાત કરનારા એક યુવાનના મોતના મામલામાં ભારે રહસ્ય સર્જાયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. યુવાનના મોતમાં કોઈ 'ફાઉલ પ્લે' હોવાની લેખિત અરજી મળતાં જ નારાયણ સરોવર પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરીને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં મૃતક યુવાનની લાશને કબરમાંથી બહાર કઢાવી છે. પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને લાશને પેનલ ડોક્ટર દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બરંદા ગામે રહેતો ૨૬ વર્ષીય યુવાન સિધિક ઉર્ફે ઈરફાન અલીમામદ પડિયાર ગત તા. ૨૫ જૂનના રોજ બપોરે બે વાગ્યે પોતાના ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થયો હતો. મોડી સાંજ સુધી તે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. આ દરમિયાન ગામની સીમમાં આવેલી બાવળની ગીચ ઝાડીઓમાંથી સિધિકનો લટકતો દેહ મળી આવ્યો હતો. ટૂંકા ગાળામાં જ જેના લગ્ન થયા હતા તેવા જુવાનજોધ પુત્રના મોતના આઘાતમાં પરિવારે આત્મહત્યા હોવાનું માની લીધું હતું અને કાયદાકીય ગૂંચવણથી બચવા પોલીસને સત્તાવાર જાણ કર્યા વિના જ બીજા દિવસે સવારે મૃતદેહની દફનવિધિ પણ સંપન્ન કરી નાખી હતી.

યુવકના અકાળ અવસાન અને રાતોરાત પોલીસ વેરિફિકેશન વગર કરાયેલી દફનવિધિને પગલે સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્કો શરૂ થયા હતા. દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર ઘટના પાછળ કોઈ ગંભીર કાવતરું કે શંકા હોવાની લેખિત રજૂઆત નારાયણ સરોવર પોલીસ મથકે કરવામાં આવી હતી. આ સંવેદનશીલ અરજી મળતાં જ પોલીસે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની પૂર્વ મંજૂરી મેળવી હતી.

આજે વહેલી સવારે પોલીસ અધિકારીઓ અને મહેસૂલી તંત્રના નાયબ મામલતદારની પ્રત્યક્ષ હાજરીમાં વિધિવત રીતે કબર ખોદીને સિધિકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ મોત આત્મહત્યા છે કે હત્યા, તે સત્તાવાર રીતે જાણી શકાય તે માટે તબીબોની વિશેષ પેનલ દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતોની દેખરેખ હેઠળ પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે.

બીજી તરફ, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતકના પરિવારજનોએ એવો બચાવ કર્યો છે કે સિધિક છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ હતો અને તેની તબીબી સારવાર ચાલી રહી હતી. પોલીસે પરિવારના આ દાવાની ખરાઈ કરવા માટે સિધિકની સારવારને લગતી તમામ મેડિકલ ફાઈલો અને દવાઓના પ્રિસ્ક્રિપ્શન કબજે લીધા છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્યમય મોતના સાચા કારણ પરથી પડદો ઊંચકાશે તેમ નારાયણ સરોવર પોલીસના તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું. 

(ઉત્સવ વૈદ્ય)