Mon Oct 05 2026

Logo

રાત્રે વારંવાર ઊંઘ ઊડી જાય છે? સાવધાન! અનિદ્રા કે સ્લીપ એપનિયાનો હોઈ શકે છે ખતરો...

2026-09-09 14:39:43
Author: Darshana Visaria
રાત્રે વારંવાર ઊંઘ ઊડી જાય છે? સાવધાન! અનિદ્રા કે સ્લીપ એપનિયાનો હોઈ શકે છે ખતરો...

રાત્રે અચાનક એકાદ વાર આંખ ખૂલવી સામાન્ય બાબત હોઈ શકે છે, પરંતુ જો દરરોજ રાત્રે વારંવાર ઊંઘ ઊડી જતી હોય, ઊઠ્યા પછી ફરી ઊંઘ ન આવતી હોય અને સવારે સ્વભાવમાં ચીડિયાપણું રહેતું હોય તો તેને હળવાશથી ન લેવી જોઈએ. આ લક્ષણો માત્ર સામાન્ય થાકના નથી, પરંતુ અનિદ્રા કે પછી સ્લીપ એપનિયા જેવી ગંભીર સ્લીપિંગ ડિસઓર્ડરના પ્રારંભિક સંકેત હોઈ શકે છે. યોગ્ય સમયે આ સમસ્યાને ઓળખીને લાઈફસ્ટાઈલમાં નાના ફેરફારો કરવાથી તેનો સરળતાથી ઉકેલ લાવી શકાય છે.

રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવા પાછળના મુખ્ય કારણો:

રાત્રે ઊંઘ ન આવવા પાછળનું સૌથી મોટું કારણ માનસિક તણાવ છે. ઓફિસ કે વ્યક્તિગત જીવનની ચિંતાઓના કારણે મગજ શાંત થતું નથી અને ઊંઘ વચ્ચે તૂટી જાય છે. અનિદ્રાથી પીડિત વ્યક્તિને રાત્રે પથારીમાં પડ્યા પછી કલાકો સુધી ઊંઘ આવતી નથી અથવા વહેલી સવારે જ આંખ ખૂલી જાય છે, જેનાથી આખો દિવસ સુસ્તી અને થાક રહે છે.

સ્લીપ એપનિયા એ એક જોખમી શ્વસન સંબંધિત છે, જેમાં ઊંઘ દરમિયાન અચાનક શ્વાસ રુંધાય છે, દર્દી જોરજોરથી નસકોરાં બોલાવે છે અને ગૂંગળામણ થવાને કારણે અચાનક ગભરાટ સાથે જાગી જાય છે. ઘણીવાર દર્દીને પોતે આ સમસ્યાની ખબર હોતી નથી પરંતુ પરિવારના સભ્યો તેને ઓળખી શકે છે. આ ઉપરાંત ખોટો તકિયો, અયોગ્ય ગાદલું કે ઊંઘવાની ખોટી સ્થિતિ પણ સ્લીપ સાયકલ બગાડી શકે છે.

ગાઢ અને ખલેલરહિત ઊંઘ મેળવવાના સરળ ઉપાયો:

સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલાં મોબાઈલ, લેપટોપ કે ટીવીની સ્ક્રીનથી દૂર રહો. તેના બ્લૂ લાઈટથી મેલાટોનિન હોર્મોન ઘટે છે.
ગળા અને પીઠને યોગ્ય ટેકો મળે તેવા યોગ્ય તકિયા અને ગાદલાનો ઉપયોગ કરો.
સૂતાં પહેલાં પુસ્તક વાંચવું, હળવું સંગીત સાંભળવું કે મેડિટેશન જેવી શાંત પ્રવૃત્તિઓ કરો.
દિવસ દરમિયાન નિયમિત કસરત અને શારીરિક શ્રમ કરવાથી રાત્રે કુદરતી રીતે ઝડપથી ગાઢ ઊંઘ આવે છે.